સ્ત્રીના મનની ડાયરીમાં રોજનીશી લખાયે જ જતી હોય છે અને તેમાં’ય જ્યાં તેની લાગણીઓ ઘવાઈ હોય ત્યાં તો ‘હાઈલાઈટર’ પણ ઘસાતું જાય છે!

Tari ane mari vaat

તાજા પરણેલાં એક યુગલની આ વાત છે. સવારના પહોરમાં ચા પીતા-પીતા પત્નીએ પતિને કહ્યું, ‘‘મેં ગઈકાલે જ એક મેગેઝીનમાં વાંચ્યું કે લગ્નજીવનને વઘુ મજબૂત બનાવવા પતિ-પત્નીએ એકબીજાની ન ગમતી બાબતોની યાદી બનાવતા રહેવું જોઈએ અને દર અઠવાડીયે-પંદર દિવસે તે વિશે ચર્ચા કરીને તેમાં બદલાવ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી લગ્ન જીવન વઘુ સુખી અને મજબૂત બને છે.’’

“વાત દમવાળી લાગે છે” પતિએ ટાપશી પુરાવતા કહ્યું. (દરેક નવપરણિત પતિને પત્નીની વાત દમવાળી લાગતી હોય છે પણ સમયની સાથે તેમાંથી દમ ગાયબ થઇ જાય છે!)

“તો ચાલો ને આપણે પણ અજમાવી જોઈએ. એમાં કંઈ ગુમાવવાનું તો છે નહિ” પત્નીએ ઉત્સાહથી કહ્યું.

પતિ-પત્નીના આ પ્રસ્તાવ સાથે સંમત થયો. બન્ને જણાએ એકબીજાની ન ગમતી બાબતોની યાદી બનાવવાનું નક્કી કર્યું અને નિર્ધારિત કરેલા દિવસે પોત-પોતાની યાદી લઈને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. પત્નીએ કહ્યું પહેલાં હું વાંચીશ અને એણે ત્રણ પાનાની યાદી કાઢી. એક પછી એક નાની-નાની વાતોથી ભરેલી આખી યાદી તેણે વાંચી અને પતિ તેને શાંતિથી સાંભળતો રહ્યો. પોતાની વાત પુરી થતાં પત્નીએ ટેબલ ઉપર પોતાના હાથની અદબવાળીને મૂકતા કહ્યું કે, ‘‘હવે તારી યાદી વાંચ પછી આપણે બદલાવ માટે શું કરવું તેની ચર્ચા કરીએ.’’ પતિએ હળવેથી પોતાની યાદીનું કાગળ બતાવતા કહ્યું, ‘મારું કાગળ તો કોરું છે. મારે આ વિષયમાં કશું જ લખવાનું નથી. મને એવું લાગે છે કે તું તારી રીતે એકદમ બરાબર છું. મને નથી લાગતું કે તારે કંઈ બદલાવ લાવવો જોઈએ. તું જેવી છું તેવી મને ગમે છે. તારા જેવી પ્રેમાળ અને સમજદાર પત્નીમાં હું કોઈ બદલાવ નથી ઈચ્છતો.’

કોઈપણ પત્ની માટે પોતાનો પતિ પોતાને જેવી છે તેવી સ્વીકારવા તૈયાર હોય તેનાથી બીજો મોટો એવોર્ડ કયો હોઈ શકે?! પતિના મનમાં પોતાના પ્રત્યેનો પ્રેમ અને સ્વીકૃતિ જોઈ પત્નીની આંખો છલકાઈ આવી. ક્ષણભર માટે તે કંઈ બોલી ના શકી પરંતુ મનોમન વિચાર્યું કે આવું ના હોઈ શકે, આ તો એણે યાદી બનાવાની તસ્દી નથી લીધી એટલે મને મસ્કો મારીને પટાવી રહ્યો છે. તરત જ પોતાની લાગણીઓ કાબુમાં લેતા એણે પતિને કહ્યું કે આવું નહીં ચાલે તારા મનમાં શું છે તે તો તારે લખવું જ પડશે, યાદી ના બનાવી શકે તો ડાયરી લખવી પડશે.

થોડા દિવસ પછી ડાયરી વાંચવાની વાત આવી. પત્નીએ કહ્યું કે પરમ દિવસે હું ખૂબ વ્યથિત હતી. ચાલ આપણે એ દિવસનું પાનું વાંચીએ. પત્નીએ લખ્યું’તુ – એ આજે ઓફિસથી આવ્યો ત્યારે વ્યથિત જણાતો હતો. મને લાગ્યું કે સવારે થોડી ચડભડ થઈ હતી તેનો ગુસ્સો હજુ ઉતર્યો નથી પરંતુ એ કંઈ ન બોલ્યો. જમતી વખતે પણ તેનું મૌન મને અકળાવી રહ્યું’તું. મેં પૂછ્યું શું વાત છે કંઈ બોલતો નથી?! એણે કહ્યું કંઈ નહીં. રાત્રે પણ મોડે સુધી ટી.વી. જોતો રહ્યો. મને ‘ગુડનાઈટ’ પણ ના કહ્યું અને સૂઈ ગયો. હું મોડી રાત સુધી વિચારતી રહી કે હવે તેને મારા પ્રત્યે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો. તે ધીરે-ધીરે મારાથી દૂર થઈ રહ્યો છે. એના જીવનમાં કોઈ બીજી સ્ત્રી તો નથી આવી ગઈ ને ?!  હવે પતિનો વારો આવ્યો. એણે તે દિવસના પાનામાં લખ્યું’તું-આજે આપણે વર્લ્ડ-કપમાંથી બહાર ફેંકી ગયા, મારા મૂડ ની પથારી ફરી ગઈ.

વાત નાની અને કાલ્પનિક છે પરંતુ અનેક મર્મથી ભરેલી છે. સાથે જીવતા-જીવતા ઘણા પ્રસંગો એવા આવે છે કે એકબીજા પરત્વે દુઃખ થાય, હતાશા અનુભવાય કે આક્રોશ થાય. શું આ બધાની યાદી બનાવીને રાખવી ?! આપણી વાર્તામાં તો પત્નીએ કાગળ ઉપર યાદી બનાવી છે પરંતુ વાસ્તવિક જીવનમાં મોટાભાગની સ્ત્રીઓના માનસપટ પર આવી નાની-નાની બાબતોની યાદી રહેતી હોય છે, જ્યારે પુરૂષોની સ્લેટ આ બાબતે કોરી જ રહેતી હોય છે. આવી યાદીઓ સરવાળે તો દુઃખ, અસંતોષ અને ફરિયાદોને જ જન્મ આપે છે. મનોચિકિત્સક તરીકે મેં હંમેશાં અનુભવ્યું છે કે સ્ત્રીઓને પુરૂષો પ્રત્યે જેટલો અસંતોષ અને ફરિયાદો હોય છે તેટલી પુરૂષોને સ્ત્રીઓ પ્રત્યે નથી હોતી. આ વાસ્તવિકતા પાછળ રહેલા કારણોમાં કદાચ સ્ત્રીઓની આ યાદી બનાવવાની ટેવ ઘણો મોટો ભાગ ભજવે છે. મનમાં આવી યાદીઓ બનાવી સંઘરવાની સાથે-સાથે નાની-નાની બાબતોને લઈને મગજ દોડાવવાની પણ એક સ્વભાવગત્ નબળાઈ સ્ત્રીઓમાં હોય છે. આપણી વાર્તામાં પત્નીની ડાયરી આ બાબતની ચાડી ખાય છે. સ્ત્રી સાચે જ આવી ડાયરી લખે કે ના લખે પણ એના મનની ડાયરીમાં તો આવી રોજનીશી લખાયે જ જતી હોય છે અને તેમાં’ય જ્યાં પોતાની લાગણીઓ ઘવાઈ હોય ત્યાં તો ‘હાઈલાઈટર’ પણ ઘસાતું જાય છે! પતિનો મૂડ એક મેચ ને કારણે ખરાબ હતો અને પત્નીએ શું નું શું વિચારી લીધું !

