‘ડીપ્રેશન’થી પીડાતી વ્યક્તિઓમાં અમુક વૈચારિક નબળાઈઓ ખુબ સામાન્ય હોય છે અને આ અવસ્થામાં પોતાની જાતને મદદ કરવા ઈચ્છતી દરેક વ્યક્તિએ આ નબળાઈઓ ઉપર કાબુ મેળવવો જરૂરી હોય છે. આ પૈકી એક મહત્વની નબળાઈ એવી ભૂતકાળ વાગોળવાની વૃત્તિની વાત આપણે કરી.
મનની નકારાત્મક અવસ્થા સાથે સંકળાયેલી બીજી મહત્વની નબળાઈ છે વિચારોમાં જડતા. સામાન્ય રીતે હતાશ વ્યક્તિઓ તેમના વિચારોને જડતાપૂર્વક પકડી રાખવાનું અને તેમની માન્યતાઓને દ્રઢતાપૂર્વક વળગી રહેવાનું વલણ ધરાવતી હોય છે. એથી’ય એક ડગલું આગળ વધીને કહીએ તો પોતાના વિચારોમાં કે માન્યતાઓમાં જડતાભર્યું વલણ ધરાવતી વ્યક્તિઓ જયારે હતાશ થાય ત્યારે તેમનું ડીપ્રેશન વધુ ઘેરું અને હઠીલું હોય છે. વિચારોમાં જડતાને કારણે વ્યક્તિ તેના નકારાત્મક વિચારોને બદલવા સરળતાથી તૈયાર થતી નથી અને સરવાળે તેમના મનની હતાશા દુર કરવા માટે જરૂરી એવા હકારાત્મક વિચારો તે સહેલાઈથી અપનાવી શકતી નથી. આ વ્યક્તિઓ જીવનના પ્રસંગો, ઘટનાઓ, સગાઓ કે કુટુંબીઓ વગેરે પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતી હોય તો તેને જડતાપૂર્વક પકડી રાખે છે અને સરવાળે પોતે આક્રોશવશ દુખી રહે અને બીજા ને દુખી કરે!
‘ડીપ્રેશન’માં પોતાની જાતને મદદ કરવા ઇચ્છતી દરેક વ્યક્તિએ પોતાના વિચારોમાં રહેલી જડતા અંગે વાકેફ બનવું જરૂરી છે. પોતાના વિચારોનું આત્મવિશ્લેષણ કરીને પોતે કઈ બાબતો, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓ પ્રત્યે જડતાભર્યું વલણ ધરાવે છે તેની નોંધ લેવી જરૂરી છે. આ નોંધના આધારે નક્કી કરવું જોઈએ કે તેનું આ વલણ તેના ‘ડીપ્રેશન’ સાથે કેટલું અને કેવી રીતે સંકળાયેલું છે?! દા.ત. ઘણીવાર હતાશ વ્યક્તિને મનમાં એમ હોય છે કે કોઈને એની પડી નથી, કોઈ એને પ્રેમ કરતુ નથી, એ કોઈ કામની નથી, એના જીવનમાં હવે કશું સારું બનવાનું નથી વગેરે જેવા અસંખ્ય વિચારો ઘર કરી બેઠા હોય, તેને સાબિત કરતી ઘણી દલીલો કરતા હોય પરંતુ આ વિચારો બદલવા લેશમાત્ર માનસિક તૈયારી ના હોય. જરૂરી નથી કે તેમના આ વિચારો ખોટા હોય પરંતુ સાચા હોય તો પણ શું?! ઉદાસીન રહેવાથી, આક્રોશ વ્યક્ત કરવાથી, તેને જડતાપૂર્વક વળગી રહેવાથી પરિસ્થિતિ બદલાશે?! સમજ તો એ કેળવવાની છે કે આવા વિચારો સાચા હોય કે ખોટા, માનસિક સ્વસ્થતા માટે નકામા છે અને તેને જડતાપૂર્વક વળગી રહીએ તો નુકસાન આપણું જ છે. તેમાંથી બહાર નીકળવા અને હકારાત્મક અભિગમ કેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અહીંયા લખ્યું છે અને તમે વાંચો છો એટલું સહેલું નથી તે કોઈને’ય પણ સમજાય તેવી વાત છે પરંતુ ખાતરીપૂર્વક કહું છું કે બધું એમનું એમ રહે અને તેમ છતાં’ય તમારો અભિગમ બદલાય તો મૂડ ચોક્કસ બદલાય છે.
આ જ વાત માત્ર વિચારોને જ નહિ તમારા ભૂતકાળના અનુભવો કે પ્રસંગોને પણ લાગુ પડે છે. ગમે તેટલું દુઃખ અનુભવ્યું હોય કે લાગણીઓ દુભાઈ હોય પરંતુ એ વાતને જડતાપૂર્વક પકડી રાખીને જીવનમાં હકારાત્મક બની શકાય?! વાસ્તવમાં તો એમાંથી તમારે જીવનમાં કે વ્યવહારમાં શું શીખવાનું છે તે શીખીને આગળ વધવું પડે. સતત એને તમારા માનસપટ ઉપર જીવતું રાખીને નકારાત્મક લાગણીઓથી વિશેષ તમે શું પામી શકો?
વ્યક્તિઓ પ્રત્યેના પૂર્વગ્રહો એ એક પ્રકારની વૈચારિક જડતા જ છે. જયારે એ તમારા મનની સ્થિતિ(મૂડ) ઉપર અસર કરે ત્યારે તમારે એ અંગે પણ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. જે વ્યક્તિઓ દૂરની છે તેમાં ખાસ વાંધો ના પણ આવે તેમ છતાં’ય પૂર્વગ્રહો હમેશા તમારા મનની નકારાત્મકતા વધારનારા હોય છે. સાવ સાચી વાત તો એ છે કે જે વ્યક્તિઓના સ્વભાવ કે વ્યવહાર તમારી હતાશા કે નકારાત્મકતામાં વધારો કરતા હોય તે વ્યક્તિઓ સાથે તમારે કયા પ્રકારનું જોડાણ રાખવું એ તમારે નક્કી કરવાનું છે. વ્યક્તિ કે તેના સ્વભાવ-વ્યવહારને બદલવા કરતા એમના પ્રત્યેનો તમારો અભિગમ બદલવો વધુ આસાન છે.
યાદ રાખો, તમારા મનની હતાશા કે નકારાત્મકતા તગેડવા તમારે તમારા વિચારો અને વ્યવહારમાં દરેક તબક્કે ઘણા ફેરફારો કરવા પડે પરંતુ જો તમે ‘જડતા’ દુર ના કરી શકો તો ફેરફારને કોઈ અવકાશ રહેતો નથી.
વિચારવા જેવું: વિચારો કે વ્યવહારમાં જડતા તળાવના બંધિયાર પાણી જેવી છે તેમાં નકારાત્મકતાની લીલ ઉગતા અને દુર્ગંધ ફેલાતા વાર નથી લાગતી. જયારે આ જ પાણીની જડતા(સ્થિરતા)ને યોગ્ય જગ્યા મળે તો એ વહેવા માંડે છે અને લીલ-દુર્ગંધનો સફાયો થવા માંડે છે.
વાહ સરસ વાત કરી….