RSS

સુંદર વ્યક્તિને પણ પોતાના દેખાવ અંગે સંદેહ હોઈ શકે અને કદરૂપી વ્યક્તિને પોતાના દેખાવ અંગે ઊંચા ખ્યાલ હોઈ શકે, સવાલ માનસિકતા અને આત્મવિશ્વાસનો છે!!

02 Feb

Tari ane mari vaat

નાર્સિસસ નામના શિકારીની ગ્રીક દંતકથા સાંભળી છે?! એક દિવસ આ શિકારી પહાડોમાં રખડતો હતો ત્યારે   ‘ઇકો’ નામની વનદેવીની તેની ઉપર નજર પડી ગઈ. પ્રથમ નજરે જ અપ્સરા જેવી આ વનસુંદરી તેના પ્રેમમાં પડી ગઈ અને તેનો પીછો કરવા લાગી.

નાર્સિસસને ખ્યાલ આવી ગયો કે કોઈ એનો પીછો કરી રહ્યું છે. એણે બુમ પાડી ‘કોણ છે?!’ સામે ઇકોએ પ્રત્યુતરમાં પડઘો પાડ્યો ‘કોણ છે?!’ થોડો સમય રમત ચાલી પણ અંતે ઇકો નાર્સિસસ સમક્ષ હાજર થઇ અને તેને આલિંગન આપવાનો પ્રયત્ન કર્યો. નાર્સિસસ બે ડગલા પાછળ ખસી ગયો અને ઇકોને કહ્યું કે મારાથી દુર રહે અને મને એકલો છોડી દે. તરછોડાયેલી ઇકો બહુ દુખી થઇ. જયારે નેમેસીસ નામની દેવી(ગ્રીક ગોડેસ ઓફ રિવેન્જ)ની જાણમાં આ વાત આવી ત્યારે તેણે નાર્સિસસને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેણે રચેલી માયાજાળમાં નાર્સિસસ સરોવરના પાણીમાં દેખાતા પોતાના જ પ્રતિબિંબના પ્રેમમાં પડી ગયો. તેની બુદ્ધી એવી તો બહેર મારી ગઈ કે તે સમજી ના શક્યો કે પોતે જેને ચાહે છે એ પોતાનું જ પ્રતિબિંબ છે અને પોતાના પ્રેમનો ઈચ્છિત પ્રતિભાવ ના મળતા તેણે આત્મહત્યા કરી લીધી! ઇકોના પ્રેમનો અસ્વીકાર સરવાળે તેને ભારે પડી ગયો. બીજી એક વાયકા પ્રમાણે પ્રેમનો પ્રસ્તાવ ઇકોએ નહીં પણ એમીનીઆસ નામના યુવકે મુકેલો અને તેને તરછોડવા બદલ મળેલા શ્રાપને કારણે તે પોતાના પ્રતિબિંબના પ્રેમમાં પડીને તરછોડાયાની લાગણીઓ અનુભવે છે, આત્મહત્યા કરે છે.

લે આ તો  કંઈ વાત થઇ?! કોઈપણ પ્રેમનો પ્રસ્તાવ મુકે એટલે સ્વીકારી જ લેવાનો?! ના પાડવાની સ્વતંત્રતા તો હોય કે નહીં?! હોય ભાઈ હોય, પણ કદાચ એ જમાનામાં આવો એટીટ્યુડ દંડ પાત્ર હશે! સદીઓ સુધી સર્જકોએ નાર્સિસસને પોતપોતાની રીતે મૂલવ્યો અને સર્જનોમાં લડાવ્યો. મનોવિજ્ઞાનીઓએ પોતાના પ્રેમમાં પડીને આત્મહત્યા કરનાર આ નાર્સિસસનું નામ સ્વકેન્દ્રી માણસો સાથે જોડી દીધું. ‘સ્વ’માં રચ્યાપચ્યા રહેવાની એક માનસિકતા જે સરવાળે સંબંધોમાં આત્મહત્યા જેવી પુરવાર થાય તેને લગતા નાર્સિસીઝમ, નાર્સિસ્ટિક એટીટ્યુડ, નાર્સિસ્ટિક પર્સનાલીટી વગેરે શબ્દો મનોવિજ્ઞાનમાં સમાઈ ગયા

કેટલાક ખુલ્લેઆમ સ્વકેન્દ્રી લોકોને બાદ કરતા અગણિત વર્ષો સુધી આ નાર્સિસસ માનવજાતના મનમાં સ્વ-પ્રેમ સ્વરૂપે સુષુપ્ત અવસ્થામાં પડેલો રહ્યો, પણ છેલ્લા બે વર્ષમાં તો ‘સેલ્ફી’ સ્વરૂપે બેઠો થઈને આખી દુનિયામાં ફરી વળ્યો. આ સૂતેલો નાર્સિસસ એવો તો સળવળ્યો છે કે જ્યાંને ત્યાં લોકો ભાન ભૂલીને ‘સેલ્ફી’ ખેંચવા માંડ્યા છે અને તે માત્ર સ્વ-પ્રેમ સુધી જ સીમિત નથી રહ્યો. ખરેખર તો હવે સ્વ-પ્રેમ ગૌણ બાબત છે, હવે તો મૂળ ઉદ્દેશ લાગતા-વળગતાઓનું ધ્યાન ખેંચવાનો, તેમના તરફથી પોતાના દેખાવ-વ્યક્તિત્વ કે મૌલીક્તાની સ્વીકૃતિ મેળવવાનો કે પોતાની અંગત જિંદગીની પળો જાહેરમાં શેર કરીને બ્રાંડ-વેલ્યુ (ખાસ કરીને સેલીબ્રીટીઓ, રાજકારણીઓ કે જાતે બની બેઠેલા સોશિયલાઈટો) ઉભી કરવાનો થઇ રહ્યો છે. સ્વીકારવી ના ગમે તેવી હકીકત તો એ છે કે ‘સેલ્ફ-એક્ષ્પ્રેશન’ જેવી સુફિયાણી ફિલસુફીથી શરુ થયેલી આ પ્રવૃત્તિ આજે મોટાભાગે ‘સેલ્ફ-ઓબ્સેશન’માં ફેરવાઈ ગઈ છે. વિવિધ સંજોગો કે પ્રસંગોમાં જાતને ફોટામાં કેદ કરીને તાત્કાલિક સોશિયલ મીડિયા ઉપર શેર કરીને લાઈક દ્વારા સ્વીકૃતિ મેળવવાનું માનસિક વળગણ અથવા સનક(ઓબ્સેશન) ઘણા બધાના મનમાં ઘર કરી ગઈ છે. આવી સનકના અસંખ્ય ઉદાહરણો છે, પંદર વર્ષના એક છોકરાએ રીવોલ્વર હડપચીએ ગોઠવીને સેલ્ફી લેવા જતા ગોળી છૂટીને જીવ ગુમાવ્યો(ફોનમાં ક્લીકનું બટન દબાવવાની જગ્યાએ રિવોલ્વરનું ટ્રીગર દબાવી દીધું હશે!). પોતાને સરખો અને સારો લાગે તે માટે દિવસના સો-સો સેલ્ફી લેતા’ લોકો છે અને સેલ્ફી સરખો ના આવતા આત્મહત્યા કરનારાઓ પણ છે! આવા તો અનેક લોકોએ ‘સેલ્ફી’ લેવા જતા જાન ગુમાવ્યા છે એ નાર્સિસસની જેમ આત્મહત્યા જ ગણવી પડે, અકસ્માત નહીં. લોકોના આ ઓબ્સેશનનો તાજો જ દાખલો જોઈએ છીએ?! તાજેતરમાં સિડનીમાં કોફી હાઉસમાં એક બાજુ લોકોને બંધક બનાવેલા અને બીજી બાજુ ઘણા લોકો પોલીસો સાથે ‘સેલ્ફી’ ખેંચતા’તા,બોલો!  હવે આ ‘સેલ્ફી’ લોકો પોતાના ડ્રોઈંગ રૂમમાં મઢાવવા તો ના જ ખેંચતા હોયને, એમને તો સનક એને સોશિયલ નેટવર્ક ઉપર શેર કરીને પોતાનું મહત્વ બતાવવાની હોય.

મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે ‘સેલ્ફી’નું વળગણ ધરાવનારા મોટાભાગના લોકો લઘુતાગ્રંથીથી પીડાતા હોય છે. તેમના આંતરમનમાં પોતાના દેખાવ અંગે જરૂર કરતા વધુ પડતી સભાનતા અને સંદેહ(સેલ્ફ-ડાઉટસ્) હોય છે, જયારે તેમને ‘લાઈક’ કે હકારાત્મક કોમેન્ટ્સ દ્વારા પોતાના દેખાવની સ્વીકૃતિ મળે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધતો હોય છે. મઝાની વાત એ છે કે દેખાવ અંગે જરૂર કરતા વધુ પડતી સભાનતા અને સંદેહ ધરાવતી વ્યક્તિઓની આ માનસિકતાને અને વર્તમાન દેખાવને કંઈ લેવા-દેવા ના પણ હોય! એટલે?! એટલે એ જ કે સુંદર વ્યક્તિને પણ પોતાના દેખાવ અંગે સંદેહ હોઈ શકે અને કદરૂપી વ્યક્તિને પોતાના દેખાવ અંગે ઊંચા ખ્યાલ હોઈ શકે, સવાલ માનસિકતા અને આત્મવિશ્વાસનો છે!! સંશોધનોનું બીજું મહત્વનું તારણ એ છે કે ‘સેલ્ફી’નું વળગણ ધરાવતી વ્યક્તિઓ પોતાની જાતમાં જરૂર કરતા વધુ તલ્લીન રહેનારા પણ હોઈ શકે છે અને પરિણામે તેમના સંબંધોમાં ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે. સરવાળે તેની અસર તેમના આત્મવિશ્વાસ ઉપર પડતી હોય છે.

સ્વ-પ્રેમ હોવો ખોટો નથી, આત્મવિશ્વાસ માટે એ જરૂરી પણ છે. પ્રસંગોપાત કે કોઈ અગત્યની ક્ષણોને પોતાની અંગત યાદગીરી બનાવવા લીધેલી ‘સેલ્ફી’ મહત્વની છે. પરંતુ, જ્યાં ને ત્યાં ‘સેલ્ફી’ના ગાંડપણ પર ચઢવું જરા વધારે પડતું છે અને એમાં’ય આપણી માનસિક સ્વસ્થતાનો આધાર તેને મળતા પ્રતિભાવ ઉપર હોય કે સંવેદનશીલ સંજોગોમાં માનવતાને પણ અધ્ધર મુકીને આપણને ‘સેલ્ફી’ પોસ્ટ કરવાની તાલાવેલી કે સનક રહેતી હોય તે તો ઘણું વધારે પડતું છે !! યાદ રાખજો, પોતાની જાતના લીધેલા ફોટા કરતા ફોટા પાછળ રહેલી જાત જીવનના દરેક તબક્કે વધારે મહત્વની છે!

પૂર્ણવિરામ:

‘સેલ્ફી’ને મળતી લાઈક્સ કરતા ‘સેલ્ફ’ને મળતી લાઈક્સ વધુ મહત્વની છે અને તે માટે ‘વર્ચ્યુઅલ’ નહીં ‘એક્ચ્યુઅલ’ સંબંધો જરૂરી છે.

spread a thought

Advertisements
 

Tags: , , , , , , , , , ,

3 responses to “સુંદર વ્યક્તિને પણ પોતાના દેખાવ અંગે સંદેહ હોઈ શકે અને કદરૂપી વ્યક્તિને પોતાના દેખાવ અંગે ઊંચા ખ્યાલ હોઈ શકે, સવાલ માનસિકતા અને આત્મવિશ્વાસનો છે!!

 1. ratna shah

  February 2, 2015 at 6:20 pm

  amazing and true

   
 2. nilbond2003

  February 3, 2015 at 12:04 pm

  You are Great Sir, Thanks for the Information.

   
 3. Pinal Love Mehta

  February 5, 2015 at 6:01 pm

  nice

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: