‘સ્ત્રીઓ મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતો નહીં પણ એક સન્માનપૂર્વક નજર માટે તરસે છે – સર, ગત સપ્તાહે તમે તમારી કોલમમાં કરેલી આ વાત મને ખુબ સ્પર્શી ગઈ અને તેથી જ મને મારી વાત તમારી સાથે શેર કરવાની હિંમત આવી છે’ વિદેશથી એક મહિલા તબીબે કરેલા ઇ-મેઇલની શરૂઆતના આ શબ્દો છે. છેલ્લા પંદર વર્ષથી ત્યાં સ્થાયી થયેલ આ બેનના પતિ પણ તબીબ છે. જે હોસ્પીટલમાં કામ કરે છે ત્યાં બંનેની સારી નામના છે. આદર્શ ગણાતા આ યુગલમાં પતિ કરતા પત્નીની ટેક-હોમ સેલેરી વધારે છે. ચાલો આટલા બેકગ્રાઉન્ડ પછી સીધા મેઇલમાં શેર કરેલી વાત ઉપર આવીએ. ‘લગભગ છેલ્લા બાર વર્ષથી હું ઘરેલું હિંસાની વચ્ચે જીવું છું. અવાર-નવાર, વાંક હોય કે ના હોય પતિનો માર ખાતી રહી છું. ક્યારેક એકાદ બે લાફા તો ક્યારેક ગડદા-પાટુંનો ઢોર માર. આ સિવાય ગમે તેવી ભાષા, મારા માટે એકદમ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગો, હું કમાતી હોવા છતાં દરેક નાની જરૂરિયાતો માટે માંગવી પડતી ભીખ અને કેટકેટલું – લખતા’ય શરમ આવે છે, સંકોચ થાય છે. પાછું સાવ એવું’ય નથી, આમ પાછો કેર પણ એટલી જ કરે. ક્યારેક માફી પણ માંગે અને ફરી નહીં થાય એવું પણ કહે, પરંતુ ક્યારે હવામાન પલટાઈ જાય તે કહેવાય નહીં. મેં ક્યારે’ય આ વિષે કોઈને વાત નહતી કરી. શરુ શરૂમાં તો મને એવું પણ લાગતું હતું કે મારો જ વાંક છે અને તેનું મારા પ્રત્યેનું આ વર્તન સહજ છે, યોગ્ય છે. પાછો માફી પણ માંગે એટલે હંમેશા થતું કે આજે નહીં તો કાલે પરિસ્થિતિ બદલાઈ જશે. પરંતુ કંઈ બદલાવાનું તો ઠીક, ધીરે ધીરે મારની સાથે સાથે તેની મારા તરફની નફરત પણ વધતી ગઈ. મારી દીકરી પણ સમજણી થઇ ગઈ અને એની હાજરીનો કોઈ ફરક એને નહતો પડતો. પાંચેક મહિના પહેલા મને થઇ ગયું કે બસ, બહુ થઇ ગયું. મારી દીકરીના ભવિષ્ય માટે પણ મારે કંઇક નિર્ણય લેવો પડશે. મેં સગા-વહાલાઓને વાત કરી. સાસરીયાઓએ કહ્યું કે હું નાટકબાજ છું કારણ કે બાર વર્ષથી ચાલતી વાતનો મેં હવે ઉપાડો લીધો. પિયરીયા કહે છે કે જેમ બાર નીકળી ગયા તેમ બાવીસ પણ નીકળી જશે. પછી તું જે નિર્ણય કરે, અમે તારી સાથે છીએ. મેં ડિવોર્સ ફાઈલ કરી દીધા છે. ઘણીવાર મને વિચાર આવે છે કે મારી પાસે ઉચ્ચ ડીગ્રી, સલામત અને મોભાદાર નોકરી, ખુબ સારો પગાર બધું જ હતું. સાચા અર્થમાં સશક્ત કહેવાઉં એવી હું મહિલા હતી તેમ છતાં આટલું કેમ સહન કર્યું?! મારે શું જરૂર હતી?! સર, તમારી વાતમાંથી મને એનો જવાબ મળ્યો કે મારે બીજા કશા’યની નહીં પણ એની નજરમાં માત્ર મારા માટે સન્માનની જરૂર હતી. જો એ હોત તો કદાચ આવા શારીરિક ત્રાસ સાથે પણ જિંદગી એની સાથે ગુજારી લીધી હોત’
આ બેનને તમે નાટકબાજ કહેશો?! ના, હું નહીં કહું કારણ કે નાટકબાજ – ડ્રામા ક્વીન બાર વર્ષની રાહ ના જુએ એનો તમાશો તો તાત્કાલિક હોય અને હકીકત કરતા ઘણો વધુ રંગીન હોય! કયારેક આવી ડ્રામા-કવીનો વિષે વાત કરીશું પરંતુ આપણે જે વાત કરી રહ્યા છીએ એ મહિલા તબીબની આપવીતી કંઈ ખાસ અસામાન્ય નથી, તેના કરતા પણ અનેકગણી સશક્ત કહી શકાય તેવી મહિલાઓએ વર્ષો સુધી શારીરિક અને માનસિક અત્યાચારો સહન કર્યા પછી મોં ખોલ્યા છે અને પોતાની એબ્યુઝીવ કહી શકાય તેવી રિલેશનશિપ તોડી છે. પોપ સિંગર રિહાનાએ આંખોમાં લોહી જામી જવાને કારણે પોતાનો ગ્રેમી-એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત સમારંભમાં કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હોય તેવો માર ખાધાના ત્રણ વર્ષ બાદ મો ખોલ્યું. એંશીના દાયકામાં પોપ ક્વીન મેડોનાએ પતિ સીન પેનના હાથે સળંગ નવ કલાક માર ખાધા હોવાની કબુલાત વર્ષો પછી કરી હતી. દુનિયાને ઘેલું કરનાર બોન્ડ-ગર્લ હેલ બેરીએ પણ તેના જમણા કાનમાં લગભગ એંશી ટકા બહેરાશ આવી ગઈ તેવો માર ખાધાની વર્ષો બાદ કબુલાત કરી હતી અને ત્યારબાદ ઘરેલું-હિંસાની વિરુદ્ધ સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ હતી. હમણાં તાજેતરમાં જ આપણે ત્યાં રતિ અગ્નિહોત્રીએ ત્રીસ વર્ષના લગ્નજીવન બાદ આવી કબુલાત મીડિયા સમક્ષ કરી. વિશ્વ સુંદરી યુક્તા મુખી જેની વાત આપણે આ લેખના મથાળામાં કરી, મિસ ઇન્ડિયા રહી ચુકેલી સફળ અભિનેત્રી ઝીન્નત અમાન, ટીવી સ્ટાર શ્વેતા તિવારી વગેરે જેવી ઘણી જાણીતી સ્ત્રીઓ આ યાદીમાં છે.
ઘરેલું હિંસા કે ડોમેસ્ટિક વાયોલન્સના જાણીતા કિસ્સાઓની જેમ તેના આંકડા પણ ચોંકાવનારા છે. સ્ત્રીના અધિકારો કે વુમન એમ્પાવરમેન્ટની રાજધાની જેવા ગણાતા અમેરીકામાં દર ચાર પૈકી એક સ્ત્રીએ (પચ્ચીસ ટકા) આ પ્રકારની હિંસાનો અનુભવ કર્યો હોય છે. સ્વાભાવિક છે આપણા દેશમાં તો આ આંકડા ઊંચા જ હોય, શારીરિક હિંસાની જ વાત કરીએ તો લગભગ દર પાંચે બે સ્ત્રીઓ (આડત્રીસ ટકા) એનો શિકાર છે અને એમાં જો માનસિક ત્રાસ, જાતીય સતામણી, ગાળા-ગાળી કે અપમાનજનક ટિપ્પણીઓનો સમાવેશ કરીએ તો આ આંકડો સિત્તેર ટકાથી ઉપર પહોંચી જાય એમ છે. આવી વરવી વાસ્તવિકતાની વચ્ચે પણ ‘માય ચોઈસ’ જેવા એમ્પાવરમેન્ટ વિડીયો વાઈરલ થઇ જાય એ દંભની પરાકાષ્ઠા જ નહીં, સ્ત્રીઓમાં છુપા આક્રોશનું અને પુરુષની રીએક્શન-ફોર્મેશનની સ્વ-બચાવ મનોવૃત્તિ છે. હા, મહિલા સશક્તિકરણની વાતો અને મહિલા તરફી કાયદાઓને કારણે હવે આ વાત એક તરફી નથી રહી પુરુષો પણ આવી ઘરેલું હિંસાનો ભોગ બનવા માંડ્યા છે અને એથી’ય વધુ કાયદાની ચુંગાલમાં સાચા કે ખોટા ફસાવા લાગ્યા છે. સશક્તિકરણ તો થયું છે કે નહીં તે ચર્ચાનો વિષય છે પણ સંઘર્ષીકરણ ચોક્કસ થયું છે !!
આ સમગ્ર ચર્ચામાં વાંચકોના મનમાં ઉઠવી જોઈએ એવી એક કુતુહલતાની ચર્ચા હજી બાકી છે. આર્થિક રીતે પતિ ઉપર નિર્ભર, ઓછું ભણેલી કે અભણ, બેકાર-ઘરમાં બેસી રહેલી, કુરૂપ, પતિ વગર નિરાધાર એવી સ્ત્રીઓ મજબૂરીવશ શારીરિક અત્યાચારો સહન કરે તે હજી કદાચ સમજી શકાય તેવી વાત છે. પરંતુ, જાણીતી, સ્વરૂપવાન, પાવરફુલ, આર્થિક રીતે ખુબ સધ્ધર, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી આ સ્ત્રીઓએ કે એમના જેવી બીજી ઘણી સ્ત્રીઓએ મોં ખોલતા પહેલા, લગ્ન કે સંબંધ તોડતા પહેલા આ બધું સહન કેમ કર્યું હશે?! તેની પાછળ શું માનસિકતા ભાગ ભજવતી હશે?!! આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ…
પૂર્ણવિરામ:
જેમ બંદુકનો ઉપયોગ રક્ષકો ઓછો અને ભક્ષકો વધુ કરે છે, તેમ ઘરેલું હિંસા અને દહેજ વિરોધી કાયદાઓનો ઉપયોગ પીડિત સ્ત્રીઓ ઓછો અને બદલો લેવા માંગતી સ્ત્રીઓ વધારે કરે છે.