દિવાળી આવી ગઈ. સુખ-સંપત્તિના સપનાઓ સાકાર કરવાના અને નવા સંકલ્પો કરવાના દિવસો આવી ગયા. આમ તો સપના સાકાર કરવા કે સંકલ્પો કરવા માટેના કોઈ ચોક્કસ દિવસો કે સમય નથી હોતા, ૨૪X૭ ભજવાતો રહેતો મનનો આ ખેલ છે. પરંતુ વાર-તહેવારે આવતા વિશેષ(ધંધાદારીઓ માટે, ગ્રાહક માટે નહીં!) સેલની જેમ સપના–સંકલ્પો માટે આવા દિવસો અનિવાર્યપણે મહત્વના થઇ પડતા હોય છે. કોઈનું સપનું ઘર – કોઈનું વાહન, કોઈ માટે નવો મોબાઈલ, નવું લેપટોપ, માઈક્રોવેવ, ફ્રીજ, વોશિંગ મશીન, સોનું-ચાંદી, કપડા વગેરે. વસ્તુ,સાધન કે સંપત્તિ ગમે તે હોય પણ મૂળ હેતુ આનંદ-પ્રસન્નતા મેળવવાનો, સુખ પ્રાપ્ત કરવાનો કે જીવન સુખમય બનાવવાનો હોય છે.
આવી મઝાની વાતમાં’ય કમનસીબ હકીકત એ છે કે આ બધાથી તહેવારના દિવસો સુખમય બને છે પણ જીવન નહીં! કેટલી દિવાળી – કેટલી ક્રિસમસ ગઈ અને કેટલા સુખી થયા?! જીવનમાં જયારે જયારે તમારી ઈચ્છાઓ-સપનાઓ પૂર્ણ થાય છે કે હકારાત્મક ઘટનાઓ ઘટે છે ત્યારે આપણે ખુબ ખુશ થઈએ છીએ અને જીવનમાં પ્રસન્નતા છવાઈ જાય છે. જીવન સુખમય લાગવા માંડે છે પણ ક્યાં સુધી?! માની લો તમે બીએમડબલ્યુ કે મર્સીડીસ ખરીદી લીધી. નક્કી સાતમાં આસમાને શહેરમાં આંટા મારશો, દિવસમાં દસવાર એને જોઇને મનમાં ઉન્માદ અનુભવશો અને જીવનમાં જાણે એક પૂર્ણતાનો અનુભવ થશે. પરંતુ, બે-ત્રણ મહિના પછી?! પાછું એ જ રૂટીન – જે છે તેની હળવેકથી વધતી ઉપેક્ષા અને જે નથી તેની અપેક્ષા. જીવનની પૂર્ણતા માત્ર ટૂંક જ સમયમાં અપૂર્ણતામાં બદલાશે અને પાછી દોડ શરુ – સુખ અને આંનદની એ જ પાછી જૂની શોધખોળ!
‘લો તમે તો મઝા મરી જાય એવી વાત કરી?!’ ના, વાત હજી પૂરી નથી થઇ. હવે માની લો કે તમારું બ્રેક-અપ થઇ ગયું, તમારી ડ્રીમ કેરીયર હાથમાંથી જતી રહી કે તમને કોઈ અસાધ્ય રોગ થઇ ગયો. તમને થયું કે જીવન સમાપ્ત, હવે ફરી પાછું બેઠા નહીં થવાય, ફરી આવો સાથી કે મોકો જીવનમાં નહીં આવે અથવા જીવન પહેલા જેવું નહીં રહે વગેરે. બધી બાજુથી દુઃખમય નકારાત્મક વિચારો ઘેરી વળશે. પરંતુ ક્યાં સુધી?! કદાચ હકારાત્મક ઘટનાથી એક-બે મહિના વધારે પણ સરવાળે મન પાછું નવા સાથી – નવી કેરિયરની શોધમાં ભટકવા માંડશે. ગુમાવ્યાનું દુખ ગમે તેટલું મોટું કે ઊંડું હશે, નવું મળવાની સાથે ઓછું થતું જ જશે તે નક્કી. અસાધ્ય રોગ કે ખોડ સાથે જીવતા વ્યક્તિ શીખી જશે. અલબત્ત ઘણી વ્યક્તિઓ આ દુઃખને પ્રયત્નપૂર્વક જીવંત રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરતા હોય છે અને તે પણ અંગત કારણોસર.
