RSS

મોબાઈલ હવે યંત્ર ના રહેતાં શરીરનો એક ભાગ બની ગયો છે. જો મોબાઈલ હાથમાં,ખિસ્સામાં કે હાથવગો ના હોય તો જાણે કોઈ અંગ ખૂટતું હોય એવું લાગવા માંડે !

11 Nov

દિવાળીની રજાઓમાં જુના થઇ ગયેલા એક સમાચાર ઉપર નજર પડી અને મગજમાં એક રમુજ યાદ આવી ગઈ. પહેલાં રમુજ કહું પછી સમાચારની વાત.

એકવાર એક બેને મનોચિકિત્સકને પુછ્યું કે ‘સાહેબ મારા પતિ રાત્રે ઊંઘમાં બોલે છે તો મારે શું કરવું?’

‘બેન એમને દિવસે બોલવાનો મોકો આપો’ મનોચિકિત્સકે ગંભીર થઈને જવાબ આપ્યો.

‘સાહેબ મજાકની વાત નથી, મને રાત્રે ઊંઘ નથી આવતી’ બેન વધુ ગંભીર થઇ ગયા.

‘શું એ એટલે મોટેથી બોલે છે કે તમે સુઈ ના શકો?!’ મનોચિકિત્સકે પૂછ્યું.

બેને આંખો ઝીણી કરીને કહ્યું ‘ના સાહેબ એ એટલે ધીરેથી બોલે છે કે એ શું બોલે છે એ સમજવા હું જાગતી રહું છું’

*******

હવે નજરે ચઢેલા સમાચાર – યુવાનો અને ખાસ કરીને ટીનેજર્સમાં દેખા દઈ રહેલી નવી સમસ્યા- સ્લીપ ટેસ્ટીંગ ! લોકો ઊંઘમાં ચિત્ર-વિચિત્ર હરકતો કરતાં હોય છે જેવી કે; ઊંઘમાં બોલવું, બુમો-ચીસો પાડવી, લાતો મારવી, ચાલવા માંડવું વગેરે. હવે આ હરકતોમાં એક નવી પ્રવૃત્તિ ઉમેરવી પડે એમ છે – ઊંઘમાં એસએમએસ કે મેસેજીસ કરવા (સ્લીપ ટેકસ્ટીંગ), બોલો ! દુનિયાભરના ટીનેજર્સમાં વકરતી જતી આ સમસ્યા છે. આ સમસ્યાગ્રસ્ત વ્યક્તિ તમને રાત્રે ઊંઘમાં સમજાય-નાસમજાય તેવા એસએમએસ-મેસેજીસ કરે છે અને તમે સવારે એને પૂછો કે ‘અલ્યા રાત્રે આ શું બધું ઠપકાર્યું છે!?’ તો એ વ્યક્તિ બાઘી બનીને કહેશે કે એને કંઈ ખબર જ નથી!

આવી સમસ્યામાં તો આપણી રમુજની જેમ ‘એને દિવસે ટેકસ્ટીંગ કરવાની તક આપો’ એવો અભિપ્રાય મજાક ખાતર પણ આપી શકાય તેમ નથી કારણ કે આખો દિવસ મોબાઈલ, ટેકસ્ટીંગ, મેસેજીંગ, ચેટીંગ, ઇ-મેઈલ વગેરે પર લટકી રહેવાની તો આ મોકાણ છે. આજે મોટાભાગનો કિશોર અને યુવાવર્ગ ટેકસ્ટીંગ, મેસેજીંગ કે ચેટીંગ પર લટકેલો છે. એસએમએસ તો હવે એલર્ટ અને પ્રમોશનો પૂરતા જ રહી ગયા છે. લગભગ બધું જ ટેકસ્ટીંગ-ચેટીંગ વોટ’સ્ એપ, વાઈબર, આઈ મેસેજીસ, ટેલીગ્રામ, સ્નેપ ચેટ વગેરે ઉપર આવી ગયું છે. નબળા-ગબલા ફોન કરે અને કુલ ગાય’ઝ એન્ડ ગલ મેસેજીંગ કરે એવો ફંડા તો ક્યારનો’ય આકાર લઇ ચુક્યો છે. મોટાભાગનો આ સમુદાય દિવસના બે કલાક જેટલો સમય ટેકસ્ટીંગ અને મેસેજીંગથી ચેટ કરવામાં ગાળે છે. દિવસના સો થી વધુ ટેકસ્ટીંગ અને મેસેજીંગ કરતો આ વર્ગ છે. બાજુમાં બેઠેલા જોડે પણ ચેટથી વાતો કરવી કુલ ગણતા આ વીરલાઓની આંગળીઓના ટેરવામાં ગજબની લય તમને જોવા મળે. કી પેડ ઉપર જોયા વગર જે ઝડપથી તે મેસેજ ટાઈપ કરતાં હોય છે તેનાથી અડધી ઝડપે તમે કી પેડ પર જોઈને’ય ટાઈપ ના કરી શકો. (હવેના જમાનામાં ઝડપથી મેસેજ ટાઈપ ના કરી શકવો એ વૃધત્વની નિશાની ગણાય !). એમાં’ય મોટાભાગનો આ વર્ગ તો ચેટિંગ કરતાં કરતાં માથે મોબાઈલ-લેપટોપ લઈને સુઈ જતો વર્ગ છે. તેમનું રાતનું છેલ્લું કામ અને સવારનું પહેલું કામ મેસેજીંગ છે અને રાત્રે વચ્ચે ઊંઘમાંથી જાગી જાય તો પણ સ્ટેટસ અપડેટ! હવે આ માહોલમાં ‘સ્લીપ ટેકસ્ટીંગ’ ના થાય તો શું થાય?!

ઉપાય સરળ છે પણ આચરણમાં મુકવો અઘરો છે. આમ તો જીવનનું સનાતન સત્ય છે કે મોટાભાગના પ્રશ્નોના ઉપાયો એકદમ સરળ હોય છે, માત્ર તેનો અમલ કરવો કે આચરણમાં મુકવું જ અઘરું હોય છે! રાત્રે તમારા લેપટોપ, મોબાઈલ વગેરે દસ ફૂટ દૂર રાખીને સુઈ જાવ પછી ઊંઘમાં ટેકસ્ટીંગ કરવાની શક્યતાઓ જ નહીં રહે! ‘અરે હોય કંઈ? મોબાઈલ બાજુમાં ના હોય તો ઊંઘ કેવી રીતે આવે?!’ કમનસીબે વાતે’ય સાચી છે. મોટાભાગની વ્યક્તિઓ માટે હવે મોબાઈલ યંત્ર ના રહેતાં શરીરનો એક ભાગ બની ગયો છે. જો મોબાઈલ હાથમાં,ખિસ્સામાં કે હાથવગો ના હોય તો જાણે કંઇક ખૂટતું હોય એવું લાગવા માંડે. જેને આ વળગણ નથી તેને પણ આપણે વળગણ કરાવીએ છીએ. ‘મોબાઈલ ગમે ત્યાં પડ્યો હોય તો રાખવાનો શું અર્થ છે?! એમ કહીને ધમકાવીએ છીએ. મિસ-કોલ કે મેસેજનો તરત જવાબ ના મળતા પણ મહેણાં ઠપકારીએ છીએ કે જાણે એમણે તમારી ગંભીર અવગણના કરી નાખી હોય. કાશ એ વખતે સામેવાળો એવું રોકડું પરખાવે કે ‘મોબાઈલ મારી સવલત માટે છે તારી નહીં’ તો આ સીલસીલો બંધ થઇ જાય અને સાથે સાથે સંબંધ પણ!!

spread a thought

સ્લીપ-ટેકસ્ટીંગની આ આખી વાતે તો મને બીજી ઘણી શક્યતાઓની પણ કલ્પના કરાવી દીધી. બીમારીઓનો ડોળ કરીને લાગતા-વળગતાને ચાલાકીથી મચડતો પણ એક વર્ગ છે. આ વર્ગ સામેવાળાને જાગતા નહી જણાવી શકતો હોય તે આ ‘સ્લીપ ટેકસ્ટીંગ’ના ઓઠા હેઠળ થમાવી દેશે. ગાળો દઈ દેશે, આઇ લવ યુ કહી દેશે, કોક’ના સિક્રેટ કહી દેશે વગેરે. કામધંધા વગરના અને સતત ગામને છેતરવાના મોકા શોધતા લોકો ‘સ્લીપ ટેકસ્ટીંગ’ની ભાષા ઉકેલનારા નિષ્ણાત બની જશે (જેવી રીતે સ્વપ્ન, પૂર્વજન્મ, હસ્તાક્ષર, હસ્તરેખા વગેરે ઉકેલનારાઓ છે. કો’કે વિધિસર અભ્યાસ કરીને નિપુણતા મેળવી પણ હોય પરંતુ મોટાભાગના ચલતાપુર્જાઓ છે જે સામેવાળાના નબળા સમયનો લાભ લઇ જાય છે. સો કરોડની લોટરી જીતનારો એ કેમ જીત્યો તે જાણવા ક્યારે’ય ના જાય પણ શેર બજારમાં એક કરોડ મુકનારો આ લોકોના શરણે વહેલો-મોડો જાય ખરો !). મનોચિકિત્સક તરીકે હું તો એટલું જ માનું છું કે આવનારો જમાનો ‘પેટ ચોળીને ઉભી કરેલી પીડા’નો જમાનો હશે. હવે બેક્ટેરિયા અને વાયરસ કરતાં આપણી પોતાની જીવનશૈલી જ આપણને રીબાવશે. તમારી જીવનશૈલી જ નવા નવા રોગો ઉભા કરશે અને એમાં વળી આવી ‘સ્લીપ ટેકસ્ટીંગ’ જેવી સમસ્યાઓ, સરવાળે તો સંયમ આપણે જ કેળવવાનો છે ને?

પૂર્ણવિરામ:

ટેકસ્ટીંગે આપણને બેફામ, બેશરમ, અધીરા અને બેજવાબદાર બનાવી દીધા છે કારણ કે એનાથી ગમે તે, ગમે તેને, ગમે ત્યારે અને ગમે તે રીતે આપણે પરખાવી દઈ શકીએ છીએ, આંખની શરમ વિના!

Cover

 

Advertisements
 

Tags: , , , , , , , , , , ,

6 responses to “મોબાઈલ હવે યંત્ર ના રહેતાં શરીરનો એક ભાગ બની ગયો છે. જો મોબાઈલ હાથમાં,ખિસ્સામાં કે હાથવગો ના હોય તો જાણે કોઈ અંગ ખૂટતું હોય એવું લાગવા માંડે !

 1. હેમનું હલકું ફૂલકું

  November 11, 2014 at 5:00 pm

  Sachi vat

   
  • Rimple Shah

   November 12, 2014 at 12:22 pm

   હવે બેક્ટેરિયા અને વાયરસ કરતાં આપણી પોતાની જીવનશૈલી જ આપણને રીબાવશે….sachu kahyuu..

    
 2. Nilesh Bhatt

  November 12, 2014 at 11:37 am

  Sir, I have one Daughter & Son. Theirs age is 13 Year both are twins. I want to educate them regarding the situation of internet uses. Can you give me the information regarding the reading material / books in Gujarati Language? Please suggest.

   
  • Dr.Hansal Bhachech

   November 12, 2014 at 1:02 pm

   I’m not aware about any such ready to use material except articles written as columns

    
 3. Nilesh Bhatt

  November 12, 2014 at 4:35 pm

  Ok sir I will discuss your articles with them, Thanks Sir

   
 4. jayesh pandya

  November 12, 2014 at 7:09 pm

  wah

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: