મને હજી’ય પાઠ્યપુસ્તકો ઉથલાવવા ગમે છે અને પ્રસંગોપાત હાથમાં આવી જાય તો તેના પાના ફેરવવાની લાલચ રોકી શકતો નથી. હમણાં હાથે ચઢી ગયેલા એક ડીજીટલ ઈલેક્ટ્રોનિકસ્ ના પુસ્તકમાં બીજગણિત (એલ્જીબ્રા)નો એક સિદ્ધાંત વાંચવામાં આવ્યો ત્યારે એક જબરદસ્ત વાત મગજમાં સંકલિત થઇ. આપણી તમામ આધુનિક સુખ-સગવડો, આપણું અસ્તિત્વ અને આપણી સમગ્ર સૃષ્ટિ એક જ તર્ક ઉપર ઉભી છે – દ્વૈત વાદ અર્થાત પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલીટી! આજે આપણી બધી જ સુખ-સગવડો ડીજીટલ ઈલેક્ટ્રોનિકસ્ ને આભારી છે પરંતુ વાસ્તવમાં આ આખું’ય ડીજીટલ ઈલેક્ટ્રોનિકસ્ મૂળમાં ‘શૂન્ય’ અને ‘એક’ એમ બે અંકના ખેલ ઉપર ઉભું છે. આ સિદ્ધાંત છે ડ્યુઆલીટી પ્રિન્સિપલ ઓફ બુલિયન એલ્જીબ્રા, બધી જ પ્રોગ્રામિંગ લેન્ગવેજ આ ‘શૂન્ય’ અને ‘એક’ની તર્ક પદ્ધતિ ઉપર રચાયેલી છે. હવે ફિલસૂફીમાં થોડા ઉંડા ઉતરીને વિચારીએ તો સ્ત્રી કે પુરુષ તરીકેનું આપણું અસ્તિત્વ અને સમગ્ર સૃષ્ટિ ‘શૂન્ય’ અને ‘એક’ની જેમ જ પરસ્પર વિરોધી લાગતા પરંતુ વાસ્તવમાં એકબીજાના પુરક એવા બે વેરીએબ્લ્સ કે વિકલ્પ વચ્ચે જ સર્જાયેલી છે!
મોટાભાગની વ્યક્તિઓને ગણિત હંમેશા ભેજાનું દહીં કરનારું જ લાગતું હોય છે, સ્વાભાવિક છે મારી અત્યાર સુધીની વાત પણ આવી જ લાગી હશે. ચાલો સાવ સરળ અર્થમાં કહી દઉં. જેમ આખું’ય ડીજીટલ ઈલેક્ટ્રોનિકસ્ ‘શૂન્ય’ અને ‘એક’ના દ્વંદ ઉપર ઉભું છે તેમ આપણું અસ્તિત્વ અને જીવનની સમગ્ર ઘટમાળ બે પસંદગીઓ કે અભિવ્યક્તિઓના દ્વંદનો ખેલ છે દા.ત. સુખ-દુખ, ભોગ-ત્યાગ, સફળતા-નિષ્ફળતા વગેરે. વાસ્તવમાં પરસ્પર વિરોધી લાગતી બે આત્યંતિક પસંદગીઓ(એક્સ્ટ્રીમ ચોઈસીસ) વચ્ચે સંતુલનનો બધો ખેલ છે. સૃષ્ટિ અને અસ્તિત્વનું આ ગણિત તેની સમગ્ર રચનાઓમાં જોવા મળે છે અને તેમની વચ્ચેના કુદરતી સંતુલન ઉપર જીવન ટકેલું છે. જીવન ઉર્જા કે લાઈફ ફોર્સની ઉત્પત્તિ અને તેનું જળવાઈ રહેવું એ પણ બે આત્યંતિક ઊર્જાઓ વચ્ચેના પુરક સંતુલનથી વિશેષ કંઈ નથી. સ્ત્રી-પુરુષ, માદા-નર, શક્તિ-શિવ, યીન-યાંગ વગેરે જેવા જીવ-ઉર્જાના પ્રતીકો કે સૂર્ય-ચંદ્ર, આકાશ-પાતાળ, ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ, શીત-ઉષ્ણ વગેરે સૃષ્ટિના ઘટકો આ બાબતની પુષ્ટિ કરતા ઉદાહરણો છે.
જીવ-ઉર્જાનો આ મૂળભૂત તર્ક સમજાયો હોય તો હવે આ સમજ સ્ત્રી-પુરુષના સહજીવનને કેવી રીતે સુખી બનાવી શકે તેની વાત કરું. સ્ત્રી-પુરુષ, માદા-નર, શક્તિ-શિવ, યીન-યાંગ જે પણ નામ આપો, એક જ વ્યક્તિમાં મોજુદ આ બે પુરક ઊર્જાઓ છે. પ્રત્યેક વ્યક્તિના મન અને શરીરની સ્વસ્થતાનો આધાર જીવ-ઉર્જાના આ બે આત્યંતિક રૂપ વચ્ચેના સંતુલન ઉપર નિર્ભર છે. સ્વાભાવિક રીતે જ પુરુષમાં આ સંતુલન વધુ પુરુષ, નર, શિવ કે યાંગ તરફી હોય અને સ્ત્રીમાં તે વધુ સ્ત્રી, માદા, શક્તિ કે યેન તરફી હોય. બીજા અર્થમાં કહીએ તો પુરુષમાં નર ઉર્જા વધુ અને માદા ઉર્જા ઓછી હોય છે, જયારે સ્ત્રીઓમાં એથી ઉલટું. સરવાળે પુરુષોમાં પુરુષત્વના અને સ્ત્રીઓમાં સ્ત્રીત્વના ગુણો-લાક્ષણિકતાઓ સહજ કુદરતી હોય છે. આ પ્રકારની તંદુરસ્ત ઉર્જા ધરાવતા સ્ત્રી અને પુરુષનું સહજીવન કુદરતી રીતે જ સુખમય હોય છે. પરંતુ જયારે સ્ત્રી પુરુષ સમોવડી બનવાની લ્હાયમાં પોતાની સ્ત્રૈણ ઉર્જા સાથે ચેડા કરે કે પુરુષની આલ્ફા મેલ બનવાની સુફિયાણી હોડમાં તેની પુરુષ ઉર્જા જોખમાય ત્યારે ઉત્પન્ન થતું અસંતુલન પોતાને તો અસર કરે જ છે, સાથે સાથે સહજીવનમાં પણ અનેક પ્રશ્નો સર્જે છે. કારણ કે, આવા પુરુષો હંમેશા પુરુષ તરીકે અને આવી સ્ત્રીઓ હંમેશા સ્ત્રી તરીકે વર્તી શકતી નથી. સરવાળે તેમના આવા અભિગમ, વર્તાવ કે વિચારસરણીને કારણે સહજીવનમાં ના જોઈતા સંઘર્ષો ઉત્પન્ન થાય છે. રસોડાની બાબતમાં ટકટક કરતો પુરુષ કે ધંધાની સ્પર્ધાત્મકતામાં માથું લડાવતી સ્ત્રીઓનું સહજીવન સંઘર્ષમય રહે તો નવાઈ નહીં. ‘લે એવું કોણે કીધું કે પુરુષને રસોડામાં ના ખબર પડે કે સ્ત્રીઓને ધંધાની રીત-રસમમાં ખબર ના પડે?!’ ના; એવું કોઈએ નથી કીધું અને ના તો એવું કહેવાનો આશય છે, કહેવું એ છે કે સ્ત્રી જેટલી સહજતાથી રસોડું સંભાળશે કે પુરુષ જેટલી સહજતાથી સ્પર્ધાત્મકતા કરશે તેટલી સહજતાથી પુરુષ રસોડું કે સ્ત્રી હરીફોને નહીં સંભાળી શકે. ‘ના ના આજકાલ એવું નથી રહ્યું. હવે તો યુની-સેક્સનો જમાનો છે. સંકુચિત મનોવૃત્તિ ધરાવનારા જ સ્ત્રી-પુરુષમાં ભેદ જોતા હોય છે!’ વ્યવહારિક રીતે આપણે સ્ત્રી-પુરુષ વચ્ચે ગમે તેટલી સમાનતાની વાત કરીએ પરંતુ કુદરતી વાસ્તવિકતા એ છે કે સ્ત્રી અને પુરુષ બંને ભિન્ન છે, તેમની ઉર્જા અલગ છે, તેમની ઓરા અલગ છે, તેમની નૈસર્ગિક ક્ષમતાઓ અલગ છે. અલબત્ત એવું કશું નથી કે બંને એકબીજા જેવા ના થઇ શકે કારણ કે બંનેમાં સ્ત્રૈણ-પુરુષ ઉર્જા છે અને અભિગમ બદલવાથી કે તાલીમ લેવાથી એકબીજા જેવા થવું અથવા બહેતર થવું પણ શક્ય છે જ. તો પછી પ્રશ્ન ક્યાં છે? સવાલ આંતરિક ઉર્જાઓના નૈસર્ગિક સંતુલનનો છે. આ સંજોગોમાં આપણે આપણા નૈસર્ગિક સ્વભાવથી અલગ અને ક્યારેક વિપરીત વર્તીએ છીએ અને જે આપણને તણાવગ્રસ્ત બનાવે છે, જેની અસર આપણા અને આપણા સંબંધના સ્વાસ્થ્ય પર પડ્યા વગર રહેતી નથી. સ્ત્રીઓ પુરુષો કરતા લાંબુ જીવવાની કુદરતી બક્ષિશ(સર્વાઈવલ એડ્વાન્ટેજ) ગુમાવી રહી છે તેવી ગત સપ્તાહે કરેલી વાત પાછળ આ એક મહત્વનું કારણ છે. આજે સ્ત્રી કમાવામાં અને પુરુષ ઘરકામમાં પહેલા કરતા અનેકગણા વધુ મદદરૂપ બન્યા હોવા છતાં સહજીવન કંકાસમય બનતા જાય છે તેની પાછળ નૈસર્ગિક ઉર્જાઓનું જાતે ઉભું કરેલું આ અસંતુલન એક મહત્વનો ભાગ ભજવતું પરિબળ છે એમ કહીએ તો કશું ખોટું નથી.
જયારે પુરુષ અને સ્ત્રી તેમના સહજીવનમાં પોતપોતાની નૈસર્ગિક ઉર્જા કે શક્તિઓ પ્રમાણે ભાગ ભજવે છે ત્યારે તેમનું જોડાણ સહજ અને એકબીજાને પુરક બની રહે છે. સહજીવન સુખી અને મજબુત બનાવવા સાથીઓએ એકબીજાની કુદરતી ક્ષમતાઓ ઓળખીને વ્યવહાર કરવો જોઈએ. જેમાં પોતાની કુદરતી આવડત નથી તેમાં માથું ના મારવું જોઈએ. એવો આગ્રહ પણ ના સેવવો જોઈએ કે ‘તું કરી શકે તો હું કેમ નહિ?!’ અથવા ‘હું કરી શકું તો તું કેમ ના કરી શકે?!’ સહજીવનમાં એકમેકના રોલની આ વહેંચણી છે. પરંતુ એનું અર્થ એવો ના કાઢતા કે સાથી ઉપર જવાબદારી ઢોળીને તમારા હાથ ધોવાની આ વાત છે, એકબીજાને મદદ તો અનિવાર્યપણે કરવાની છે પરંતુ ક્ષમતા મુજબ એકે લીડરશીપ લેવાની અને બીજાએ ફોલો કરવાની વાત છે!!
પૂર્ણવિરામ:
પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની ઉર્જા અસંતુલિત થવાની શક્યતાઓ વધારે હોય છે કારણ કે સ્ત્રીઓને સ્ત્રી હોવા પ્રત્યે જેટલો અસંતોષ હોય છે તેટલો પુરુષોને પુરુષ હોવા પ્રત્યે નથી હોતો. અજાગ્રત સ્તરે આવી સ્ત્રીઓ પોતાની સ્ત્રી ઉર્જા બ્લોક કરે છે અને પૌરુષ ઉર્જા જરૂર કરતા વધુ પોષે છે.
ડૉ. હંસલ ભચેચના લોકપ્રિય પુસ્તકો…
You are right sir, what a great Subject, mind blowing it’s direct to heart touch. Some time I feel this type of moment in my life.
Varsho phela tamne bhahaudin collage rubru shambhadvano moko malyo hati
Shared it on FB, so that more couples can read and be enlightened!!