RSS

કોઈપણ વ્યક્તિને સ્ત્રીની સુંદરતા મગજમાં બેસી જાય તો પછી તે વ્યક્તિ; જાણ્યે-અજાણ્યે એ સ્ત્રીની બુદ્ધિ, ચતુરાઈ, આવડત કે સામર્થ્ય પરત્વે દુર્લક્ષ સેવવા માંડે છે!

19 Jul

‘સની લીઓની તેની ઈમેજ સુધારવા સાફ-સુથરા રોલ કરશે’, ‘સની તેની સેક્સી ઇમેજ દુર કરવા ખુબ પ્રયત્નો કરી રહી છે’ વગેરે સમાચારો તાજેતરમાં વાંચ્યા ત્યારે મને પાંચ-સાત વર્ષ પહેલા લખેલો આ લેખ યાદ આવ્યો. મારે સનીને એટલું જ કહેવું છે કે બેન એકવાર પુરુષના મગજમાં સ્ત્રીનું શરીર ફીટ થઇ જાય પછી તેને હટાવીને સ્ત્રીની બુદ્ધિ, ચતુરાઈ, આવડત, સામર્થ્ય કે એવું કંઈ પણ ફીટ કરવું અશક્ય છે! ઈતિહાસ સાક્ષી છે કે કોઈપણ બોલ્ડ ઈમેજ ધરાવનારી હિરોઈન ‘સોબર રોલ’માં ચાલી નથી…..

sunny

 કોલેજ કાળ દરમિયાન એક પ્રશ્ન મને હંમેશા સતાવતો- મિડિયામાંઆવતા સેલીબ્રીટીઓના લફરાં, લેટેસ્ટ રીલેશનશીપ્સ, દંભથી છલોછલ નિવેદનો, ઝગડાઓ વગેરેને લગતા સમાચારોમાં કોને રસ પડતો હશે ?!કોણ ક્યાં લટક્યું અને કોણે કોને વહેતા મૂક્યા એમાં આપણે કેટલા ટકા ? શા માટે દરેક મીડિયામાં ઉબકાં આવી જાય તેટલી હદે આવું બધું પીરસાતું હશે?!!  પણ સાલું પાછળથી સમજાયું કે આવા ‘ટાઇમપાસ’ લોકોનો તો મોટો વર્ગ છે ! ! બોલીવુડ તો છોડો હવે તો છાપાઓએ હોલીવુડની પંચાતોના પણ પાના ખોલ્યા છે અને એમાં પીરસાતા ફોટાઓનો વિશાળ ચાહક વર્ગ છે!!પોતાના જીવનનું જે થવું હોય તે થાય, સંબંધોનું જે થવું હોય તે થાય પણ હવે કરીના- સૈફને છોડીને બીજે ના જાય તો સારું એવી મનોમન પ્રાર્થના કરતો એક ખૂબ મોટો ‘ગામ ડાહ્યો’ વર્ગ છે.કરીના શાહિદ જોડે જાય કે સૈફ જોડે, જોહન-બિપાશાનું તૂટે કે ટકે, રણવીર- દીપિકા વચ્ચે કંઇક રંધાય કે ના રંધાય,આપણે શું લેવા-દેવા ? પણ આ ‘ટાઇમ પાસ’ વર્ગને જબજદસ્ત લેવા દેવા છે.એમને તો માત્ર અંતિમ પરિણામ સાથે નહિ બન્ને વચ્ચે શું થયું ? કેમ તૂટ્યું ? એકને છોડીને બીજાને કેવી રીતે મળી ? હવે નવા સાથે કયાં ફરે છે ?એકબીજાને શું ભેટ-સોગાદો આપે છે ? વગેરે નાની નાની, સાચી- ખોટી દરેક વાતની પંચાત છે  એમાં’ય ખાસ પંચાત સુંદર દેખાતી હિરોઈનોની હોય છે

ટેક્સાસ યુનિવર્સિટીના એક સંશોધક બેને આ પંચાતીયા ટોળા ઉપર ડોલ ભરીને પાણી રેડ્યું, બોલો ?!ડૉ. ક્રિસ્ટીના નામના આ સંશોધક બેન એમ કહે છે કે, “સુંદર સ્ત્રીઓના સંબંધો કેમ તૂટ્યાં અને બીજે કેમ બંધાયા એવું બઘું નહિ પૂછવાનું ! કારણ ?!કારણ કે સુંદર સ્ત્રીઓ તો જીનેટીકલી (આનુવાંશિક રીતે) જ બેવફા હોય છે.ઇસ્ટ્રેડીઓલ નામનો અંતઃસ્ત્રાવ તેમની બેવફાઈ માટે જવાબદાર છે.આ સ્ત્રીઓ માટે સ્થિર જાતીય સંબંધો જાળવવા અઘરા છે અને તે શ્રેષ્ઠ સાથીની ઝંખનામાં સાથીઓ બદલતી રહે છે !!” પોતાનું આ સંશોધન સાબિત કરવા તેમણે હોલીવુડની સુંદરીઓના ઉદાહરણો પણ ટાંક્યા.

મારે તો બૂમ પાડીને કહેવું છે કે ઓ, ક્રિસ્ટીનાબેન તમે’ય ઠોકમ ઠોક !! તમારા વાહિયાત તારણોને સમર્થન આપવા ‘મેરેલીન મનરો’, ‘એલીઝાબેથ’ વગેરેના ઉદાહરણ આપો છો પણ તેની સામે સેલીબ્રીટી ના હોય તેવી વિશ્વની અસંખ્ય સુંદરીઓ સુખી લગ્નજીવન જીવે છે તેનું શું ?તમારા મત પ્રમાણેના તેમના શ્રેષ્ઠ સાથીની ઝંખનાનું શું ?? તમે’ય અમારા ‘ટાઇમ પાસ’ સમુદાયની જેમ સેલીબ્રીટીઓના જીવનમાં ડોકીયા કરતા રહો (અરે, ડોકું ત્યાં જ મૂકી રાખો !)બહુ મસાલો મળશે, બાકી, ‘જીન્સ’ની વાતો કરીને આખા વિશ્વની સુંદર સ્ત્રીઓને જન્મજાત બેવફાનું હલકું લેબલ ન લગાડો !

આ ક્રિસ્ટીનાબેનના વાહિયાત સંશોધનને બાજુ પર મુકો, પણ સુંદર સ્ત્રીઓને લગતી વાત નીકળી છે તો તમારી સાથે મારું એક તારણ શેર કરવાની ઈચ્છા થઇ આવી છે. સુંદર સ્ત્રીઓ સૌને ગમે છે. તેમની સુંદરતાને કારણે અનેક સામાન્ય રૂપ ધરાવતી કે આવડત અને છલોછલ ક્ષમતા ધરાવતી સ્ત્રીઓને સતત અન્યાય થતો રહે છે, તેની પણ ના નહિ.પરંતુ વ્યવહારમાં આ સુંદરતા જ તેમને આડે આવતી હોય તેમ બનવું ખૂબ જ સામાન્ય છે.આ સુંદર સ્ત્રીઓ જાણે- અજાણ્યે પોતાની સુંદરતા જુદી જુદી રીતે વટાવતી હોય છે. જાણી જોઈને એ રીતે કે, પોતે જાણતી હોય છે કે તે સુંદર છે અને તે સુંદરતાનો મર્યાદિત કે અમર્યાદિત જાદુ ફેલાવીને ધાર્યું કરાવી શકે છે.અજાણ્યે એ રીતે કે, તેની સુંદરતામાં સામેવાળી વ્યક્તિ કુદરતી રીતે જ અટવાય અને સામે ચાલીને યથાશક્તિ- યથાસામર્થ્ય જે કંઈ ધરી શકાય તે ધરતી જાય.

પરંતુ આ સુંદર સ્ત્રીઓની વિટંબણા શું છે, ખબર છે ?! તેમની વિટંબણા છે કે તેમની આવડત કે સામર્થ્યને મોટા ભાગની વ્યક્તિઓ ગંભીરતાથી લેતી નથી !!પુરુષો તેમની સુંદરતામાં, તેને પામવાની ઘેલછામાં કે પેંતરાઓમાં અટવાયેલા રહે છે.જ્યારે સ્ત્રીઓ ઇર્ષ્યાવશ કે અસલામતીવશ તેમના ટાંટિયા ખેંચતી રહે છે.અત્યંત બુદ્ધિશાળી અને સંવેદનશીલ ગણાતી મેરેલીન મનરો, મીનાકુમારી, પરવીન બાબી, સુસ્મિતા વગેરે સ્ત્રીઓ અંગત જીવનમાં માત્ર એક સાધન બનીને રહી ગઈ તે આ વાતનું જબરદસ્ત પ્રમાણ નથી ?!!કોઈ સુંદર યુવતીને જ્યારે પણ તેની સુંદરતા માટે કોઈ પણ ‘કોમ્પ્લીમેન્ટ્‌સ’ મળે ત્યારે ન હરખાવા જેવી આ આખી વાત છે.કારણ કે કોઈપણ વ્યક્તિને સ્ત્રીની સુંદરતા મગજમાં બેસી જાય તો પછી તે વ્યક્તિ; જાણ્યે-અજાણ્યે એ સ્ત્રીની બુદ્ધિ, ચતુરાઈ, આવડત કે સામર્થ્ય પરત્વે દુર્લક્ષ સેવવા માંડે છે અને કદાચ આ મુદ્દે તેના વખાણ પણ કરે તો’ય તેની પાછળના ઈરાદાઓ કંઇક જુદા જ હોય તેમ બને ! આમાં’ય જે સ્ત્રીઓ ‘સેક્સી ઇમેજ’ ધરાવે છે તેમની હાલત તો ઓર કફોડી થાય છે કારણ કે એકવાર પુરુષના મનમાં સ્ત્રીની ‘સેક્સી ઇમેજ’ ગોઠવાઈ જાય પછી તેને કેમે’ય કરીને બદલવી અશક્ય થઇ જાય છે.

પરંતુ સાથે સાથે બીજે છેડે સુંદર યુવતીઓનો એક એવો પણ વર્ગ છે કે જેમણે આ આખી વાતથી હરખાવું જોઈએ. આ એ યુવતીઓ છે કે જેમનામાં આવડત, ક્ષમતા કે સામર્થ્ય નથી પણ માત્ર કુદરતે આપેલી સુંદરતા છે.આવી ડબલીઓ કેટલી’ય અગત્યની જગ્યાઓ ‘બ્લોક’ કરીને બેઠી હોય છે અને મેનેજમેન્ટ તેમનું કંઈ ઉખાડી શકતું નથી (અથવા ઉખાડવા માંગતું નથી !!)આ સ્ત્રીઓ ‘મેનોપોઝ’થી મનોમન ડરતી હોય છે કારણ કે એમને અંદરખાને તો ખબર જ હોય છે કે જ્યારે સુંદરતાનો જાદુ ઓસરશે ત્યારે તેમની બધી જ આવડતો ખુલ્લી પડી જશે ! (‘હોર્મોન રીપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ’ – ‘એચ આર ટી’ હૈ ના !’ આવું એમના ગાયનેકોલોજીસ્ટ કહેશે અને ‘મેનોપોઝ’ને પાછો ઠેલવા પ્રયત્ન કરશે પણ ક્યાં સુધી ?!આવા કિસ્સાઓમાં આ પ્રશ્નનો જવાબ ‘એચ આર ટી’ આપનારે નહિ લેનારે આપવાનો શિરસ્તો છે !)

જો તમારી આવડત, ક્ષમતા કે બુદ્ધિને સુંદરતાનું ગ્રહણ ના લાગે તેવું તમે ઇચ્છતા હોવ તો તમારી સુંદરતાને લગતી ટીપ્પણીઓને અવગણો.સામેની વ્યક્તિને એવો અહેસાસ કરાવો કે તમારે મન આવી ‘કોમેન્ટ્‌સ’ કે ‘કોમ્પ્લીમેન્ટ્‌સ્‌’નું કોઈ મહત્ત્વ નથી. હા, તમારા આવા અભિગમને કદાચ લોકો એરોગન્સ કે અભિમાન કહેશે પરંતુ તમારી શક્તિઓની સાચી નોંધ લેવાય તે માટે આ ખુબ જરૂરી છે. યાદ રાખવું ઘટે કે તમે તમારા વ્યક્તિત્વનું જે પાસુ બતાવશો તે લોકો જોશે. તમારા દેખાવને દુનિયાની સામે ધરશો તો જીવનભર તે દેખાવ ટકાવવા હવાતિયા મારવા પડશે, આપણા સેલીબ્રીટીઓની જેમ !

પૂર્ણ વિરામ:શરીર અને દેખાવથી આકર્ષાયેલા પુરુષના મનમાં પોતાની આવડત અને બુદ્ધિ માટે માન ઉપજાવવું એ સ્ત્રીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.

Tari ane mari vaat

Advertisements
 

Tags: , , , , , , , ,

One response to “કોઈપણ વ્યક્તિને સ્ત્રીની સુંદરતા મગજમાં બેસી જાય તો પછી તે વ્યક્તિ; જાણ્યે-અજાણ્યે એ સ્ત્રીની બુદ્ધિ, ચતુરાઈ, આવડત કે સામર્થ્ય પરત્વે દુર્લક્ષ સેવવા માંડે છે!

  1. dr.kaushik dhandhukiya

    July 20, 2014 at 4:59 pm

    superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb sir……u r best……jabardast impress…

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: