સૈધાંતિક રીતે જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં વ્યવહારિક રીતે અહમ આડો આવતો જ હોય છે!

spread a thought Tari ane mari vaat

‘ઓળખાણ પડે છે?!’ મલ્ટીપ્લેક્ષના બેઝમેન્ટ પાર્કિંગમાં લીફ્ટ માટે રાહ જોતા એક યુગલમાંના ભાઈને ત્યાં આવી ચઢેલા બીજા યુગલ પૈકીના ભાઈએ પૂછ્યું. એમના અવાજ અને ચહેરા બંને ઉપર અચાનક મળવાની ઉત્તેજના જણાતી હતી.

‘તું ગાડી પાર્ક કરતો’તો ત્યારે જ હું તને ઓળખી ગયો હતો પણ જોતો હતો કે તું મને ઓળખે છે કે નહિ?!’ પહેલા એ જવાબ આપ્યો. એના ચહેરા ઉપર અચાનક મળ્યાનો આનંદ ઓછો અને કટુતા વધુ હતી.

‘રોશની; ઓળખે છે ને ધીમંતને?! મારો સ્કૂલ-ફ્રેન્ડ, આપણે એના લગ્નમાં પણ ગયા હતા’ બીજાએ પેલાની કટુતા નોંધ્યા વગર જ પોતાની પત્નીને કહ્યું.

એની પત્ની જવાબ આપે તે પહેલા જ જાણે પહેલાને મોકો મળી ગયો હોય તેમ તેણે પરખાવ્યું ‘ક્યાંથી ઓળખે?! ઓળખાણ જેવું રાખો તો ઓળખે ને?! તમે યાર મોટા માણસ, મળવાની વાત તો દુર રહી ક્યારે’ય ફોન-બોન પણ ના કરો’

એટલામાં લીફ્ટ આવી ગઈ, અંદરથી ઉતરતા અને ચઢતા લોકોની વચ્ચે એમની વાત તૂટી. લીફ્ટમાં તો આમે’ય વાતો કરતા નજર વધુ કામ કરતી હોય છે એટલે ચોથા માળ સુધી પહોંચતા શાંતિ રહી અને પછી આગળ બે વચ્ચે શું વાતો થઇ હશે તે સાંભળવાની મને સવલત ના રહી! પણ, એમની સાથે જ લીફ્ટમાં પ્રવેશેલો હું વિચારતો રહ્યો. માનો કે વાતચીત આગળ ચાલી હોત અને બીજાએ કહ્યું હોત કે યાર તારી વાત સાચી છે, હું તને મળી કે ફોન નથી કરી શક્યો પણ તું’ય ક્યાં કરી શક્યો છું?! મને તો કદાચ મારી વ્યસ્તતા નડી છે અને એટલે જ આમ અચાનક મળવાથી ઉન્માદિત થઇ ગયો અને તું યાદ નથી કરતો – ફોન નથી કરતો એવી ફરિયાદ પણ ના થઇ. પરંતુ, તને કદાચ તારી વ્યસ્તતા કરતા અહમ વધારે નડતો લાગે છે  કારણ કે તારા પ્રતિભાવમાં મળવાના આનંદ કરતા કડવાશ વધારે છે અને ‘તું ના કરે તો હું કેમ કરું?! એ વ્યસ્ત હોય તો હું પણ કંઈ નવરો નથી’ એવો ભાવ છે. ઉમળકાથી મળનારો દોસ્ત તેની મસ્તીમાં હતો જયારે બીજો અંદર ધરબી રાખેલી નકારાત્મક લાગણીઓથી પરેશાન હતો.

મને ખાતરી છે કે લીફ્ટમાંથી બહાર નીકળ્યા પછી એ બંને વચ્ચે બીજી ઔપચારિક વાતો થઇ હશે પણ મને વિચાર આવ્યો તેવી દલીલ તો નહીં જ થઇ હોય. કારણ કે; આવી વાત કરવા માટે ફેંટ પકડીને ગાળ બોલ્યા પછી બીજી મીનીટે ગળે લગાવવા જેવા પરિપક્વ અને સાફ દિલના સંબંધો જોઈએ. અહીં તો સંબંધોમાં અહમ એટલા આડા આવતા હોય છે કે ફેસબુક ઉપર લાઈકસ્ અને વોટ્સ-એપ ગ્રુપમાં ઊંચા અંગુઠાની દાદ પણ સાટામાં મળતી હોય છે!! તમે મારી પોસ્ટમાં કે મેસેજમાં તાળી પાડશો તો જ હું તમારી પોસ્ટ કે મેસેજમાં તાળી પાડીશ નહીંતર જોયા, માણ્યા અને ગમ્યા છતાં તેને ઇગ્નોર કરવાનો ડોળ કરીશ છતાં’ય છાનોમાનો તમને ફોલો કરીશ! કમાલની વાત એ છે કે થીયોરેટીકલી જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં પ્રેક્ટીકલી અહમ આડો આવતો જ હોય છે! જેટલો નજીકનો સંબંધ એટલો મોટો અહમ, અજાણ્યાના અપમાનમાં કશું’ય ના અડે પણ સ્વજનના વ્યવહારમાં એક ટકો ઓછાનો’ય વાંધો પડે. પાછો મનમાં બચાવ પણ કાર્યરત હોય જ કે જો એ એક ડગલું ચાલે તો હું નવ્વાણું ચાલવા તૈયાર છું. ભાઈ આ એક ડગલું જ અહમનું છે, એને અવગણીને તું પહેલા નવ્વાણું ચાલી નાખવાની તાકાત બતાવ, સામેવાળો સાવ નફ્ફટ નહીં હોય તો તારે નવ્વાણું નહીં ચાલવા પડે!

સંબંધોમાં આવી ટોણાબાજી કરનારા કે લાઇક સામે લાઇક કરનારાઓ માટે મારી પાસે એક ફિલસુફી છે. અહમની લ્હાયમાં જયારે તમે ‘જેવા સાથે તેવા’ થવા જાવ છો ત્યારે તમે જેવા છો તેને છોડીને સામેવાળા જેવા થવા જાવ છો. હવે માની લો કે તમે તેના જેવા ના થઇ શક્યા, તો પણ બહારથી ડોળ તો ચાલુ રાખવાના જ અને સરવાળે પોતાના સ્વભાવ વિરુદ્ધના આવા અભિગમમાં રીબાવાના! અને જો તેના જેવા થઇ શક્યા, તો પછી તમે પોતે તો ના જ રહ્યા!! બંને કિસ્સાઓમાં સાફ કોણ થયું?! અસ્તિત્વ કોનું ભુસાયું?!! – આખો ફકરો ફરી વાંચો એટલે સમજાશે કે આપણો વટ રાખવા જતા આપણે જ ભુસાઈ ગયા અને સ્વભાવ વિરુદ્ધનો વ્યવહાર કરવામાં મનોમન તણાવમાં રહ્યા તે જુદા! દુરના સંબંધોમાં ના તમને ફરક પડવાનો, ના એમને ફરક પડશે પરંતુ નજદીકના સંબંધોમાં સામેવાળાને આવા વ્યવહારનો ફરક પડે – ના પડે પણ તમે તો ઉચાટમાં રહેવાના જ તે નક્કી. કદાચ અહમ બચશે પણ તમે નહીં બચો!!

નજદીકી સંબંધોમાં આવો ઉચાટ કે દુઃખ ના અનુભવવું હોય તો મારી સીધી સમજ છે કે આપણે જેવા છીએ તેવા રહેવું, સામેવાળો જેવો છે તેવું સ્વીકારવું. ના તો આપણે એના જેવા થવાનો પ્રયત્ન કરવો અને ના તો એને આપણા જેવા બદલવાનો પ્રયત્ન કરવો. થાય ત્યાં સુધી ઇગ્નોર કરવાના અને લાગ મળે ટોણા ફટકારી દેવાના અભિગમમાં આપણું સ્વાસ્થ્ય તો બગડવાનું જ. આ તો સરવાળે આપણે આપણી જાત સાથે કરેલો દુર્વ્યવહાર છે. જો તમે તમારી જાત સાથે આવો દુર્વ્યવહાર કરવા ના માંગતા હોવ તો દુર ના કરી શકાય તેવા સંબંધોના દુર્વ્યવ્હારોને માફ કરી દો. હા, આમ કરવામાં તમને એવી ચિંતા સતાવતી હોય કે આવા અભિગમથી લોકો તમને ગણશે નહીં કે તમારું માન નહીં રહે તો બે વાત વિચારવી જોઈએ. એક, ગણના-માન-સન્માન વગેરે કરતા આપણી સ્વસ્થતા-માનસિક શાંતિ વધુ અગત્યની છે અને બીજી, ‘લાઇક સામે લાઇક’માં તમારું કયું માન-સન્માન જળવાય છે કે ગણના થાય છે?!!

પૂર્ણવિરામ:

આપણને સૌથી વધારે નકારાત્મક લાગણીઓ સ્વજનો માટે હોય છે અને હકારાત્મક લાગણીઓ અજાણ્યા માટે હોય છે. સલમાન કે શાહરુખની ફિલ્મના બસ્સો કરોડની કમાણીથી ખુશ થનારા લોકો મિત્રો-સ્વજનોની હજારોની કમાણીથી પણ ઈર્ષ્યા અનુભવતા હોય છે!!

Instagramt

happyminds_logo1

3 Comments Add yours

 1. Reblogged this on Revolution and commented:
  Be happy, be yourself…
  Forgive and forget…

 2. Maulik Patel says:

  nice post…!!!

 3. Ramkrishna Dave says:

  very nice

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s