નાનપણના એ વર્ષોમાં હોટલમાં જમવા જવાનું ચલણ માત્ર વાર-તહેવાર પુરતું હતું, ખાસ કરીને કુટુંબના સભ્યોની કે યુગલોના લગ્નની વર્ષગાંઠે. પરંતુ બાળક તરીકે મને મનોમન ઈર્ષ્યા હોટલના માલિકની આવતી. મને થતું કે એમને કેટલા જલસા?! રોજેરોજ નવું નવું ચટાકેદાર ખાવાનું!! પણ, જેમ ઉંમરની પરિપક્વતા તમારા ઘણા નિર્દોષ વિચારોને ખેદાન-મેદાન કરીને તેના સ્થાને કડવી કે નરી વાસ્તવિકતા ઉભી કરી દેતી હોય છે તેમ, મારી આ ઈર્ષ્યાને ડહાપણમાં બદલાયે વર્ષો થઇ ગયા. ડહાપણ એ આવ્યું કે ગામને ચટાકેદાર ખવડાવનારા આ લોકો બીજાની હોટલનું તો ઠીક, પોતાની હોટલનું ખાતા પણ દસવાર વિચાર કરે છે! નાનપણની ઈર્ષ્યા અને પુખ્તતાના ડહાપણનું આ કોમ્બીનેશન યાદ આવવા પાછળ તાજેતરમાં જ મીડિયામાં ચમકેલી, ટાઈમ્સના કોલમ્નીસ્ટ નીક બિલ્ટનને દુનિયાભરના લોકોને હાઇટેક ગેજેટ્સનું ઘેલું લગાડનાર એપલના સ્ટીવ જોબ્સે ૨૦૧૦માં આપેલી એક મુલાકાત જવાબદાર છે. આ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે તે પોતાના ટીનેજર્સ બાળકોને ગેજેટ્સના ઉપયોગથી દુર અને તે અંગેના કડક નિયંત્રણમાં રાખતા હતા! ડાઈનીંગ ટેબલ ઉપર પણ તે બાળકો સાથે પુસ્તકો અને ઇતિહાસની વાતોની ચર્ચા કરવાનો શિરસ્તો રાખતા. લો, આ તો મીઠાઈના દુકાનદાર ઘરના બાળકોને ગળપણથી દુર રાખે તેવી વાત થઇ! આ અભિગમ માત્ર સ્ટીવ જોબ્સનો જ હતો તેવું માનવાની ભૂલ ના કરતા. માઈક્રોસોફ્ટના બીલ ગેટ્સની પત્ની મેલિન્ડા ગેટ્સે પણ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના બાળકો ઉપર પણ હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ નિયંત્રિત હતો. આવો જ અભિગમ થ્રીડી રોબોટીક્સના ક્રીસ એન્ડરસનનો પણ હતો. તમને થશે કે આમાં નવું શું છે? પોતાની લોકપ્રિયતાના જોરે લોકોના ખિસ્સા ખંખેરતા બ્રાંડ એમ્બેસેડરો પોતે ક્યાં એ બધું વાપરતા હોય છે?! ના, અહીં વાત આવા સ્વાર્થી ધંધાદારી અભિગમની નથી પરંતુ પોતે જ કરેલા ઉપયોગી સંશોધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અને ભયસ્થાનોની જાણકારીની છે. આ વાત સમજાશે તો આગળની વાત સમજાશે.
એક બાજુ ટેકનોલોજીના માંધાતાઓ તેમના સંતાનોને અમુક ઉંમર સુધી તેનાથી દુર રાખવાનો અભિગમ ધરાવતા હોય છે ત્યારે બીજી બાજુ મોટાભાગના માતા-પિતાઓ તેમના નાનકડા ભૂલકાઓ મોબાઈલ,ટેબ્લેટ કે લેપટોપ જેવા ગેજેટ્સ વાપરી શકે છે તે બાબતે પોરસાય છે! પોતાના ચાર વર્ષના બાળકને મોબાઈલ અનલોક કરતા અને ટેબ્લેટ ઉપર ફ્લીપ-બુકના પાના ફેરવતા આવડે છે એ બાબતે પોરસાતા એક પિતાએ મને કહ્યું કે ‘સાહેબ આનું મગજ એટલું શાર્પ છે કે એને મોબાઈલ પકડાવી દો તો એની જાતે જ અનલોક કરીને બધી એપ્લીકેશન ખોલી નાખે છે’ બાળકના જન્મથી જ દરેક માતા-પિતા પોતાનું બાળક ચબરાક અને બુદ્ધિશાળી છે તેવું માનવાની અને અન્યને મનાવવાની એકપણ તક ગુમાવતા નથી. હવે આ સંજોગોમાં તમે એમ કહો કે ગેજેટ્સ યુગમાં જન્મેલા બાળકો માટે આવું બધું તો ઠીક છે પરંતુ ખરેખર આ ઉંમરે એમને આ બધી વસ્તુઓ અપાય નહીં, તો?! તો એ જ ઘડીથી તમે વેદિયા, દોઢડાહ્યા કે અળખામણા બની જાવ. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે પાંચ વર્ષ પહેલા બાળકની આવી ચબરાકીથી પોરસાતા મા-બાપ આજે એ જ બાળકનું ધ્યાન ભણવામાં લાગતું નથી તે બાબતે ચિંતિત છે અને તેમાંથી રસ્તો કાઢવા સેમીનારો-વર્કશોપોના સહારે છે. પ્રમાણીકતાથી સ્વીકારવું પડે કે ઉંમર કોઈપણ હોય, ટેકનોલોજી અને ગેજેટ્સનું વળગણ છોડવું કે છોડાવવું અઘરું છે.
વાત મોબાઈલની હોય, ટેબ્લેટની હોય, ફેબ્લેટની હોય, લેપટોપની હોય, ગેમિંગ ડીવાઈસની હોય કે પછી ટીવીની હોય પણ સરવાળે વળગણ ‘સ્ક્રીન’નું જ ગણી શકાય એમ છે. આ બાબતમાં નહીં ગમે તેવી વાત એ છે કે બાળકોમાં આવા વળગણ પાછળ જવાબદાર મા-બાપ જ હોય છે. બાળકો સાથે બેસીને રમવાનો, વાંચવાનો કે વાતો કરવાનો સમય કોની પાસે છે? બાળકને હાથમાં ગેજેટ્સ પકડાવીને અથવા ટીવી સામે બેસાડીને વ્યસ્ત કરી દેવાનું અને પછી આપણે આપણામાં વ્યસ્ત! ઘણીવાર તમે સામેથી ના પકડાવતા હોવ પણ તમારા સ્ક્રીન વળગણને જોઈ જોઇને બાળક શીખી જાય! ક્યારેય વિચાર્યું છે કે એમને બીજા કોઈનો નહીં પણ તમારો જ ફોન આકર્ષે છે કારણ કે તમને એ એની સાથે વળગેલા જુએ છે. તમે આખો દિવસ ફોન, ટેબ્લેટ, ટીવી વગેરેને વળગેલા રહેતા હોવ તો તમારું સંતાન પણ જાણે-અજાણે એ જ કરવા પ્રેરાવાનું. આ સંજોગોમાં તમારા ગમે તેટલા નિયંત્રણો નિષ્ફળ જવાના. કદાચ નિયંત્રણોને કારણે તે ખુલ્લેઆમ ના કરે તો છાનામાના કરશે અને મોટા થઈને કરશે.
પોતાને સ્ક્રીનનું વળગણ હોય અને સંતાનો ઉપર તે બાબતે નિયંત્રણ હોય એવા દંભી મા-બાપોનો તોટો નથી હોતો. આ માતા-પિતાઓનો અભિગમ એવો હોય છે કે ‘હું જે કરું છું તે નહીં કરવાનું પણ હું જે કહું છું તે કરવાનું’. આવા સંજોગોમાં કદાચ બાળકો નિયંત્રણમાં રહેતા હોય તો પણ મનમાં તો એમ જ અનુભવતા હોય કે તમે જે કરો છો તે અમને કરવાની ના પાડો છો અને તમારી સત્તાનો દુરુપયોગ કરીને અમારી ઉપર નિયમો લાદો છો. જો જો જેવા અમે મોટા થઈશું કે તમારા આ નિયમોની એસીતેસી કરીશું. આવા સમયે મા-બાપો ફરિયાદ કરશે કે નાનો હતો ત્યારે બહુ ડાહ્યો હતો પણ હવે પોતાનું જ ધાર્યું કરે છે, આપણું કહ્યું કંઈ માનતો જ નથી.
નાની ઉંમરે સ્ક્રીન્સને વળગી રહેતા બાળકો માટે પોરસાવાની જરૂર નથી. આવા બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઓછી થઇ જાય છે, તેમનું મગજ જરૂર કરતા વધુ ઉત્તેજિત રહેતું હોય છે, તેમનું વર્તન ગુસ્સાવાળું-હાઈપર હોય છે. આ ઉપરાંત મારી દ્રષ્ટીએ સૌથી ખતરનાક બાબત એ છે કે ગેજેટ્સને વળગીને રહેતા બાળકો બહુ ઝડપથી ‘બોર’ થઇ જતા હોય છે કારણ કે સતત આવા ગેજેટ્સના ઉપયોગના કારણે તેમના મગજને ઉત્તેજના (સ્ટીમ્યુલેશન)ની આદત પડી જતી હોય છે. વ્યવહારમાં તમારા મગજને સતત ઉત્તેજનામાં રાખે એવું થોડું બન્યા કરે?! પરિણામે, કંટાળો આસપાસ જ રહે અને બધી જ સવલતો અને સાધનો વચ્ચે એક કાયમી ફરિયાદ ‘બોર થાઉં છું!’ આ સંજોગોમાં તે જુદા જુદા વ્યસનો પાછળ ખેંચાઈ જાય એમાં નવાઈ નહીં.
આ બધી વાતો તો અવિરત ચાલે એવી છે પરંતુ ઈશારામાં કળવા જેવી બાબત એ છે કે ટેકનોલોજી કે ગેજેટ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ બાળકને શીખવવા કરતા પોતાની જાતને શીખવવો જરૂરી છે. જીવનમાં મોટાભાગનો સંયમ અને વિવેક તમારું સંતાન તમારા વર્તનમાંથી જ શીખતું હોય છે તે બાબત હંમેશા યાદ રાખવી જરૂરી છે.
પૂર્ણવિરામ: બાળકો કાનથી શીખે છે તેના કરતા આંખથી ઘણું વધારે શીખે છે, માટે તેમના ઉછેરમાં તમારી સલાહો કરતા તમારા વર્તનનું મહત્વ અનેકગણું વધારે છે.
Reblogged this on Revolution.
VERY WELL-SAID DOCTOR…JAY HO.
when I read your post or Notification, I really think that I am very lucky. thanks Sir,
હંસલભાઇ અત્યંત સુંદર અને સમજણ આપે તેવો લેખ છે. ખાસ કરીને છેલ્લા બે પેરેગ્રાફ. જેમ જેમ આપણે યંત્ર નો ઉપયોગ વધારી રહ્યા છિએ તેમ તેમ આપણી બુદ્ધી નો ઉપયોગ ઘટાડી રહ્યા છીએ. એક બહુ કોમન દાખલો મોબાઇલ અને આપણી ફોન નંબર યાદ રાખવાની શક્તિ નો છે.