મહત્વની વાત એ છે કે જેમ સુખ સતત ભજવાતો ખેલ નથી તેમ દુખ પણ હંમેશા રહેતું નથી સિવાય કે તમે સ્વ-પીડનની વૃત્તિઓ ધરાવતા હોવ. મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે આપણું મન પરિસ્થિતિઓ કે ઘટનાઓ સાથે વહેલું-મોડું અનુકુલન સાધી જ લેતું હોય છે. સુખનો ઉન્માદ જેમ ટકતો નથી તેમ દુઃખનો વિષાદ પણ કાયમી નથી. કરોડોનો જેકપોટ જેમ આખી જિંદગીને સુખી નથી બનાવી શકતો તેમ આંખનો અંધાપો આખી જિંદગીને દુખી નથી બનાવી શકતો. આ વાત સમજાઈ હોય તો સમજાઈ જશે કે શા માટે સેલીબ્રીટીઓ આત્મહત્યા કરે છે, વ્યસનો કરે છે કે ઊંઘની ગોળીઓ ખાય છે અને શા માટે અંધ વ્યક્તિ સંગીતકાર-ગાયક બને છે, પગ વગરના ઓલમ્પિક દોડે છે કે કેન્સરથી પીડાતા મેદાન ઉપર છક્કાબાજી કરે છે. સમય અને સંજોગો સાથે બદલાતી ઈચ્છાઓ અને અપેક્ષાઓ મનની અનુકુલન સાધવાની કુદરતી આવડતનું જ પરિણામ છે. વ્યક્તિ કોઈપણ સંજોગોમાં સરવાળે પોતાની પ્રસન્નતાના મૂળભૂત સ્તરે પાછી ફરે છે.
આજના યુગમાં તમને એવા અનેક ધંધાદારીઓ મળશે કે જે તેમની જાહેરાતો દ્વારા તમારા મગજમાં ૨૪X૭ એવું ઠસાવવાની કોશિશ કરતા રહે છે કે ગાડી-કપડા-આભૂષણો-મોબાઈલ જેવી વસ્તુઓ ખરીદતા કે બદલતા રહેવાથી, દેખાવ આકર્ષક બનાવવાથી કે સ્ટાઈલ-ફેશનમાં રહેવાથી કે પછી, આના જેવી અનેક બાબતોથી તમે પ્રસન્ન રહેશો, સુખી થશો. તમારા જીવનને સુખી અને વૈભવી બનાવવાની આવી દરેક વાત એક છળ છે જેના દ્વારા આર્થિક પ્રગતિ થાય પણ મનને જોઈએ છે તેવી કાયમી પ્રસન્નતા કે સુખ મળતું નથી. આપણે મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ, સાધન-સગવડો ખરીદીએ છીએ પણ એનો અર્થ એમ ના સમજતા કે આપણે સુખી થઈએ છીએ. સુખનું ગણિત અલગ છે. પ્રસન્ન રહેવાની કળા જુદી જ છે. તમે જીવનથી કેટલા સંતુષ્ટ છો તે તમારી આસપાસની વસ્તુઓ ઉપરથી નહીં પણ એક વ્યક્તિ તરીકે તમે કેટલા ઉમદા છો તેના ઉપરથી નક્કી કરી શકાય એમ હોય છે. પોતાનામાં માનવીય ગુણો અને માનવતાના વિકાસથી તમે વ્યક્તિ તરીકે ઉમદા બનો છો. માણસ તરીકે ઉમદા કહી શકાય તેવા વ્યક્તિઓની પ્રસન્નતા ઈર્ષ્યા જન્માવે એવી હોય છે. એનો સરળ મતલબ એ થયો કે સુખનો સાચો આધાર બહારનું ભપકાદાર નહીં પણ તમારી અંદરનું મજબુત બનાવવા ઉપર છે.
નવા વર્ષનો સંકલ્પ કરવો જ હોય તો નક્કી કરો કે આ દિવાળીએ છું તેના કરતા વધુ ઉમદા વ્યક્તિ હું આવતી દિવાળી હોઈશ. મારા સંબંધો ઉમદા બનાવીશ, જાત સાથે મજબુત સેતુ બાંધીશ અને સમાજ ઉપયોગી બનીશ. આ બદલાવથી જન્મેલું સુખ ઓસરી નહીં જાય તેની ગેરંટી. દિવાળી અને નવું વર્ષ મુબારક…
આ અજવાળું તમને ફળે
જીવનમાં જે જોઈએ તે મળે…
નવ વર્ષની શુભેચ્છાઓ…
પૂર્ણવિરામ: સુખનું કોઈ સ્થાયી સરનામું નથી, એ તો તમારી સાથે બદલાતું રહે છે કારણ કે સુખ તમારા બે કાન વચ્ચે ભજવાતો ખેલ છે.
very true sir,people are just postpone their happiness by his desireness bcoz desire never going to end. they thought they would be happy if desired got fulfilled, but it will not happen,after desire fulfilled, new desire born & people run to achieve that desire. so its a vicious cycle. they are not enjoyed with what they have, they depend on things & run for that.
khub j sunder article …..wah !!!
You are right Sir, Happy Diwali & Happy New Year to you & your family
Reblogged this on Revolution.