બે સ્ત્રીઓ વચ્ચે સંતુલન જાળવવાની કળા મોટાભાગના પુરુષોને સાધ્ય હોય છે પરંતુ, પુરુષોની આ કળા તેને પત્ની અને માતા વચ્ચે સંતુલન જાળવવામાં મહદઅંશે કામ નથી લાગતી.

Tari ane mari vaat ‘સર અમારા બે વચ્ચે કોઈ પ્રશ્ન જ નથી, મારા તરફથી મેં ક્યારે’ય એને કોઈ રોકટોક નથી કરી. દરેક બાબતે એને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમે એને પૂછી શકો છો. પરંતુ એને મારા મમ્મી સાથે નથી ફાવતુ અને તેને કારણે અમારા વચ્ચે ઝગડા થતા રહે છે. દેખીતી રીતે મેં એ બંનેને ક્યારે’ય ઝગડતા કે દલીલો કરતા જોયા નથી અને જયારે આવી વાત હું એને કરું છું ત્યારે એ મને કહે છે કે મારી હાજરીમાં અને ગેરહાજરીમાં મારી મમ્મીનું વર્તન સાવ અલગ હોય છે. એના મતે મારી મમ્મી ઘણીવાર મારી હાજરીમાં પણ અપમાનજનક હાવ-ભાવ કે વર્તન કરી નાખે છે પણ મને ખબર નથી પડતી અથવા હું ખબર નથી પડી એવો ડોળ કરું છું!’ આમ તો બે સ્ત્રીઓ વચ્ચે સંતુલન જાળવવાની કળા મોટાભાગના પુરુષોને સાધ્ય હોય છે અને માટે જ બેનપણી સાથે લંચ કરતો પુરુષ એટલા જ ટેસથી પત્ની સાથે ડીનર કરતો હોય છે. પરંતુ, પુરુષોની આ કળા તેને પત્ની અને માતા વચ્ચે સંતુલન જાળવવામાં મહદઅંશે કામ નથી લાગતી. દેખીતી રીતે જ આ બે સ્ત્રીઓ પરત્વેની લાગણીઓની વચ્ચે મોટાભાગના પુરુષો આવા મૂંઝાયેલા જ રહે છે. માતા સાથે જોડાયેલા ભૂતકાળ અને પત્ની સાથે જોડાયેલા ભવિષ્યકાળની વચ્ચે બંને સાથે જોડાયેલો વર્તમાન પુરુષને મૂંઝવે છે. સાવ સાચી વાત તો એ છે કે મોટાભાગના પુરુષો કિશોર કે યુવાવય દરમ્યાન પોતાની માતા અને દાદી વચ્ચેના સંબંધો, પુખ્તવય દરમ્યાન પત્ની અને માતા વચ્ચેના સંબંધો અને પ્રૌઢવય દરમ્યાન પત્ની અને દીકરાની પત્ની વચ્ચેના સંબંધોમાં લાગણીઓના મુદ્દે અટવાય છે. આ મુદ્દે પુરુષની મૂંઝવણની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જયારે બંને સ્ત્રીઓ એના ખભા ઉપર બંદુક રાખીને ધડાકા કરતી રહેતી હોય છે અને પાછી એક સોફા ઉપર બેસીને ગપ્પા ઠોકતી હોય છે! ભલભલા ગણિતજ્ઞોને ગોથા ખવડાવી દે એવા આ સાસુ-વહુ વચ્ચેના સમીકરણો છે. અંતિમ કક્ષાના ગંભીર પ્રશ્નો હોય તેવા સંબંધો બાદ રાખીને વાત કરીએ તો મોટાભાગના કિસ્સાઓમાં સાસુ-વહુના સંબંધો ટોમ એન્ડ જેરીના સંબંધો જેવા હોય છે. બંને એકબીજાને સળીઓ કરતા રહે, એકબીજાની દુખતી નસ દબાવતા રહે, પતિ-છોકરાને