જીવનમાં બુદ્ધિથી છેતરાવા કરતા લાગણીથી છેતરાવાના પ્રસંગો ઘણા વધુ પ્રમાણમાં અને ઘણી સરળતાથી આવતા હોય છે

આઈફોન સિક્સ પ્લસના સાઈઠ હજાર અપાય?! હીરા બ્રાન્ડેડ લેવાય, આપણા સોની પાસેથી લેવાય કે પછી ઘર ઘરમાં કરતા કોઈ ઓળખાણમાં લેવાય?! ફલાણી સ્કીમ કે ફલાણા વિસ્તારમાં ઘર લેવાય?! – જીવનમાં ડગલેને પગલે ઉભા થતા આવા સંજોગોમાં તમે નિર્ણય ઉપર કેવી રીતે આવો?! કોઈપણ મેનેજમેન્ટ નિષ્ણાતને કે પછી તમને જીવન જીવતા શીખવવા નીકળી પડેલા લાઈફ કોચને પૂછશો કે આવા સંજોગોમાં નિર્ણય કેવી રીતે કરવો તો એ તમને આખી લાંબીલચક પ્રક્રિયા સમજાવશે. એક કાગળ લો, વચ્ચે લીટી દોરીને એને બે ભાગમાં વહેંચો. એક ભાગ ઉપર મથાળું મારો ‘ફાયદા’ અને બીજા ઉપર લખો ‘ગેરફાયદા’, પછી તમે દરેક પસંદગીના ફાયદા-ગેરફાયદા તપાસો અને નોધ કરો. આ ઉપરાંત તમારી આર્થિક બાબતો, પ્રાથમિકતાઓ વગરે પણ કાગળ ઉપર ટપકાવો. આ બધી જ કસરત કર્યા બાદ જે પસંદગી ઉત્તમ લાગે તેની તરફેણમાં નિર્ણય લેવો. સૈદ્ધાંતિક રીતે યોગ્ય લાગે, વાંચીએ કે સાંભળીયે ત્યારે પ્રભાવિત થઈએ તેમ છતાં પણ ક્યારે’ય વ્યવહારમાં આપણે આવી રીતે નિર્ણય લઈએ છીએ ખરા?! ના, મોટાભાગે તો નહીં જ અને તેમ છતાં’ય કોઈ મૂંઝાતી વ્યક્તિ આપણી પાસે સલાહ લેવા આવે તો પાછા સ્ટાઈલથી આવું બધું શીખવીએ છીએ ખરા !

તો પછી વ્યવહારમાં આપણે આવા નિર્ણયો કેવી રીતે લઈએ છીએ?! એની વાત પછી કરીએ, પહેલા એ વાત કરીએ કે પુસ્તકો, વર્ક્શોપો, લેકચરો વગેરેમાં શીખવવામાં આવતી નિર્ણય લેવાની આ પ્રક્રિયા વ્યવહારમાં કેમ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે? ખાલી આજ દિવાળીની વાત કરીએ તો હજ્જારો આઈફોનો કે કરોડોના હીરા ખરીદાયા હશે પણ કોઈએ તે અંગેનો નિર્ણય લેવા આવી કસરત કરી હશે?! ના જ કરી હોય અને કરી પણ ના શકાય!! ઘણા કારણો છે, પહેલા તો આપણી કલ્પના શક્તિ જ એટલી વિકસિત નથી હોતી કે આપણે ફાયદા-ગેરફાયદાની પુરેપુરી અને વિસ્તૃત કલ્પના કરીને એની યોગ્ય યાદી બનાવી શકીએ. આપણી કલ્પનાઓ તો આપણને થયેલા અનુભવો સુધી જ સીમિત હોય છે. બીજા અર્થમાં કહીએ તો આપણા અંગત અનુભવમાં ના હોય તેવી બાબતોની કલ્પના કરવી સામાન્ય વ્યક્તિઓ માટે અઘરી અને બોરિંગ વાત છે. આ ઉપરાંત મોટા ભાગની વ્યક્તિઓનું મગજ આવી ગણતરીઓ કરવા ટેવાયેલું નથી હોતું કારણ કે તે ધીરજ, સમય અને મહેનત માંગી લે તેવું કામ છે. જયારે આપણે તાત્કાલિક, આવેગશીલ(ઈમ્પલ્સીવ) કે શક્ય તેટલી ઝડપથી નિર્ણય લેવા આપણા મગજને કેળવ્યું છે અથવા એમ કહોને કે માર્કેટિંગના નિષ્ણાતોએ તેમના વિવિધ ગતકડાઓ દ્વારા આપણને આ ચક્કરમાં પાડી દીધા છે. લોન્ચિંગ ઈવેન્ટ્સ(તમારી અક્કલ બહેર મારી જાય અને તમે લાગણીસભર થઇ જાવ એટલે અમારું કામ પત્યું), જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધીની ઓફરો( જો જો રહી ના જાવ, નહીંતર તમે પસ્તાશો એવું અમે તમારા મગજમાં ઠસાવી દઈશું), ઓન ધ સ્પોટ ફાઈનાન્સ(બજેટની ગણતરી છોડો, અત્યારે તો અમે આપીએ છીએ,તમે ત્યારે વાપરોને મઝા કરો), ગુડ્ઝ રીટર્ન પોલીસી(અત્યારે તો લઇ લો, ના ગમે તો પાછું લઇ લઈશું!), મેગા સેલ (હવે ખાલી સેલથી કામ ચાલે એવું નથી, આગળ મેગા, લુંટ, અનબિલીવેબલ, ધૂમ ખરીદી, મહા બચત વગેરે વિશેષણો અનિવાર્ય થઇ ગયા છે!), સેલીબ્રીટીઓ – આકર્ષક મોડેલોને લઈને થતી મોટી મોટી જાહેરાતો(જાહેરાતની અને તેમાં આ લોકોના ફોટા જોવાની કિંમત પણ સરવાળે તમારે જ ચુકવવાની છે) વગેરે આપણને કોઈપણ ખરીદી પહેલા વિચારતા અટકાવવાની સ્કીમો છે !

spread a thought

કંઈ સમજાયું?! ખરીદી કે પસંદગી અંગે નિર્ણય લેવાની બાબતમાં મગજને બંધ રાખવાની આપણી વૃત્તિઓ તો હતી જ અને એમાં ઉપરથી પોતાનો માલ પધરાવવાની તરકીબોએ તાળું મારી દીધું. એટલે, આજકાલ આપણે, ‘હું, તમે અને વિશ્વના મોટાભાગના લોકો’ બુદ્ધિથી ઓછી અને લાગણીઓથી વધુ ખરીદી કરીએ છીએ! આપણે મન વસ્તુની ઉપયોગીતા કે ગુણવત્તાના મહત્વનું સ્થાન તેના પ્રમોશન, તેના બ્રાંડ એમ્બેસેડર, તેની લાગણીસભર ટેગ લાઈન્સ કે જાહેરાતોએ લઇ લીધું છે. દિવસેને દિવસે આપણા મગજ પરનો આ ભરડો એટલો મજબુત થઇ ગયો છે કે હવે તો કોઈપણ વિકલ્પના ફાયદા-ગેરફાયદા પણ બુદ્ધિથી વિચારવાને બદલે લાગણીઓથી નક્કી કરીએ છીએ. બીજા અર્થમાં કહું તો પસંદગી તો લાગણીઓથી નક્કી જ હોય છે પણ તે યોગ્ય છે એવું આપણા મનને અને અન્યને ઠસાવવાની દલીલો કરવા આપણે બુદ્ધિને કામે લગાડીએ છીએ. ‘લેવું હોય તો લઇ લેવાનું, બહુ વિચાર કરે એ ક્યારે’ય લઇ ના શકે’ આપણી જાતને સમજાવવા અને અન્યને ટોણો મારવા કામ આવે એવી આ ફિલસુફી વાપરનારા લોકોએ એ સમજવાની જરૂર છે કે બહુ વિચાર્યા પછી જે ના લેવાય તે મોટાભાગે તમારા માટે બિનજરૂરી કે યોગ્ય જ હોય છે. આ વાત કદાચ જે તે સમયે તાત્કાલિક ના સમજાય પણ સમય જતા સમજાઈ જતી હોય છે.

આપણે જેની વાત કરી તે આજનું વ્યાપારિક સત્ય છે પરંતુ સાવ સાચી વાત એ છે કે એ વ્યવહારિક સત્યથી ખાસ અલગ નથી. વ્યાપારિક અવળચંડાઇએ બદલાયેલી આપણી માનસિકતાની ગંભીર અસર આપણા પ્રત્યેક વ્યવહારોમાં પડી છે. ખરેખર તો આજની વાતમાં આપણા જીવનના સુખ, સંતોષ અને સાર્થકતા સાથે સંકળાયેલું એક મોટું સત્ય છુપાયેલું છે. માનીએ કે ના માનીએ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ આપણી પસંદગીઓમાં બુદ્ધી ઓછી અને લાગણીઓ વધુ હોય છે. જયારે આપણી લાગણીઓને ઠેસ પહોંચે છે ત્યારે આપણી પસંદગી પ્રત્યે અફસોસ અનુભવીએ છીએ અને દુખી થઈએ છીએ. જીવનમાં બુદ્ધિથી છેતરાવા કરતા લાગણીથી છેતરાવાના પ્રસંગો ઘણા વધુ પ્રમાણમાં અને ઘણી સરળતાથી આવતા હોય છે. ‘આપણે શું વિચારીએ છીએ’ તેના કરતા ‘આપણે શું અનુભવીએ છીએ’ તેના ઉપર આપણું સુખ નિર્ભર હોય છે. જો આ બધી જ વાત સમજાતી હોય તો એ પણ સમજાઈ જવું જોઈએ કે લાગણીઓ ઉપરનો યોગ્ય કાબુ અને બુદ્ધિનો વ્યવહારુ ઉપયોગ સુખી જીવનની જડીબુટ્ટી છે.

પૂર્ણવિરામ:

લાગણીપ્રધાન લોકોની લાગણીઓને બુધ્ધિથી મચડીને બુદ્ધિપ્રધાન લોકો તેની મજા લેતા હોય છે…

Quote 5

5 Comments Add yours

 1. કોઈપણ મેનેજમેન્ટ નિષ્ણાતને કે પછી તમને જીવન જીવતા શીખવવા નીકળી પડેલા લાઈફ કોચને પૂછશો કે આવા સંજોગોમાં નિર્ણય કેવી રીતે કરવો તો એ તમને આખી લાંબીલચક પ્રક્રિયા સમજાવશે. એક કાગળ લો, વચ્ચે લીટી દોરીને એને બે ભાગમાં વહેંચો. એક ભાગ ઉપર મથાળું મારો ‘ફાયદા’ અને બીજા ઉપર લખો ‘ગેરફાયદા’, પછી તમે દરેક પસંદગીના ફાયદા-ગેરફાયદા તપાસો અને નોધ કરો
  your these sentence reminded me of this video :http://vimeo.com/110899592
  watch it, you may like it.

 2. pari shah says:

  Sir,pan lagni vala manas jo lagni no vadhu use kare to eni najik na manas k fndz pan mis use kare 6.to pa6i ene lagni ti kyare vartavu joi e.

 3. Nilesh Bhatt says:

  લાગણીઓ ઉપરનો યોગ્ય કાબુ અને બુદ્ધિનો વ્યવહારુ ઉપયોગ સુખી જીવનની જડીબુટ્ટી છે.- I Like This Sentence.

 4. swati says:

  mane wadhu to budhhpradhan nai parntu shiyal jewa luchha loko faaydo uthawta lage chhe ! tewao ne hu budhhipradan na kahu…wadhu to tewa jad hoy chhe ! jadta ma budhhi kyathi ? chhella waky sathe sahamt ! ke …
  લાગણીઓ ઉપરનો યોગ્ય કાબુ અને બુદ્ધિનો વ્યવહારુ ઉપયોગ સુખી જીવનની જડીબુટ્ટી છે.

  1. લુચ્ચાઈ કરવા માટે પણ તીવ્ર બુદ્ધી જોઈએ, સામાન્ય બુદ્ધિવાળા કે મુર્ખાઓ કોઈનો આસાનીથી ફાયદો ના ઉઠાવી શકે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s