તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ધડકને દો’નો એક સીન બહુ રસપ્રદ છે. દીકરીને છૂટાછેડા લેવા છે અને માતા-પિતાને સમાજમાં લોકો શું કહેશે તે વિચારે તેની સામે વાંધો છે. આજકાલ તો વિચારોમાં પણ ફેશન-ઈમિટેશનનો ટ્રેન્ડ છે તે મુજબ દીકરી ટ્રેન્ડી કારણ આપે છે ‘અમે બંને બહુ અલગ છીએ’! સહેજ ભણેલા લોકોમાં પણ પોતાના મતભેદોને આવા રૂપકડા અને બૌદ્ધિક લાગે તેવા એક વાક્યમાં રજુ કરવાની ફેશન છે. માતા; દીકરીની આ દલીલનો સણસણતો જવાબ આપે છે ‘એ તારો પતિ છે, જોડિયો ભાઈ નથી’ – એક જ વાક્યમાં એકદમ સચોટ વાત! તબીબી દ્રષ્ટીએ તો હવે જોડિયા બાળકો પણ એકબીજાની ઝેરોક્ષ જેવા નથી હોતા, તેમાં’ય ઘણી બાબતો અલગ પડે છે ત્યાં જીવનસાથીઓ એકબીજાથી અલગ હોવાના કારણે અસંતોષ કે ઉચાટ અનુભવે તે કેટલું વ્યાજબી છે?! હું નથી માનતો કે કોઈપણ યુગલ આ વાત સમજતું ના હોય, તેમ છતાં પોતાની મૂળભૂત સમસ્યાઓ સ્વીકારવામાં કે તેનો યોગ્ય ઉકેલ લાવવામાં નિષ્ફળ વ્યક્તિઓને આવી બધી દલીલો માફક આવી ગઈ હોય છે. બાકી દીકરીની મૂળભૂત સમસ્યાઓ તો કંઇક અલગ જ છે – જેમ કે સ્વામિત્વ ધરાવતો પતિ, સ્માર્ટલી મહેણાં મારતી અસંતુષ્ટ સાસુ, સન્માનની નજરે જોતો સેલ્ફ-મેઈડ પ્રેમી, લાગણીઓની અસલામતીથી પીડાતી માતા, આપખુદ બીઝનેસ માઈન્ડેડ બાપ, પોતાના જેવા જ સંજોગોનો શિકાર સપોર્ટીવ ભાઈ વગેરે. આ બધા જ વ્યક્તિઓ, તેમના અભિગમો અને તેમની સાથેના વ્યવહારો બધું જ પુત્રીની અસંતુષ્ટિ પાછળ જવાબદાર છે પરંતુ રૂમમાં બેઠેલા બધા કંઇક જુદી જ વાતો કરે છે! માં કહે છે – લગ્નજીવનમાં નાનું-મોટું ચાલતું રહે, દરેક લગ્નમાં પ્રોબ્લેમ હોય છે અને તેનો ઇસ્યુ બનાવવાની જરૂર નથી આગળ વધો. એ અલગ વાત છે કે પુત્રી આગળ વધીને ડિવોર્સ માંગી રહી છે. પિતા તો વળી ‘અલગ છીએ કે અમારી વચ્ચે કોમ્પેટીબીલીટી નથી’ એવી રજૂઆત સામે તડૂકે છે – તમે બન્ને યુવાન છો, બન્ને સફળ છો, બન્ને પંજાબી છો, બન્ને ટેનીસ રમો છો પછી કેવી રીતે અલગ છો?! પોતાના દીકરા માટે કોઈ લાગણીઓ નથી એવું કહેતી વહુને સાસુ પૂછે છે – પણ પ્રોબ્લેમ શું છે?! એટલે લાગણી-બાગણી સમજ્યા, એ કોઈ પ્રોબ્લેમ થોડી કહેવાય?! દીકરી સહીત બધા જ સમજતા હોવા છતાં ઉપર ઉપરથી વાત કરે છે કોઈ અસલી વાત તો કરતુ જ નથી!!
સંબંધોના પ્રશ્નોમાં મોટાભાગે આવો દુખે પેટને કૂટે માથું વાળો ઘાટ હોય છે. સમસ્યાના મૂળમાં રહેલી બાબતો અંગે જાણકારી હોવા છતાં યુગલોમાં ક્યાંક તો એ સ્વીકારવાની માનસિક તૈયારી હોતી નથી, તો ક્યાંક તેને ઉકેલવા કરતા માત્ર ફરિયાદો, દલીલો કે આક્ષેપો કરવામાં સાથીઓ પોતાની શક્તિ-સમય ખર્ચે જતા હોય છે. સાવ સાચી વાત તો એ છે કે સંબંધોમાં એકબીજાને છેતરવા કરતા પોતાની જાતને છેતરતા વ્યક્તિઓની સંખ્યા ઘણી વધારે છે. બધું જ જાણતા અને સમજતા હોવા છતાં તે પોતાની લાગણીઓને સાચી રીતે અને યોગ્ય સમયે વ્યક્ત કરવાને બદલે દંભના સહારે રહેતા હોય છે. આવા અભિગમ પાછળ રીજેકશનના ભયથી શરુ કરીને લોકો શું કહેશે ત્યાં સુધીના અનેક કારણો છે. ક્યાંક તો સંવેદનાઓ જ બુઠ્ઠી અને ક્યાંક યંત્રવત લાગણીઓનો વ્યવહાર. બહાર હસતા રહેવાનું અને અંદર વસમું એકાંત. બહુ ઓછા યુગલોના સંબધ બહાર જેવા દેખાય છે તેવા જ અંદર છે, બાકી તો શો-કેસમાં જુદું અને ગોડાઉનમાં જુદું એવો ઘાટ છે.
પ્રશ્નો કોને નથી હોતા? ગેરસમજો ક્યાં નથી હોતી? ભૂલો કોણ નથી કરતું? સહજીવનના પેકેજમાં પ્રશ્નો, સમસ્યાઓ, ગેરસમજો, ભૂલો વગેરે અનિવાર્યપણે સામેલ હોય છે. કોઈપણ સંબંધમાં એક વાત પાયાની છે અને તે છે આ બધી બાબતોની તેના સાચા સ્વરૂપમાં સ્વીકૃતિ. પ્રશ્નો, સમસ્યાઓ, ગેરસમજો કે ભૂલોથી સંબંધ કાચો નથી પડતો, સંબંધ કાચો પડે છે આ બાબતોની ઉપેક્ષા કરવાથી કે તેને સ્વીકારવાની માનસિક તૈયારી ના હોવાથી! આપણે જે સીનની વાત કરી એ એક નાનકડું ઉદાહરણ છે કે લોકો ગંભીર વાતને પણ કેવી રીતે અવગણવાનું વલણ ધરાવતા હોય છે. સુખી સહજીવન ઈચ્છતા દરેક યુગલે એક સ્પષ્ટતા સંબંધના દરેક તબક્કે રાખવી પડશે અને તે એ કે સંબંધની મજબૂતાઈ પર અસર કરી શકે કે સાથીઓના મનમાં અસંતોષ ઉભો કરી શકે તેવી દરેક બાબતોને શક્ય તેટલી ઝડપથી સ્વીકારીને તેનો ઉકેલ શોધવાની દિશામાં ડગ ભરવાનું વિના સંકોચે શરુ કરી દેવું પડશે. પ્રશ્નોને તેની શરૂઆતથી જ ઉકેલવાનો અભિગમ પ્રશ્નોને વિકટ બનતા અટકાવે છે તે સાવ સહજતાથી સમજાય પણ ઝડપથી ના સ્વીકારી શકાય તેવી બાબત છે.
વાત નીકળી જ છે તો બીજી મહત્વની વાત એ પણ કહી દઉં કે સંબંધોના પ્રશ્નોને તમે જે રીતે હેન્ડલ કરો છો એ જ રીતે તમારા બાળકો પણ હેન્ડલ કરતા શીખે છે કારણ કે ટીન એજ સુધી એ તમારી ખટપટના મુક પ્રેક્ષકો હોય છે, પછી ન્યાયાધીશ કે સલાહકાર, અને પછી અંતે આ બધાથી થાકે ત્યાં સુધી તેમના પોતાના સંબંધોમાં પ્રશ્નો ઉભા થવાનો સમય આવી જાય છે. આવા સંજોગોમાં ક્યાંક તો એ તમારી ડીટ્ટો કોપી બની જાય છે અથવા તમે જે કરતા’તા એવું નહીં કરવાના ચક્કરમાં પોતાના પ્રશ્નો અવગણતા થઈ જાય અને દંભના સહારે અંદરથી રોતાં અને બહારથી હસતા-કુદતા જાય!
સમજાય તો જીવનમાં જીવનમાં ઉતારી લેવા જેવી બાબત એ છે કે સંબંધોમાં લાગણીઓ જ આપણું ચાલક બળ છે (પીકુ ફિલ્મની ટેગ-લાઈન ‘મોશન સે હી ઈમોશન’ જ્યાંથી ઉઠાવાઈ હોય એવું રોબર્ટ કીયોસાકીનું મૂળ વાક્ય ‘ઈમોશન ઇઝ એનર્જી ઇન મોશન’ વાળી આ વાત છે). આપણી લાગણીઓ પ્રત્યે પ્રામાણિક-ટ્રુથફૂલ બનવું. યાદ રાખો તમારી લાગણીઓ અને બુદ્ધિનો ઉપયોગ તમારી તરફેણમાં કરો, વિરુદ્ધમાં નહીં !
પૂર્ણવિરામ:
લાગણીઓ વિચારવાની નહીં પણ અનુભવવાની બાબત છે; પરંતુ કમનસીબી એ છે કે મોટાભાગની વ્યક્તિઓના જીવનમાં વિચારવાનું કામ તેમની લાગણીઓ જ કરતી હોય છે. સરવાળે તેમના નિર્ણયો બુદ્ધિથી ઘણા દુર હોય છે !!