બધા જ સ્વીકારે છે કે આપણો જીવનસાથી આપણા જેવો તો ન જ હોઈ શકે. એ પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. પરંતુ, કમનસીબી એ છે કે આ સ્વીકૃતિ સમજદારીમાં જવલ્લેજ પલટાય છે. આપણે તેના વ્યક્તિત્વમાં રહેલી લાક્ષણિકતાઓને અલગ વ્યક્તિત્વ તરીકે નહીં પણ ખામી તરીકે મૂલવીએ છીએ અને તેને કારણે ઉભી થતી બાબતો-વ્યવહારો મનમાં ચગળી-ચગળીને વાગોળ્યા કરીએ છીએ, અવાર-નવાર નાજોઈતા ઘર્ષણમાં ઉતરી પડીએ છીએ. આવા અભિગમથી સંબંધોમાં મજબૂતાઈ અને ઉષ્મા આવશે ?! તમે એ બાબતોની યાદી મનમાં રાખીને કે તેના અંગે લાંબુ-લાંબુ વિચારીને, ફરિયાદ કરીને તેને બદલી શકશો ?! ના, કદાપિ નહીં. સંબંધોમાં વ્યક્ત થતો અસંતોષ ઉધઈ જેવો છે, જે ધીરે-ધીરે સંબંધને અંદરથી કોરી ખાય છે. પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓ સંબંધમાં બીજાને બદલવાની અપેક્ષા, તેની ખામીઓની યાદી બનાવવાની નબળાઈ અને નાના-નાના મુદ્દાઓ પકડીને વિચારોનું મહાયુઘ્ધ સર્જવાની વૃત્તિથી પીડાય છે. જેને લઈને સંબંધોમાં લાગણીઓના મુદ્દે પુરુષની સરખામણીએ સ્ત્રી વઘુ કષ્ટ ઉઠાવે છે.

પૂર્ણવિરામઃ

સ્ત્રીઓ પાસે છઠ્ઠી ઈન્દ્રીય છે તો પુરૂષો પાસે શું છે?!

– વિસ્મરણનો વૈભવ!!

Instagramt

4 Comments Add yours

  1. savantilal parmar says:

    તારી અને મારી વાત

  2. પતિ-પત્નીના આ પ્રસ્તાવ સાથે સંમત થયો. બન્ને જણાએ એકબીજાની ન ગમતી બાબતોની યાદી બનાવવાનું નક્કી કર્યું અને નિર્ધારિત કરેલા દિવસે પોત-પોતાની યાદી લઈને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. પત્નીએ કહ્યું પહેલાં હું વાંચીશ અને એણે ત્રણ પાનાની યાદી કાઢી. એક પછી એક નાની-નાની વાતોથી ભરેલી આખી યાદી તેણે વાંચી અને પતિ તેને શાંતિથી સાંભળતો રહ્યો. પોતાની વાત પુરી થતાં પત્નીએ ટેબલ ઉપર પોતાના હાથની અદબવાળીને મૂકતા કહ્યું કે, ‘‘હવે તારી યાદી વાંચ પછી આપણે બદલાવ માટે શું કરવું તેની ચર્ચા કરીએ.’’ પતિએ હળવેથી પોતાની યાદીનું કાગળ બતાવતા કહ્યું, ‘મારું કાગળ તો કોરું છે. મારે આ વિષયમાં કશું જ લખવાનું નથી. મને એવું લાગે છે કે તું તારી રીતે એકદમ બરાબર છું. મને નથી લાગતું કે તારે કંઈ બદલાવ લાવવો જોઈએ. તું જેવી છું તેવી મને ગમે છે. તારા જેવી પ્રેમાળ અને સમજદાર પત્નીમાં હું કોઈ બદલાવ નથી ઈચ્છતો.’

    I think I have read this story, may be in your earlier columns in Gujarat Samachar.

    1. Yes I might have referred it in other articles as well 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s