કાળી ચૌદશે સવાર સવારમાં જ ફોન આવી ગયો ‘સાહેબ આજે તો તમે જબરદસ્ત વાત લખી છે કે સુખનો સાચો આધાર બહારનું ભપકાદાર નહીં પણ તમારી અંદરનું મજબુત બનાવવા ઉપર છે. મને તો આખો લેખ એક જ વાંચનમાં ગળે ઉતરી ગયો. દિવાળીમાં તમે એક સુંદર વાંચનની ભેટ આપી’
‘વાંચ્યા પછી શું?!’ મેં વળતો પ્રશ્ન કર્યો.
ભાઈ જરા મૂંઝાયા હોય એવું લાગ્યું એટલે મેં જ આગળ ધપાવ્યું ‘જીવનમાં ઘણી બાબતો જેટલી સરળતાથી ગળે ઉતરી જતી હોય છે તેટલી સરળતાથી પચી નથી જતી.’
*******
સંવાદ નાનો છે પરંતુ માર્મિક છે. જેમ ખોરાકનો ખરો ફાયદો(કે નુકસાન) ગળે ઉતારવાથી નહીં પણ તેના પાચનથી થાય છે તેમ વ્યવહારમાં વિચારનો સાચો ફાયદો સ્વીકારવાથી નહીં પણ જીવનમાં અપનાવવાથી થાય છે. બીજા અર્થમાં કહીએ તો વાત સ્વીકારવાથી જીવનમાં બદલાવ નથી આવતો, વાત અપનાવવાથી કે વ્યવહારમાં ઉતારવાથી બદલાવ આવે છે. આટલું વાંચતા જ મન સ્વ-બચાવમાં કહેશે કે પાચન માટે પણ પહેલા ખોરાક ગળે ઉતારવો તો પડે ને?! તર્ક સાચો એની ના નહીં પણ વિચારની બાબતમાં થોડું જુદું છે. જીવનમાં ઉતારવા કોઈપણ વિચારની સ્વીકૃતિ પહેલું પગથીયું છે પરંતુ કમનસીબે આપણો અભિગમ મોટાભાગે એવો હોય છે કે તે જાણે છેલ્લું પગથીયું હોય! મોટાભાગની વ્યક્તિઓ વાત સ્વીકારીને સંતોષ માનતા હોય છે અને ક્યારેક આ સ્વીકૃતિ પાછળ છુટકારો મેળવવાનો આશય હોય છે. જેમ કે, નાની નાની બાબતોમાં ગુસ્સો થઇ જતી વ્યક્તિ એમ કહે કે ‘મારો ગુસ્સો ખરાબ છે તે હું સ્વીકારું છું પરંતુ એમણે પણ મને ગુસ્સો આવે તેવું ના કરવું જોઈએ ને?!’ આનો અર્થ એમ થયો કે મેં સ્વીકારી તો લીધું કે મને ગુસ્સો બહુ આવે છે પણ એને કાબુમાં રાખવાનું કામ સામેવાળાનું છે. એમણે મને ગુસ્સો અપાવે તેવું કંઈ કરવાનું નહીં! પોતાની સ્વીકૃતિથી વાત પતી જાય છે, આગળનું ધ્યાન બીજાએ રાખવાનું. હવે તમે જ કહો કે આવી વ્યક્તિઓના જીવનમાં બદલાવ આવે?! તેની સ્વીકૃતિ છેલ્લું પગથીયું છે. હું સ્વીકારું છું કે મારો ગુસ્સા ઉપર કાબુ નથી રહેતો પણ પરિસ્થિતિ કે વ્યવહારમાં બદલાવ લાવવાના પગલા હવે સામેવાળાએ લેવાના. મારી સ્વીકૃતિ બાદ મને ગુસ્સો ના આવે તેનું ધ્યાન તેણે રાખવાનું! હકીકતમાં તો જો તે વ્યક્તિ પોતાની આ સ્વભાવગત બાબતની સ્વીકૃતિને પહેલું પગથીયું ગણીને તેમાં બદલાવ લાવવાના આગળના પગલાઓ વિષે વિચારે અને તેને વ્યવહારમાં મુકવા કટિબદ્ધ થાય તો જ પરિસ્થિતિમાં-જીવનમાં બદલાવની શક્યતાઓ ઉભી કરી શકાય એમ હોય છે.
ગુસ્સાવાળો સ્વભાવ તો એક ઉદાહરણ છે, બાકી આપણા રોજીંદા જીવનમાં એકબીજા સાથેના વ્યવહારોમાં અનેક મુદ્દાઓ પરત્વે આવો અભિગમ જોવા મળે છે. ‘મારો સ્વભાવ જ છે’, ‘ભૂલ થઇ ગઈ’, ‘મને માફ કરી દે’, ‘વારે વારે એ યાદ કરવાની જરૂર નથી’, ‘હવે ધ્યાન રાખીશ’ વગેરે. અભિગમ કોઈપણ અપનાવીએ પણ સ્વીકારી લેવાનું, સાચા અર્થમાં ભાન(રિઅલાઇઝ) થયું એટલે નહીં પણ વાત ઉપર પૂર્ણવિરામ મુકવા! ભવિષ્યમાં ફરી નહીં થાય એની કોઈ ગેરંટી નહીં! અલબત્ત ઘણા એવા પણ હોય છે કે સ્વીકૃતિ ગઈ તેલ લેવા, જે છે તે આ છે, હું તો આવો જ છું – આવા લોકો જીવનભર ટસલ અને પૂર્વગ્રહો સાથે જીવતા હોય છે. અહમના અંધાપામાં સંબંધોનું સુખ તેમની સમજમાં આવતું જ નથી અને ક્યારેક આવે તો પણ ઘણું મોડું થઇ ગયું હોય છે.
ઘણીવાર આ વાંચતા એવું થાય કે વાત તો સીધી અને સરળ છે, તો પછી વ્યવહારમાં ઉતારવી કેમ કઠણ છે?! કારણ કે, જીવનના મોટાભાગના કિસ્સાઓમાં ‘ડીફોલ્ટ’માં જીવવું એ આપણી આદત છે. તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરના પ્રોગ્રામોમાં અનેકવિધ વિકલ્પો પસંદ કરીને તેનો કુચ્ચો નીકળી જાય તેવો ઉપયોગ તમે કરી શકો તેમ હોવ છો, તેમ છતાં આપણે શું કરતા હોઈએ છીએ?! ‘ડીફોલ્ટ’ સેટિંગ્સ ઝીન્દાબાદ! આઈફોન અદભુત ડીવાઈસ છે કે ફોટોશોપ મેજિકલ સોફ્ટવેર છે તેવું બધા સ્વીકારશે પરંતુ સાચા અર્થમાં તેની ખણખોદ કરીને તેનો મહત્તમ ઉપયોગ કરનારા કેટલા?! આપણું કામ ‘ડીફોલ્ટ’માં જ ચાલી જાય છે. બસ આમ જ, જીવનમાં મોટાભાગના વ્યવહારો ‘ડીફોલ્ટ’માં જ સચવાઈ જાય છે પછી તેને વધુ ઉત્તમ બનાવવાની શક્યતાઓ તપાસવાનો શ્રમ શું કામ લેવો? આપણા ગુસ્સાથી બધા ફફડે છે, કાબુમાં રહે છે, આપણી ગણના પહેલી કરે છે પછી એમનો આપણા ગુસ્સા પ્રત્યેનો ગમો-અણગમો કે ગણનાની ઈચ્છા-અનિચ્છા વિષે ચિંતન કરવાનો શ્રમ થોડો કરાય?! બહુ બહુ તો અદભુત ડીવાઈસ-મેજિકલ સોફ્ટવેર જેવું સ્વીકારીને કામ પતાવવાનું ‘ડીફોલ્ટ’ સેટિંગ્સમાં… આ જ કારણ છે કે મોટીવેશનલ બુક વાંચનારા કે લેક્ચરોના અંતે તાળીઓનો ગડગડાટ કરનારા સરવાળે તો ત્યાં ના ત્યાંજ રહે છે પણ લેખકો કે વક્તાઓ ક્યાંના ક્યાં પહોંચી જાય છે! અહીં પાર્કર નામના એક મનોવિજ્ઞાનીએ આપેલો નિયમ ખુબ માર્મિક સાબિત થાય એમ છે – ‘લોકો એ નથી કરતા કે જે તેમણે કરવું જોઈએ, લોકો એ જ કરતા હોય છે જે તેમને કરવું હોય છે’
સમજણમાં ઉતરે તો વાત એટલી જ છે કે ભૂલ કે નબળાઈ સ્વીકારવાથી વાત પતી નથી જતી, શરુ થાય છે. સ્વીકારની ઘડીથી જ બદલાવ લાવવા વિષે પ્રતિબધ્ધતા કેળવવાની અને એ પણ કોઈ સામી શરત વગર. જીવનને બદલવાની ઈચ્છા કરવાથી કે તે માટેનું પ્રોત્સાહન મળવાથી જીવન બદલાતું નથી, જાતે જ સમજ કેળવવી પડે છે અને સતત એ દિશામાં એકલપંડે પ્રયત્નશીલ રહેવું પડે છે.
પૂર્ણવિરામ:
જયારે ભૂલો, દુરવ્યવ્હારો કે નબળાઈઓ કોઠે પડી જાય છે ત્યારે તેના કારણે આવવી જોઈતી શરમ બેશરમીમાં પલટાઈ જાય છે.
You are right Sir
સરળ લાગતી બધી બાબતો પચાવવા માટે સમજણ ભરેલી સ્વીક્રુતિ અને સમુદ્રમંથન સમયે ભગવાન શિવ એ વિષપાન માટે દાખવેલી અન્યોના કલ્યાણ્ભાવ માટેની મક્કમતા જરૂરી છે.સુંદર લેખ બદલ આભાર