ગઈકાલે ગુજરાત સમાચારમાં મારી કોલમ ‘તારી અને મારી વાત’માં પ્રકાશિત થયેલો લેખ વાચક મિત્રોના આગ્રહે…
બીજો ભાગ આવતા બુધવારે…
કોઈપણ અંતરંગ સંબંધોનું એક વરવું સત્ય એ છે કે તેમાં બદલાની, ‘ટીટ ફોર ટેટ’ કે ‘પે બેક’ની ભાવના ઊંડે ઊંડે પણ દબાયેલી તો હોય છે જ!
હું એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડીકલ કોલેજમાં ભણતો. અમારી કોલેજની પાછળથી ટાગોર હોલ જવાના રસ્તા ઉપર વાઘરીઓના ઘણા બધા ઝુંપડાઓ હતા. મૂળે જાળ નાખીને પંખીઓ પકડતી, શાકભાજી-દાતણ વેચતી આ જાત તેમના ઝગડાઓ અને ગાળાગાળી માટે કુખ્યાત હતી. અમે ઘેર જતા હોઈએ ત્યારે જો આ વસ્તીમાં ઝગડો ચાલતો હોય તો જોવા(સાંભળવા!!) અચૂક ઉભા રહીએ. એમની ભાષા, એમાં આવતી ગાળો અને એકબીજાને એ પરખાવવાની સ્ટાઈલ મને કોઈપણ ડાયલોગ ડીલીવરી કરતા અદભૂત લાગતી. છેલ્લા કેટલા’ય વર્ષોથી તેમની આ મોનોપોલી સ્ટાઈલ ફિલ્મોવાળાઓએ અને નાની-નાની વાતોમાં બાંયો ચઢાવી લેતા લોકોએ તોડી નાખી છે. ઝગડવું, ગાળાગાળી કરવી અને એ બધું પાછું જસ્ટિફાય કરવું એ હવે એટીટ્યુડનો એક ભાગ ગણાય છે, બોલો!! એમાં’ય આજકાલ સેલીબ્રીટીઓ નવું શીખી છે, પોતાના ઝગડાને જાહેરમાં લઇ જવાનો અને સોશીઅલ નેટવર્ક ઉપર જસ્ટિફીકેશન આપવાનું.
તાજો દાખલો પ્રીટી ઝીંટાનો છે, પાંચ વર્ષ સુધી જે વ્યક્તિ સાથે ખુલ્લેઆમ પ્રેમસંબંધો રહ્યા હોય (યાદ છે ને ઐશ્વર્યા-અભિષેકની સગાઈમાં મીડિયા સામે હાથમાં હાથ નાખીને આવેલા!) અને ૨૦૧૨માં ‘જેની સાથે પાંચ વર્ષ ડેટિંગ કર્યું હોય એ તમારો દુશ્મન નથી બની જતો. અમે મિત્રો રહીશું જ અને એકબીજાને જરૂરના સમયે સાથે જ ઉભા રહીશું’ એવો ઈન્ટરવ્યું આપ્યો હોય તે વ્યક્તિ સામે જાતીય સતામણીનો કેસ કરીને જાહેરમાં તેણે લૂગડાં ધોવાની શરૂવાત કરી. પોલીસ ફરિયાદ પ્રમાણે નેસ વાડિયા ગાળો બોલ્યા (ઓફ કોર્સ અંગ્રેજીમાં પણ અર્થ પેલા ‘ઓરીજીનલ ટ્રેડ-માર્ક’વાળો!!) અને અભદ્ર વર્તન કર્યું. આ વાંચતા હશો ત્યાં સુધીમાં તો ખબર નહીં આ ઝગડો કેટલે પહોંચ્યો હશે?! પરંતુ એક વાત મનોવૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે કે આ પ્રકારના ઝગડાઓને જાહેરમાં લઇ જવા કે કાયદાની ચુંગાલમાં નાખવા પાછળનો હેતુ સ્વમાનની રક્ષા, ન્યાય મેળવવાની ઈચ્છા, સન્માનની અપેક્ષા વગેરેના નામ હેઠળ રહેલી બદલાની ભાવનાનો છે! મોટાભાગના કિસ્સાઓમાં સંબંધોમાં બદલો લેવાની વૃત્તિ પાછળ સામેવાળી વ્યક્તિને દુખ આપવાનો, તેના લાગણીઓ દુભાવનારા વર્તનની શિક્ષા આપવાનો, સંબંધમાં પોતાનું આધિપત્ય જમાવવાનો કે સાબિત કરવાનો ઉદ્દેશ છુપાયેલો રહેતો હોય છે.
કોઈપણ અંતરંગ સંબંધોનું એક વરવું સત્ય એ છે કે તેમાં બદલાની(‘ટીટ ફોર ટેટ’ કે ‘પે બેક’ની) ભાવના ઊંડે ઊંડે પણ દબાયેલી તો હોય છે જ. જ્યાં સુધી પ્રેમ છે અને એકબીજાનું સન્માન-ઈચ્છા-અપેક્ષાઓ જળવાય છે ત્યાં સુધી એ સપાટી ઉપર નથી આવતી. પરંતુ અપમાન, અવગણના, અસ્વીકાર(રીજેકશન), લાગણીઓનું દર્દ(હર્ટ) વગેરેનો અનુભવ કરાવનારા વ્યવહારો કે ઘટનાઓ ગમે તેવા રળિયામણા સંબંધના પેટાળમાં રહેલા આ બદલા(રિવેન્જ)ના લાવાને ફાટવા મજબુર કરે છે અને વ્યક્તિઓ આગ ઓકવા માંડે ! આપણે જેને સ્ટડી-કેસ ગણીને ચર્ચા કરી રહ્યા છીએ તેની સાથે સંકળાયેલી કેટલીક ઉપરછલ્લી વાતોનું ઉદાહરણ લઈએ તો પણ સમજી શકાશે. આમ તો આ ઝગડાના મૂળ ઘણા ઊંડા હશે અને ઘણા સમયથી દબાઈને પડેલી લાગણીઓમાં હશે પણ જે એક-બે વાતો મીડિયામાં ફરે છે તે પ્રમાણે ઝગડો આઈપીએલની ફાઈનલ સમયે તેમના પેવેલિયન બોક્સમાં થયો હતો. પ્રીટી ઝીંટાના મિત્રોએ લઇ લીધેલી રિઝર્વ્ડ સીટ્સના કારણે નેસ વાડિયાની માતાને થોડો સમય ઉભા રહેવું પડ્યું અને તેમાંથી ગાળાગાળી થઇ ગઈ! માતાની અવગણના થઇ અને પોતાનું અપમાન થયું એ ભાવે કદાચ ગુસ્સો ફાટ્યો હશે. માતાની અવગણના અને અપમાન પાછળ કદાચ તેણે ભૂતકાળમાં પ્રીટી માટે કરેલી કોમેન્ટ ‘એ ઝીંટા હોય કે ઝીબ્રા, મને કોઈ ફરક નથી પડતો’ કે પછી એના જેવી કદાચ બીજી ઘણી બધી વર્તણુક જવાબદાર હોય એમ પણ બને. આ ઉપરાંત કહેવાય છે કે નેસ વાડિયા આ સંબંધથી આગળ વધીને (મુવ ઓન થઈને) બીજા સંબંધમાં જોડાઈ ગયા છે, આ સંજોગોમાં અસ્વીકારની ભાવનાથી બદલો લેવાની વૃત્તિ ભડકી હોય તેમ પણ બને. બદલો લેવાના ભાવથી કે બતાવી દેવાના ભાવથી નેસે ઉચ્ચારેલી પોતાનો પાવર બતાવતી ધમકીઓના જવાબમાં પ્રીટી એ પાવર બતાવ્યો હોય તેમ પણ બને! ફરી કહું છું મૂળ ઘણા ઊંડા હશે, માત્ર કહેવું એટલું છે કે સંબંધમાં બદલાની ભાવનાઓ ભડકવા પાછળ એકબીજા સાથે જોડાયેલા ચોક્કસ મનોવૈજ્ઞાનિક પરિબળો જરૂર હોય છે.
બદલો લેવા માટે લોકો ખુલ્લેઆમ ઝગડો જ કરે એવું નથી, લોકો છૂપી રીતે પણ આ માટે પ્રવૃત રહેતા હોય છે. આ માટે તે જુદી જુદી રીત અપનાવતા જોવા મળે છે. બોલવાનું બંધ કરી દેવું, ફોન-મેસેજ-મેઈલ્સના જવાબો ના આપવા, અપમાન કરવું, અવગણના કરવી, એકલા પાડવા, જાહેરમાં બદનામી કરવી, સોશિયલ નેટવર્ક ઉપર વ્યક્તિને ઉતારી પાડતી હરકતો કરવી, વ્યક્તિને ખોટી જગ્યાએ ફસાવી દેવી, માનસિક-શારીરિક અત્યાચાર કરવા વગેરે અનેકવિધ વર્તનો પાછળ બદલાની ભાવનાઓ દબાયેલી હોય તે શક્ય છે.
તમને કોઈ દુખ આપે તો સામે તેને દુખ આપવાની ઈચ્છા થવી સાહજિક છે. તમને કોઈ છેતરે ત્યારે જે લાગણીઓના દર્દમાંથી તમે પસાર થાવ એવા જ દર્દમાંથી તમને છેતરનારો પસાર થાય તેવું ઇચ્છવું પણ માનવ સહજ સ્વભાવ છે. અરે માત્ર માનવ સહજ શું કામ આપણે તો એમ પણ દ્રઢપણે માનીએ છીએ કે ઈશ્વર પણ આપણા ખરાબ કામોનો ખરાબ બદલો આપે છે! બે મહત્વના પ્રશ્નો આ તબક્કે થાય એવા છે, એક- જેના તરફ પ્રેમ જેવી અદભૂત લાગણીઓ વહેવડાવી હોય તેના પ્રતિ બદલાની લાગણીઓ કેમ હોય છે?! અને બીજો- શું બદલો લઇ લેવાથી મનને શાંતિ પ્રાપ્ત થઇ જાય છે?! જે તે પ્રકરણ પૂરું થઇ જાય છે?!! જવાબ આપીશ આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ…
પૂર્ણવિરામ:
સંબંધોમાં સુખ મેળવવાનો સોનેરી મંત્ર… ગળ્યું ગળ્યું ‘ગપ્પ’, કડવું કડવું ‘થું’
ના સમજ્યા?!! મઝાનું બધું ‘ગપ્પ’ દઈને ગળે ઉતારી જવાનું અને દુખદ બધું ‘થું’ કરીને બહાર ફેંકી દેવાનું!!
If you like to read this blog posts…. Please follow the blog so that you can get email notification of new posts.