પોતાની તરફ ખેંચતા રહે અને તેમ છતાં’ય એકબીજાને માં-દીકરી જેવા ગણાવતા રહે. પુરુષને આ ડાયનેમિક્સ સમજતા તકલીફ પડે છે કારણ કે તેની આક્રમકતા, લડાઈ કે અણગમો જેટલા ખુલ્લા છે તેટલા સ્ત્રીના નથી. આમાં’ય પાછો એક અપવાદ છે સ્ત્રીઓ પુરુષો સાથે જેટલી ખુલ્લી લડાઈ કરે છે, આક્રમકતા દાખવે છે કે અણગમો વ્યક્ત કરે છે તેટલુ ખુલ્લાપણું તેનું અન્ય સ્ત્રીઓ સાથે નથી હોતું. સ્ત્રી બીજી સ્ત્રી સાથે મોટાભાગે જીભથી લડવાને બદલે હાવ-ભાવ, વર્તન કે વ્યવહારથી લડે છે. જીભનો ઉપયોગ કરે તો પણ આડકતરી રીતે કરે છે અને સંભળાવી દે છે. ઘણીવાર તો બાજુમાં બેઠેલા પુરુષને ખબર પણ ના પડે અને સામસામી તીરંદાજી પતી ગઈ હોય! સાસુ-વહુ વચ્ચેના સમીકરણો જટિલ હોવા પાછળના અમુક કારણો સહજતાથી સમજી શકાય એવા છે. ઉત્ક્રાંતિ સમયથી સ્ત્રીઓ પોતાના તરફી પુરુષોથી સલામતી અનુભવતી આવી છે અને તે વૃત્તિ આજે પણ છે. અહીં એક સ્ત્રીને દીકરો ગુમાવવાની અને બીજી સ્ત્રીને પતિની પ્રાથમિકતા ગુમાવવાની અસલામતી છે. બંનેને પુરુષ પોતાના તરફી રાખવાની સનક છે. અહીં માતા પાસે તેનો પતિ છે એવી દલીલ કરી શકાય તેમ નથી કારણ કે સ્ત્રીઓ કુદરતી રીતે જ શક્તિશાળી પુરુષ તરફથી વધુ સલામતી અનુભવે છે, સ્વાભાવિક છે અમુક ઉંમર પછી દીકરો બાપ કરતા વધુ શક્તિશાળી જ રહેવાનો. જો દીકરામાં વેતો ના હોય તો બાપ શક્તિશાળી રહેવાનો, એટલીસ્ટ આર્થિક રીતે, આ સંજોગોમાં સમીકરણો બદલાઈ જવાના.   વિશ્લેષણમાં થોડા હજુ ઊંડા સ્તર પર જઈએ તો પોતે જમાવેલું સામ્રાજ્ય કોઈ બીજાના હાથમાં સરકતું જાય છે તેને મન એટલી સહજતાથી સ્વીકારી શકતું નથી અને તે પણ ક્યાંક ઊંડે ઊંડેથી ઉત્પાત મચાવતું રહેવાનું. બે સંજોગો શક્ય છે, એક, પતિ-પત્નીએ જાત મહેનતથી જમાવેલું બધું જ એક પૈસાની જેની મહેનત ના હોય તેના તાબે થતું જાય તે સ્વીકારવાની તકલીફ અને બીજું, પોતે જે રીતે વહુ બનીને આવ્યા પછી ધીરે ધીરે કબજે લીધેલું તે રીતે આવનારી વહુ લેશે તેનો ડર. આજ વાત પિતા-પુત્ર વચ્ચે પણ લાગુ પડે એમ છે પરંતુ પોતાના સંતાન માટે કરીએ છીએ એવી સમજ તો જીવનની આખી’ય મહેનત દરમ્યાન હતી જ તો પછી હવે તેને સ્વીકારવામાં તકલીફ શેની? અલબત્ત અમુક કિસ્સાઓમાં સંતાન યોગ્ય ના લાગતા પિતા-પુત્ર વચ્ચે પણ ઘર્ષણ જોવા મળે જ છે ને?! સ્ત્રી માટે ઘર અને તેના ઉપર પોતાનું વર્ચસ્વ એ આર્થિક કે ભૌતિક બાબત નથી પરંતુ લાગણીઓની એટલે કે ઈમોશનલ બાબત છે. સ્ત્રી જેટલી સહજતાથી આર્થિક કાબુ બીજી સ્ત્રીના હાથમાં સોંપી શકે છે તેટલી સહજતાથી લાગણીઓનો કાબુ નથી સોંપી શકતી. માટે જ, પરણ્યાના બીજા જ દિવસે વહુના હાથમાં જેટલી સહજતાથી ચાવીઓનો ઝૂડો થમાવી શકે તેટલી સહજતાથી તે જ વહુ પાછળ ઘેલો થઈને ફરતો પોતાનો પુત્ર ના સ્વીકારી શકે. ચાવીના ઝૂડા કરતા પુત્રનું આવું ઘેલપણ તેને વધુ અસલામતીનો અનુભવ કરાવે છે. બીજી બાજુ નવી આવનારી સ્ત્રીને કોઈના તાબામાં રહેવું નથી અને એ પણ કોઈ સ્ત્રીના તાબામાં તો નહીં જ. આમે’ય સ્ત્રી પોતાનાથી નીચી લાયકાત કે ક્ષમતા ધરાવતા પુરુષના તાબામાં રહેવાનું પસંદ કરે પણ પોતાનાથી ઉચ્ચ લાયકાત કે ક્ષમતા ધરાવતી સ્ત્રીના તાબામાં રહેવાનું પસંદ નહીં કરે. સ્વાભાવિક રીતે જ આડકતરી પાવર સ્ટ્રગલની રમતો રમાવવાની અને વચ્ચે પુરુષ ઠેબે ચઢવાનો. ઉપરછલ્લી આ વાતો છે, બાકી આમાં તો બંને સ્ત્રીઓના સ્વભાવ, ઉછેર, બેકગ્રાઉન્ડ, વારસાગત પરિબળો, જીવનના અનુભવો, લગ્નજીવનમાં સંતુષ્ટિ વગેરે ઘણું બધું અસર કરે છે. આ બધું સંસારચક્રનો ભાગ છે એવું સહજતાથી સ્વીકારતા હોવા છતાં પચાવવું બંને સ્ત્રીઓ માટે અઘરું છે અને તેથી જ તેમની વચ્ચે નાનું-મોટું ચાલ્યા કરવાનું. જેમ દામ્પત્યમાં પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠીની મઝા છે તેમ સાસુ-વહુ વચ્ચે પણ છે, અલબત્ત બંને સ્ત્રીઓ સમજદાર હોય અને એકબીજાની ભાવનાઓ પરત્વે સન્માન ધરાવતી હોય તો ! ચાલો ક્યારે’ય પૂરી ના થાય તેવી આ ચર્ચામાં બોલીવુડની એક સાસુની રમતથી સમાપન… નીતુસિંગ પોતાના દીકરા રણબીરને લીવ-ઇનમાં જુદો લઇ જનાર કેટરીનાને સળી કરવાનો મોકો જવા નથી દેતી. તેણે એક ફેમીલી ફોટોગ્રાફમાંથી કેટરીનાને ક્રોપ કરીને ઇન્સટાગ્રામ પર પોસ્ટ કરેલો અને પછી હોળી વખતે રણબીર-દીપિકાનો ફોટો પોસ્ટ કરીને હોળીની શુભેચ્છાઓ પાઠવી’તી… પૂર્ણવિરામ: પતિને માવડિયો અને પુત્રને વહુ-ઘેલો કહેતી સ્ત્રીમાં માત્ર ઉંમરનો ફરક હોય છે, પુરુષને પોતાના તરફી રાખવાની સનક તો સરખી જ હોય છે… Cover

4 Comments Add yours

  1. HIREN RAJPUT says:

    Sir I was witnessed same & suffering. Some extend I relief after reading.

  2. Swati Suthar says:

    (Y)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s