પંદર દિવસ પહેલા ગુજરાત સમાચારમાં મારી કોલમ ‘તારી અને મારી વાત’માં ‘કો’કે મોકલ્યું તે વાંચ્યા, સમજ્યા કે માણ્યા વગર શેર કરવાની આપણી તાલાવેલી કે તલબ !!’ લેખ ઘણા વાચકોએ અહીં પોસ્ટ કરવાની માંગ કરી હતી. તો મિત્રો આપની માંગણી મુજબ આ રહ્યો એ લેખ…
**********
પંદર ઓગસ્ટ ગઈ. બધાના ઝંડા તેમના વોટ’સ એપ પ્રોફાઈલ પિક્ચર પરથી ઉતરી ગયા હશે અને દેશભક્તિના ઠોકમ ઠોક મેસેજો ફોરવર્ડ કરીને થાકેલા અંગુઠાઓ પાછા નોર્મલ થઇ ગયા હશે. હવે મને એક પ્રશ્ન થાય છે, આમ તો પ્રશ્ન ક્યારનો’ય થયો’તો પણ જ્યાં સુધી લોકો ઉન્માદમાં હોય ત્યાં સુધી ના પુછાય એવી વિવેક્બુદ્ધીએ મનમાં રોકી રાખ્યો હતો. એમાં’ય પાછો હું વ્યવસાયે લેખક નથી એટલે પ્રસંગની વાત પ્રસંગે જ લખવી એવી મારી વ્યવસાયિક મજબૂરી નથી એટલે હવે એની વાત માંડું છું. પ્રશ્ન પહેલા એની પૂર્વભૂમિકાની વાત કરું.
થોડા દિવસ પહેલા હોસ્પીટલના પાર્કિંગમાં બે ડોક્ટર મિત્ર વાત કરી રહ્યા હતા અને ત્રીજો હું ઘુસ્યો. બેની વાતચીતમાં વચ્ચે ઘૂસવાનું કારણ એટલું જ હતું કે મારે તેમાંના એકને ‘બી લેટેડ હેપ્પી બર્થ ડે’ કહેવું હતું. જેવું મેં એને વિશ કર્યું કે તરત જ બીજાએ કહ્યું ‘તારો બર્થ ડે ગયો?!! સોરી ધ્યાન બહાર જ ગયું. હેપ્પી બર્થ ડે યાર’
‘પણ તેં તો મને વોટ’સ એપના ગ્રુપમાં વિશ કર્યું’તુ!’ જેનો બર્થડે ગયો હતો તેણે બીજાને પૂછ્યું.
બીજો થોડો ઝંખવાયો, ‘યાર આ બધા ગ્રુપોનો એટલો ત્રાસ છે ને કે ભૂલી જવાય એવું છે..’
હું તો પછી ત્યાંથી નીકળી ગયો પણ હોસ્પીટલના દાદરા ચઢતા ચઢતા પ્રશ્ન થયો કે ખરેખર પેલાએ ગ્રુપ પર વિશ કર્યું એ તો સાવ યંત્રવત જ ને?! ખરેખર તો એને એ પણ ભાન નહતું કે એ કોને શું વિશ કરે છે, બસ બીજા ગ્રુપ મેમ્બરોની સાથે યંત્રવત હેપ્પી બર્થડે ઠોકી દીધું. બીજામાં પણ મોટાભાગના એના જેવા જ હશે. લોકો ગ્રુપમાં જ પોસ્ટ થઇ ગયેલી એની એ જ પોસ્ટ પાછા ગ્રુપમાં પોસ્ટ કરતા હોય છે(તેમાં’ય કેટલીકવાર તો ઉપર પોસ્ટ થયેલી હોય તેની નીચે જ એની એ પોસ્ટ!!) તે જોઈને એવો વિચાર નથી આવતો કે આ લોકોને બીજાની પોસ્ટ વાંચવામાં રસ જ નથી ખાલી પોતાની હાજરી પુરાવવામાં, દાદ મેળવવામાં અને આત્મશ્લાઘામાં જ રસ છે?! એમને એ પણ પડી નથી હોતી કે એ શું પોસ્ટ કરે છે? કેમ કરે છે?!! ઘણા તો ગ્રુપમાં પોતાની અંગત વાતો કરે અને બીજાએ ફરજીયાત મુક દર્શક બનવું પડે! અલ્યા, તમારા બે જણની વાત હોય તો એકબીજાને અંગત વોટ’સ એપ કરોને બીજા મેમ્બરોનું લોહી કેમ પીઓ છો?! હશે, વાત આડા પાટે નથી ચઢાવવી, મૂળ વાત ઉપર આવીએ.
ગ્રુપ ઉપર થતા ફોરવર્ડ હોય, સ્વાતંત્ર્ય દિવસના ઝંડા હોય, રાજકીય પક્ષોના ગતકડા હોય કે પછી ફ્રેન્ડશીપ ડે જેવા દિવસોના મેસેજો હોય પ્રશ્ન એ છે કે ‘ડુ વી મીન એનીથીંગ?’, ‘ખરેખર આપણને કંઈ ફરક પડે છે?’, ‘આપણે જે વિચારો ફોરવર્ડ કરીએ છીએ તેની સાથે આપણે અંગત લેવા-દેવા છે?!’ જો ખરેખર આ બધું એક જાગૃત નાગરિક તરીકે આપણે માનતા અને કરતા હોત તો ટ્રાફિક પોલીસને વોટ’સ એપ બંધ કરવું પડે એવી પરિસ્થિતિ ના સર્જાઈ હોત. આખો દિવસ ફાલતું ફોરવર્ડ કરનારા આપણને જાગૃત નાગરિક તરીકે ટ્રાફિક સમસ્યા સુધરે એ માટે જરૂરી વોટ’સ એપ કરીને ટ્રાફિક પોલીસને મદદ કરવાનો ટાઈમ નથી! આવા મેસેજોથી કંઈ થવાનું નથી એમ કહીને આપણે જવાબદારીથી હાથ ખંખેરી લઈએ છીએ તો શું પ્રોફાઈલ પિકચરમાં ઝંડાઓ લગાવવાથી ફેર પડશે? રાજકીય નાટકબાજીના અંગુઠા બનવાથી પડશે? કેન્ડલ લઈને ઉભા થઇ જવાથી પડશે? રક્ષાબંધને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં જઈને મનોરોગીઓને રાખડીઓ બાંધવાથી આપણો તેમના પ્રત્યેનો અભિગમ બદલાશે?! ટામેટા-ડુંગળીના ભાવની મજાક ઉડાવતા ફોરવર્ડ સિવાય ખરેખર આપણને એ ભાવોથી સાચે જ નિસ્બત છે?! – ડુ વી મીન એનીથીંગ?!!
ના ભાઈ ના, આપણને કંઈ ફરક નથી પડતો. આપણી મઝા તો લુખ્ખા ફોરવર્ડોમાં છે. વોટ’સ એપ અને ફેસબુક તો કહે જ છે કે જેવું ઠોકમ ઠોક ફોરવર્ડ અને પોસ્ટ ભારતીયો કરે છે તેવું દુનિયામાં ક્યાં’ય કોઈ નથી કરતુ! વોટ’સ એપના ફોરવર્ડ ડીલીટ કરવા માણસ રાખવો પડે એવો માહોલ છે! અગત્યનું નહીંવત, બાકી નર્યો ટાઈમપાસ. મઝાની વાત તો એ છે કે આપણી આવી ફાલતું મેસેજોની હેરફેર કરવાની વૃત્તિથી હવે તો સરકારની દાઢ પણ સળકી છે, સરકાર આવા મેસેન્જરોથી થતી વાતચીત ઉપર – મેસેજો ઉપર ચાર્જ વસુલવાની તજવીજમાં છે. જો ચાર્જ વસુલવાનો શરુ થશેને તો દેશ-ભક્તિ, સામાજિક-જાગૃતિ વગેરે રાતોરાત ગાયબ થઇ જશે. ત્યારે ખબર પડશે કે વી ડીડન્ટ મેન્ટ એનીથીંગ, એવર!! આપણને ક્યારે’ય કોઈ ફરક નહતો પડતો. આ તો લગભગ મફતમાં પડતુ’તુ અને લોકો ઠોકતા’તા તે અમે’ય આગળ ઠોકતા’તા ! કમનસીબી આટલે અટકતી નથી, કોઈપણ પ્રસંગને માણવાને બદલે એના ફોટા – સ્ટેટસ અપલોડ કરવાની તજવીજમાં હોય છે. અરે એ છોડો, એકસીડન્ટના સમયે મદદ કરવાને બદલે પણ લોકો ફોટા અને વિડીઓ અપલોડ કરવા બેસી જાય છે!!
સારા વિચારો, સારા આશયોની વહેંચણી થાય એ સારી વાત છે તેની ના નહીં પણ આપણે બધા સમજીએ છીએ કે ખરેખર આપણે શું કરી રહ્યા છીએ. ફાલતું ફોરવર્ડ વાંચવામાં કે મોકલવામાં આપણા કુટુંબ સાથે પસાર કરવાનો ગુણવત્તાભર્યો સમય વેડફાઈ જાય છે. સાથે જમવા જઈએ,ફિલ્મ જોવા જઈએ કે ક્યાં’ય જઈએ એકબીજાની જોડે વાત કરવાને બદલે વોટ’સ એપ, ફેસબુક વગેરે પર લટકેલા રહીએ છીએ. કેમ? શા માટે આપણે આવું કરીએ છીએ?! આપણે વધુને વધુ સ્વકેન્દ્રી, આત્મશ્લાઘાગ્રસ્ત, અધીરા અને અદેખા બની રહ્યા છીએ. આપણી રાતની ઊંઘ છીનવાઈ રહી છે. એ સમય દુર નથી કે મારા જેવા મનોચિકિત્સકો તેમની કેબીનમાં ઝકરબર્ગ જેવા બિઝનેસમેનના ફોટા રાખશે કારણ કે તેમના વોટ’સ એપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મને કારણે એમની પ્રેકટીસમાં અણધાર્યો વધારો થયો છે.
ટેકનોલોજીનો વિરોધ નથી અને હોઈ પણ ના શકે પરંતુ વાત તેના સેન્સીબલ ઉપયોગની વાત છે. યંત્રવત થતા સાવ ટાઈમપાસ ફોરવર્ડની જગ્યાએ માઈન્ડફૂલ ફોરવર્ડની વાત છે. કો’કે મોકલ્યું તે વાંચ્યા, સમજ્યા કે માણ્યા(માણવા જેવું હોય તો!) વગર શેર કરવાની તલબમાંથી છુટકારો મેળવવાની આ વાત છે.
પૂર્ણવિરામ:
ટેકનોલોજી ઉપયોગી હોય છે તે બધા જાણે છે પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ ઓછા જાણે છે.
Very true…Doc. People are going crazy about What’s App.
Though I may sound orthodox but as you wrote there should be
a limit &
sensible approch to utilise the technology.
Very well said sir.
I was thinking the same for last many days and want to write something about it on my blog but as you have written it very well i am simply going to reblog it!!! 😉
Thank you sir
Reblogged this on Revolution and commented:
Please don’t share or forward anything blindly. read, think, verify and than forward it to someone else.
Be responsible please!!!!!
Thank you sir, it is very important massage for all how use internet & social site
Nice brijesh
Very True, and I agree with you… ..
મારા જેવા મનોચિકિત્સકો તેમની કેબીનમાં ઝકરબર્ગ જેવા બિઝનેસમેનના ફોટા રાખશે કારણ કે તેમના વોટ’સ એપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મને કારણે એમની પ્રેકટીસમાં અણધાર્યો વધારો થયો છે.
બહુ સુંદર. ખરુ કહુ તો આને સોસ્યલ નહી પણ અન્સોસ્યલ સ્સાઈટસ કહેવિ જોઈએ.