ચોમાસામાં ફૂટી નીકળતા જુદા જુદા તાવ-તરીઆની સાથે બકા,બકુડી,ઢબૂડી વગેરે ફૂટી નીકળ્યા છે તેવા માહોલમાં મગજમાં કેટલાક Instant ઝબકેલા બકાઓ… Enjoy…
‘જો જે આપણે જેવા સોસાયટીની બહાર નીકળીશું કે તરત એક કુતરું આપણી કાર પાછળ દોડશે’ બુધાલાલે ગાડી ચાલુ કરતાં એના મિત્રને કહ્યું. મિત્રના મગજમાં હજી વાત બેસે એ પહેલા ગાડી સોસાયટીની બહાર નીકળી અને કુતરું ભસતું ભસતું પાછળ દોડવા માંડ્યું. બુધાલાલ હસતા હસતા બોલ્યા ‘જોયું મેં કહ્યું’તું ને? બરાબર બે વર્ષથી આ ક્રમ ચાલે છે. આ કુતરું રોજ આમ મારી ગાડી પાછળ દોડે છે.
મિત્રને બહુ આશ્ચય થયું અને એનાથી પૂછ્યા વગર ના રહેવાયું ‘અલ્યા તને આ કુતરા ઉપર ગુસ્સો નથી આવતો કે આટલો લાંબો ગાળો થયો તો પણ એને ખબર નથી કે તું આ સોસાયટીનો જ છું અને હજી તારી ગાડી પાછળ દોડે છે?!’
બુધાલાલના ચહેરા પર સ્મિત ફરક્યું ‘ના રે એને તો ટેવ છે, કાયમ બધાની ગાડી પાછળ દોડે છે. ગાડીઓ પાછળ દોડવું એ એનો સ્વભાવ છે. એના આ વિચિત્ર લાગતા સ્વભાવ માટે હું શું કામ ગુસ્સે થાઉં?! હા, એકવાર તો એવું બન્યું કે એ મારી ગાડી પાછળ ના દોડ્યું ત્યારે મને જબરું આશ્ચર્ય થયું’તું. ખરેખર એ દિવસે તો મેં ઉતરીને પણ જોયું’તું કે એના પગમાં કંઈ વાગ્યું તો નથી ને?!’
*****
વાત નાની છે પણ ખુબ માર્મિક છે. ઘણી વ્યક્તિઓના સ્વભાવ આપણને નડતા હોય છે, આપણે એ સ્વભાવ પ્રત્યે ફરિયાદો કરતા રહીએ છીએ અને સરવાળે દુખી થતા રહીએ છીએ. પોતાની માનસિક અશાંતિ પાછળ સાસુના સ્વભાવને જવાબદાર ગણાવતા તેમની વહુ ફરિયાદ કરે છે મારા દુઃખનું કારણ મારા સાસુનો સ્વભાવ છે. મારા દરેક કામમાં એમને ખોડ કાઢવા જોઈએ અને પાછા જુઠ્ઠા તો એટલાં કે નાની નાની વાતમાં’ય ફરી જાય. મને કોઈ ખોટી રીતે ટક ટક કરે એ સહન જ ના થાય અને એમાં’ય એ જુઠ્ઠું બોલેને ત્યારે તો મારો પિત્તો જાય જ. તમે જ કહો રોજે રોજના આવા લોહી ઉકાળા હોય ત્યાં શાંતિ કેવી રીતે મળે?!’ હવે વિચારો કે એક બાજુ બેન કહે છે કે આ એમનો સ્વભાવ જ છે, જુઠ્ઠું બોલવાની એમને ટેવ છે અને બીજી બાજુ જયારે જયારે એ એમના સ્વભાવ કે ટેવ પ્રમાણે વર્તે છે ત્યારે ત્યારે તેમને ગુસ્સો આવે છે! જો કોઈ વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો આપણને ગુસ્સો કેમ આવે?! જો આપણે જાણતા જ હોઈએ કે એ એનો સ્વભાવ છે તો પછી એનાથી અશાંતિ કેમ અનુભવીએ?! બેન માનસિક રીતે તૈયાર કેમ ના થઇ શકે કે હમણાં સાસુ આવશે અને ખોડ કાઢશે અથવા કંઇક કહેશે અને પછી ફરી જશે. જો આ સ્વીકૃતિ જ હોય તો પછી અશાંતિ કેવી?! અશાંતિ કે ચટપટી તો ત્યારે થવી જોઈએ જયારે એ પોતાના સ્વભાવ મુજબ ખોડ ના કાઢે જેવી રીતે બુધાલાલ ગાડીમાંથી ઉતરીને જોવા ગયા કે એ કુતરાને પગે વાગ્યું તો નથીને?!
તો શું એનો અર્થ એમ કે કોઈપણ વ્યક્તિ મનફાવે તેમ વર્તન કરે અનેઆપણે એનો સ્વભાવ ગણીને સ્વીકારે જવાનું?! સવાલ સ્વીકારવાનો નથી પરંતુ સ્વભાવગત થતા વર્તનને કારણે વારંવાર દુઃખી નહીં થવાનો કે અશાંત નહીં રહેવાનો છે. ખરેખર તો તમે જેટલી અકળામણ વધુ અનુભવો છો એટલું લોકો ચડસના માર્યા એવું વર્તન વધારે કરે છે. જેમ પગે લંગડાતા વ્યક્તિની ખોડ સ્વીકારીને એની પાસે આપણે ઝડપી દોડની અપેક્ષા નથી રાખતા તેમ નડતા સ્વભાવને મનની ખોડ ગણીને દુઃખી નહીં થવાનું તો આપણા મનને સમજાવી શકીએને?! પરંતુ, આપણે દુઃખી પણ થઈએ છીએ અને અશાંત પણ રહીએ છીએ કારણ કે મનોમન આપણે દરેક પાસે આપણી અપેક્ષા મુજબનું જ વર્તન ઈચ્છીએ છીએ અથવા એમને આપણી ઈચ્છા પ્રમાણે બદલવા માંગીએ છીએ. બીજા શબ્દોમાં કહું તો, કોઈના સ્વભાવગત વ્યવહારને આપણે મનની ખોડ ગણીને સ્વીકારી શકતા નથી કારણ કે આપણે તેમાં આપણી ઈચ્છા અનુસાર બદલાવ લાવવા માંગતા હોઈએ છીએ. આપણે શારીરિક ખોડ આસાનીથી સ્વીકારી લઈએ છીએ કારણકે આપણે જાણીએ આપણે તેને સુધારી નહીં શકીએ પરંતુ કોઈપણ વ્યક્તિને આપણા ડહાપણ અને સલાહથી સુધારી શકવાનો આત્મવિશ્વાસ અને અહમ તો સૌ કોઈને હોય છે એટલે સ્વભાવની ખોડ સ્વીકારવાને બદલે સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.
તો શું આવી વ્યક્તિઓને જીવનભર સહન કરવાની?! ના, જો તેમની સાથે વ્યવહાર અનિવાર્ય ના હોય તો પ્રેમથી તે આપણને અનુકુળ નથી(not of my type) અથવા આપણે તેને અનુકુળ નથી તેવું સ્વીકારીને દુર રહેવું. આ ‘દુર રહેવું’ એટલે પાછલા બારણે તેના વિષે ટીપ્પણીઓ કે ટીકાઓ કરતા ફરવું એમ નહીં તે સમજવું પણ એટલું જ અગત્યનું છે. જો તેમની સાથે વ્યવહારમાં રહેવું પડે એમ જ હોય તો તેમની ખોડ સ્વીકારીને વ્યવહાર જાળવવાનો કારણ કે અસ્વીકૃતિનું બીજું નામ ‘સહન કરવું’ છે!
હવે જો તમને કોઈ કહે કે તમારા સ્વભાવની આ બાબત મને નડે છે તો તાત્કાલીક બાંયો ચઢાવીને એમના સ્વભાવની પાંચ નડતી બાબતો કાઢીને બાથમબાથી પર આવી જવાને બદલે શાંતિપૂર્વક વિચારો. તમારી નડતી બાબતો તમારા મતે નડતી ના પણ કહી શકાય પરંતુ તમે જો ઘર્ષણ-રહિત રહેવા માંગતા હોવ કે તમારી માનસિક શાંતિ ડહોળવા ના માંગતા હોવ તો એમની સાથેના વ્યવહારમાંથી દુર કરો. સાવ સાદી સમજ છે ને?! પણ એને જીવનમાં આસાનીથી ઉતારવા માટેનું ડહાપણ આપણે કેળવવું પડશે.
જીવનમાં મનને અશાંત રાખતી અનેક બાબતો છે પરંતુ કોઈ મને એમ પૂછે કે એક મનોચિકિત્સક તરીકે તમે મનને અશાંત રાખતી બાબતો પૈકી સૌથી વધારે કઈ બાબતને અગત્યની ગણો છો તો હું ચોક્કસ કહું કે આપણી યાદશક્તિ. વ્યક્તિઓને જેટલી તેમની યાદશક્તિ અશાંત રાખી શકે છે તેટલી બીજી કોઈ બાબત નથી રાખી શકતી. આમ તો યાદશક્તિ મનુષ્યની સૌથી જરૂરી માનસિક શક્તિઓમાની એક છે પરંતુ ભૂતકાળ વાગોળવાની ટેવ ધરાવતી વ્યક્તિઓ માટે એ સૌથી મોટી વિટંબણા છે. ઘણી વ્યક્તિઓને સતત પોતાનો ભૂતકાળ ઉલેચ્યા કરવાની કે ચૂંથ્યા કરવાની ટેવ હોય છે. આ વ્યક્તિઓ વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળમાં જીવતી હોય છે અને વિચારોમાં મહદઅંશે ભૂતકાળની યાદ રાખેલી બાબતો વાગોળે રાખતી હોય છે. એ પણ સારી બાબતો નહીં પરંતુ ના ભુલી શકાતી ખોટી બાબતો. ભૂતકાળમાં કરેલી નાની નાની ભૂલો, પોતાને થયેલા અન્યાયો, પોતાને પડેલા દુઃખ, પોતાની સાથે થયેલી ગેરવર્તણૂક વગેરે તમામ બાબતો ફિલ્મની રીલની માફક તેમના મનમાં ચાલતી રહેતી હોય છે. આ બાબતોને કારણે તેમને મનોમન આક્રોશ, ગુનો કર્યાની લાગણીઓ(ગીલ્ટ), નાનમ, જાત પ્રત્યે કે અન્ય પ્રત્યે ઘૃણા અથવા પોતાની ઉપેક્ષાની લાગણીઓ અનુભવાતી હોય છે. સરવાળે તે આ વિચારોથી દુઃખી રહે છે, એકના એક દુઃખનો અવારનવાર અનુભવ કરે છે અને હતાશા અનુભવે છે.
કોઈ વ્યક્તિ રોજ એકની એક રમુજ કહીને આપણને હસાવી નથી શકતી તો પછી એકની એક બાબત આપણને અવારનવાર દુઃખનો અનુભવ કેવીરીતે કરાવી શકે તે ઊંડું ચિંતન માંગી લે તેવી વાત છે. સમજાય તો સાવ સહજ છે અને ના સમજાય તો દુખદ છે. જે વાતો, ઘટનાઓ કે વ્યવહારો વીતી ગયા છે તેની સાથે જે તે સમય પણ વીતી ગયો છે. આજના સંદર્ભમાં વીતેલા સમયને ફરી ઉભો કરવો અશક્ય છે તો વીતેલા ભૂતકાળની સાથે સંકળાયેલી લાગણીઓનો ફરી ફરી અનુભવ કરવો કેટલો યોગ્ય ગણાશે એ ભૂતકાળ વાગોળતા રહેતા દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે.
જો આટલું સમજાતું હોય અને મન સ્વીકારી શકતું હોય તો આ જ ઘડીએ સંકલ્પ કરો. શેનો? બધું ભૂલી જવાનો?! ના, ભૂલવાનો સંકલ્પ ના હોય. વાસ્તવમાં તો ભૂલવાના દરેક પ્રયત્નો એ બાબતનું ફરી ફરીને રટણ છે અને તેની યાદ તાજી રાખવાની આપણી માનસિક ચેષ્ટા છે. ભૂલવું એ તો આપમેળે થતી ઘટના છે, એના માટેના કોઈ પ્રયત્ન ના હોય. ના ભુલાતી બાબતોનો પ્રાણ તેની સાથે જોડાયેલી લાગણીઓમાં છે, જે ક્ષણે આપણે આ બાબતો, ઘટનાઓ, વ્યવહારો કે ભૂલો સાથે સંકળાયેલી લાગણીઓથી મુક્ત થઇ જઈએ તે જ ક્ષણે તેમનો પ્રાણ નીકળી જાય છે અને લાગણીવિહીન થયેલી તમામ બાબતો આપમેળે માનસપટ પરથી ભુસાતી જાય છે.
પણ પાયાનો પ્રશ્ન એ છે કે આ લાગણીઓથી મુક્ત કેવીરીતે થવું?! ભૂતકાળને જડતાપૂર્વક વળગી રહેવાનું વલણ બદલવું પડશે. વીતી ગયેલા સમયને વીતેલો જાણવો પડશે અને તેના અફસોસથી આગળ વધીને વિચારવું પડશે. કોઈનાથી ખોટું થઇ ગયું હોય તો તેને માફ કરો અને એથી’ય વધુ અગત્યનું તમારાથી ખોટું થયું હોય કે ભૂલ થઇ હોય તો પોતાની જાતને માફ કરો. માફી મનમાં સંઘરાયેલી નકારાત્મક લાગણીઓથી તાત્કાલિક છુટકારો અપાવે છે તે વાત હમેશા યાદ રાખીને વ્યવહારમાં ઉતારવા પ્રયત્નશીલ થવું પડશે.
વિસ્મૃતિ એ જીવનનો વૈભવ છે શરત માત્ર એટલી કે એ જો તમારી સાથે થયેલા માઠા, નકારાત્મક કે દુખદ અનુભવો અને વ્યવહારોની હોય. ઘણાને આ વૈભવ પ્રાપ્ત કરવામાં પોતાનું મહત્વ ગુમાવી દેવાનો ડર લાગશે. જો હું લોકોના દુરવ્યવ્હારો કે જીવનના માઠા અનુભવો ભૂલી જઈશ તો લોકોમાં મારી ગણના થતી બંધ થઇ જશે, મહત્વ જતું રહેશે અને હું ‘ચાલશે-ભાવશે-ફાવશે’ની કેટેગરીમાં મુકાઈ જઈશ. મારે એમને માત્ર બે વાત કહેવી છે એક આપણું મહત્વ આપણી આડોડાઈથી નહીં પણ પરિપક્વતાથી છે અને ભૂલવું એ પરિપક્વતાની નિશાની છે. બીજી વાત, જીવનના ના ગમેલા અનુભવો આંખ સામે રાખીને ઉચાટપૂર્વક જીવવું એના કરતા વિસ્મરણના વૈભવમાં અહમને ભૂલી મસ્તીમાં જીવવાની કળામાં જ જીવનની સાર્થકતા છે.