RSS

સહજીવનની કથામાં ‘લવ-સ્ટોરી’ અને ‘હેટ-સ્ટોરી’ બંનેના ફકરાઓ અને ક્યારેક તો આખેઆખા પ્રકરણો લખાયેલા હોય છે!

04 Jul

Tari ane mari vaat

ગયા બુધવારની અધુરી વાત આગળ…

સહજીવનની કથામાં ‘લવ-સ્ટોરી’ અને ‘હેટ-સ્ટોરી’ બંનેના ફકરાઓ અને ક્યારેક તો આખેઆખા પ્રકરણો લખાયેલા હોય છે!

                                                                     

એક અંધ પુરુષ અને લંગડી સ્ત્રી વચ્ચે પ્રેમ થઇ ગયો. પુરુષ પોતાના પગે ચાલી ના શકતી સ્ત્રીનો સહારો બનતો અને સ્ત્રી અંધ પુરુષની દ્રષ્ટિ બનતી. એકબીજા પ્રત્યે ભારે સ્નેહ અને મજબૂત આધાર સાથે જુદી જુદી શારીરિક ખોડ ધરાવતા બંને સાથીઓનો સંબંધ આગળ ધપી રહ્યો હતો. એકબીજાની ખોડના પૂરક જેવું આ યુગલ લોકોની નજરમાં એક ઉત્કૃષ્ટ પ્રેમના ઉદાહરણરૂપ હતા. પ્રશ્નો વગર તો સાથે જીવવું અશક્ય જ છે અને આ સનાતન સત્ય તેમના સંબંધને પણ લાગુ પડતું. બધા પ્રશ્નોના મૂળમાં પુરુષને થતું કે પોતાના અંધત્વને કારણે પોતે ઘણું સહન કરવું પડે છે અને સમયે સમયે તે સ્ત્રીની ચાલ-ચલગત ઉપર શંકાશીલ થઇ જતો. બીજી બાજુ સ્ત્રીને એમ થતું કે પોતાના પગ ઉપર ચાલી ના શકવું તેના જેવો બીજો કોઈ શાપ નથી અને તેના પ્રશ્નોના મૂળમાં તેની આ ખોડ ખુબ મોટોભાગ ભજવે છે. ધીમે ધીમે બંને વચ્ચે ઝગડા વધતા ગયા. એકબીજાને સમજતા હોવાના વિશ્વાસે શરુ થયેલા સંબંધમાં એક છૂપો અસંતોષ આકાર લેવા માંડ્યો. પુરુષને થતું કે અંધત્વની પીડા લંગડી કે બીજી કોઈ વ્યક્તિઓ થોડી સમજી શકે?! એના માટે તો પોતાની આંખો ગુમાવવી પડે. સ્ત્રીને થતું કે જેને પગ હોય તેવી અંધ કે અન્ય વ્યક્તિઓને પગ ના હોવાની મર્યાદા શું છે તે કેવી રીતે સમજાય?! છુપા અસંતોષથી ભરેલા એકબીજાના વ્યવહારથી દુખી થઈને બંનેએ છુટા પડી જવાનું નક્કી કર્યું. એક સમયના ઉદાહરણરૂપ પ્રેમીઓને આ રીતે છુટા પડતા જોઈને ઈશ્વરને ખુબ દુખ થયું. એણે નક્કી કર્યું કે એ બંનેને એક એક વરદાન આપશે જેથી પુરુષ આંખ માંગી લેશે અને સ્ત્રી પગ માંગી લેશે. બંને વચ્ચે પ્રેમ તો પુષ્કળ છે જ, માટે બંનેની ખોડ દુર થતા ફરીથી જોડાઈ જશે. ઈશ્વર બંને સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે બંને એક એક વરદાન માંગો. પુરુષે કહ્યું કે પોતાના અંધત્વને ના સમજી શકનાર સ્ત્રીને અંધ બનાવી દે અને સ્ત્રીએ માંગ્યું કે લંગડાની મજબૂરી ના સમજી શકનાર પુરુષને લંગડો બનાવી દે!! બસ તે દિવસથી ઈશ્વરે નક્કી કર્યું છે કે જેને પડવું હોય તે પડે, આપણે પ્રેમીઓના ઝગડામાં ડાહ્યા ના થવું!!

મારી આ કાલ્પનિક કથા તમને ગમે તેટલી હાસ્યાસ્પદ લાગે પણ સાવ સાચું કહું તો પ્રેમના પેટાળમાં પડી રહેલી બદલાની ભાવના સમજાવવાનો મારો આ બૌદ્ધિક પ્રયાસ છે. આપણે અઠવાડિયા પહેલા જ વાત કરી કે તમને કોઈ દુખ આપે તો સામે તેને દુખ આપવાની ઈચ્છા થવી સાહજિક છે. તમને કોઈ છેતરે ત્યારે જે લાગણીઓના દર્દમાંથી તમે પસાર થાવ એવા જ દર્દમાંથી તમને છેતરનારો પસાર થાય તેવું ઇચ્છવું પણ માનવ સહજ સ્વભાવ છે. પણ આપણે અટક્યા હતા બે પ્રશ્ન ઉપર – જેના તરફ પ્રેમ જેવી અદભૂત લાગણીઓ વહેવડાવી હોય તેના પ્રતિ બદલાની લાગણીઓ કેમ હોય છે?! શું આવા સંબંધોમાં બદલો લઇ લેવાથી મનને શાંતિ પ્રાપ્ત થઇ જાય છે?!

લવ-સ્ટોરી અને હેટ-સ્ટોરી એકબીજાની સાથે જ વણાયેલી રહે છે, પ્રસંગો અને એકબીજા પરત્વેના વ્યવહારો પ્રમાણે બંને સ્ક્રિપ્ટમાંથી ફકરાઓ, તો ક્યારેક પ્રકરણો પણ ઉમેરાતા જાય છે અને સહજીવનની કથા બનતી જાય છે. કો’ક યુગલમાં લવ-સ્ટોરીના પ્રકરણ વધુ તો કો’ક યુગલમાં હેટ-સ્ટોરીના, પણ પાસા બંને જીવંત રહેવાના! એક જ સિક્કાની આ બંને બાજુઓ છે, તમે એક બાજુ પસંદ કરો એટલે બીજી બાજુ આપોઆપ પસંદ થઇ જ જાય, તમે ચાહો કે ના ચાહો, તમને ગમે કે ના ગમે! જ્યાં સુધી બધું અનુકુળ છે, અપેક્ષા પ્રમાણેનું છે, મોહથી ઘેરાયેલું છે ત્યાં સુધી બરાબર છે, પ્રેમમાં તરબતર છે. પરંતુ, પરિસ્થિતિઓ બદલાય છે ત્યારે સિક્કો પલટાતા અને તેની વિપરીત બાજુ સામે આવતા વાર નથી લાગતી. આમાં કંઈ નવું નથી. જીવનને બારીકાઈથી સમજી શકે અને ઝીણું વિચારી શકે તેવી દરેક વ્યક્તિઓને ખબર જ છે કે જીવન એકબીજાની વિરોધી લાગતી લાગણીઓ અને અનુભૂતિઓની વચ્ચે જ આગળ વધે છે. સુખની સાથે દુખ છે, આનંદની સાથે ઉચાટ છે, સન્માન સાથે અપમાન છે, પ્રેમ સાથે ઘૃણા છે વગેરે. એકની પસંદગી કરશો તો આપોઆપ બીજું પસંદ થશે જ, અલબત આપોઆપ થયેલી આ બીજી પસંદગીની જાણ ગમે ત્યારે થાય! જીવવાની ઝંખના રાખનાર દરેકે મોડું-વહેલું ક્યારેકને ક્યારેક મૃત્યુને સ્વીકારવું જ રહ્યું કારણ કે જે ક્ષણે જીવન ઝંખ્યું તે જ ક્ષણે મ્રત્યુ પસંદ થઇ જ ગયું. એક એક દિવસ તમે જીવો છો તેની સાથે એક એક દિવસ મરો છો એ પણ તેટલું જ સાચું છે. ફરક એટલો છે કે મૃત્યુ નકારાત્મક છે, ભય ઉત્પન્ન કરે છે એટલે જીવવાની ઈચ્છાને આપણે વધારે પ્રબળતાથી પકડી રાખીએ છીએ. જેટલું જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલું મૃત્યુને સમજવાનો કરીએ છીએ?! આ જ હાલત સુખ-દુખ, માન-અપમાન કે પ્રેમ-ઘૃણા જેવી અનેક લાગણીઓની છે. બીજા અર્થમાં કહીએ તો આ લાગણીઓ એકબીજાથી છુપાયેલી રહેતી સિક્કાની બે બાજુઓ જેવી છે!

સમજાઈ ગયું હોય તો જ સમજાશે કે પ્રેમ સાથે ઘૃણાનું હોવું સહજ છે, બદલાની ભાવના ભારેલા અગ્નિની જેમ પડી રહે તે પણ સહજ છે. પરંતુ પ્રેમ કરવો હશે, માણવો હશે તો તેની નકારાત્મક બાજુ પણ સ્વીકારવી પડશે. જો તમે ઈચ્છતા હોવ કે તમારા સહજીવનની કથામાં લવ-સ્ટોરીના પ્રકરણ વધુ અને હેટ-સ્ટોરીના ફકરાઓ ઓછા ઉમેરાય તો પ્રેમ-સંબંધમાં રહેલી ઘૃણા કે બદલાની(‘ટીટ ફોર ટેટ’ કે ‘પે બેક’ની) ભાવનાને સ્વીકારવી પડશે, તેને સાચા અર્થમાં સમજવી પડશે અને જરૂર પડે ત્યાં પરિપક્વતા દાખવી સહિયારો ઉકેલ શોધવો પડશે. સાથીઓની સમજણ અને તેમના સંબંધની પરિપક્વતા જ એકબીજા પ્રત્યેના પ્રેમને ભરપુર માણવામાં મદદરૂપ થઇ શકે નહીંતર છતે પ્રેમે એકબીજાને ‘હર્ટ’ કરતા કરતા પ્રેમની નકારાત્મક અભિવ્યક્તિઓની વચ્ચે ગાડું ગબડે જાય!

બાકી રહી વાત માનસિક શાંતિની… ‘પે બેક’વૃત્તિ પોષાયા પછી તાત્કાલિક તો નશો કર્યો હોય તેવા આનંદની અનુભૂતિ થતી હોય છે તેવું સંશોધકોએ સાબિત કર્યું છે પરંતુ સમય જતા તે એક દુખદ યાદ બનીને મનમાં સચવાય છે. આ દિશાના સંશોધનોને લઈને અનેક લેખો લખી શકાય એમ છે પરંતુ મારી સાદી સમજ આજના પૂર્ણવિરામ રૂપે…

પૂર્ણવિરામ:

તમે એકવાર પણ દિલથી ચાહ્યા હોય એવા વ્યક્તિઓ સાથેનો તમારો દુર્વ્યવહાર તમને પોતાને જ મનોમન ખટકતો રહે છે અને ક્યાંકને ક્યાંક, ક્યારેકને ક્યારેક પીડતો રહે છે !!

Advertisements
 

Tags: , , , , , , , , ,

3 responses to “સહજીવનની કથામાં ‘લવ-સ્ટોરી’ અને ‘હેટ-સ્ટોરી’ બંનેના ફકરાઓ અને ક્યારેક તો આખેઆખા પ્રકરણો લખાયેલા હોય છે!

 1. Nilesh bhatt

  July 5, 2014 at 9:32 am

  Thanks for this “Vichar”

   
 2. durriyah

  July 5, 2014 at 10:50 am

  wah khubj saral artical che sir..hats off

   
 3. deepak

  January 8, 2016 at 3:41 pm

  mari j vat kari nakhi….

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: