લંગડાતા વ્યક્તિની ખોડ સ્વીકારીને એની પાસે આપણે ઝડપી દોડની અપેક્ષા નથી રાખતા તેમ નડતા સ્વભાવને મનની ખોડ ગણીને દુઃખી નહીં થવાનું આપણા મનને સમજાવી શકીએ?!

Cover

‘જો જે આપણે જેવા સોસાયટીની બહાર નીકળીશું કે તરત એક કુતરું આપણી કાર પાછળ દોડશે’ બુધાલાલે ગાડી ચાલુ કરતાં એના મિત્રને કહ્યું. મિત્રના મગજમાં હજી વાત બેસે એ પહેલા ગાડી સોસાયટીની બહાર નીકળી અને કુતરું ભસતું ભસતું પાછળ દોડવા માંડ્યું. બુધાલાલ હસતા હસતા બોલ્યા ‘જોયું મેં કહ્યું’તું ને? બે વર્ષથી આ ક્રમ ચાલે છે’

‘અલ્યા તને આ કુતરા ઉપર ગુસ્સો નથી આવતો કે આટલો લાંબો ગાળો થયો તો પણ એને ખબર નથી કે તું આ સોસાયટીનો જ છું અને હજી તારી ગાડી પાછળ દોડે છે?!’ મિત્રએ કુતુહલતાથી પૂછ્યું.

‘ના રે એને તો ટેવ છે, કાયમ મારી ગાડી પાછળ દોડે છે’ બુધાલાલના ચહેરા પર સ્મિત ફરક્યું, ‘પછી એ પાછળ દોડે એમાં શું કામ ગુસ્સો આવે?! હા, એકવાર તો એવું બન્યું કે એ મારી ગાડી પાછળ ના દોડ્યું ત્યારે મને જબરું આશ્ચર્ય થયું’તું. ખરેખર એ દિવસે તો મેં ઉતરીને પણ જોયું’તું કે એના પગમાં કંઈ વાગ્યું તો નથી ને?!’

*****

બુધાલાલના આ નાનકડા પ્રસંગમાંથી જીવનનું એક મસમોટું સત્ય તારવી શકાય એમ છે. ઘણી વ્યક્તિઓના સ્વભાવ આપણને નડતા હોય છે, આપણે એ સ્વભાવ પ્રત્યે ફરિયાદો કરતા રહીએ છીએ અને સરવાળે દુખી થતા રહીએ છીએ. ચાલો એક ઉદાહરણ આપું. એક બેન મને ફરિયાદ કરતા હતા ‘સાહેબ તમે મને ગમે તેટલા સીટીંગ આપશો પણ મારા મનમાં શાંતિ સ્થપાવાની જ નથી કારણ કે મારા ગુસ્સાનું કારણ મારા સાસુનો સ્વભાવ છે. મારા દરેક કામમાં એમને ખોડ કાઢવા જોઈએ અને પાછા જુઠ્ઠા તો એટલાં કે નાની નાની વાતમાં’ય ફરી જાય. મને કોઈ ખોટી રીતે ટક ટક કરે એ સહન જ ના થાય અને એમાં’ય એ જુઠ્ઠું બોલેને ત્યારે તો મારો પિત્તો જાય જ. તમે જ કહો રોજે રોજના આવા લોહી ઉકાળા હોય ત્યાં શાંતિ કેવી રીતે મળે?!’ હવે વિચારો કે એક બાજુ બેન કહે છે કે આ એમનો સ્વભાવ જ છે, જુઠ્ઠું બોલવાની એમને ટેવ છે અને બીજી બાજુ જયારે જયારે એ એમના સ્વભાવ કે ટેવ પ્રમાણે વર્તે છે ત્યારે ત્યારે તેમને ગુસ્સો આવે છે! જો કોઈ વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો આપણને ગુસ્સો કેમ આવે?! જો આપણે જાણતા જ હોઈએ કે એ એનો સ્વભાવ છે તો પછી એનાથી અશાંતિ કેમ અનુભવીએ?! બેન માનસિક રીતે તૈયાર કેમ ના થઇ શકે કે હમણાં સાસુ આવશે અને ખોડ કાઢશે અથવા કંઇક કહેશે અને પછી ફરી જશે. જો આ સ્વીકૃતિ જ હોય તો પછી અશાંતિ કેવી?! અશાંતિ કે ચટપટી તો ત્યારે થવી જોઈએ જયારે એ પોતાના સ્વભાવ મુજબ ખોડ ના કાઢે જેવી રીતે બુધાલાલ ગાડીમાંથી ઉતરીને જોવા ગયા કે એ કુતરાને પગે વાગ્યું તો નથીને?!

તો શું એનો અર્થ એમ કે કોઈપણ વ્યક્તિ મનફાવે તેમ વર્તન કરે અને આપણે એનો સ્વભાવ ગણીને સ્વીકારે જવાનું?! સવાલ સ્વીકારવાનો નથી પરંતુ સ્વભાવગત થતા વર્તનને કારણે વારંવાર દુઃખી નહીં થવાનો કે અશાંત નહીં રહેવાનો છે. ખરેખર તો તમે જેટલી અકળામણ વધુ અનુભવો છો એટલું લોકો ચડસના માર્યા એવું વર્તન વધારે કરે છે. જેમ પગે લંગડાતા વ્યક્તિની ખોડ સ્વીકારીને એની પાસે આપણે ઝડપી દોડની અપેક્ષા નથી રાખતા તેમ નડતા સ્વભાવને મનની ખોડ ગણીને દુઃખી નહીં થવાનું તો આપણા મનને સમજાવી શકીએને?! પરંતુ, આપણે દુઃખી પણ થઈએ છીએ અને અશાંત પણ રહીએ છીએ કારણ કે મનોમન આપણે દરેક પાસે આપણી અપેક્ષા મુજબનું જ વર્તન ઈચ્છીએ છીએ અથવા એમને આપણી ઈચ્છા પ્રમાણે બદલવા માંગીએ છીએ. બીજા શબ્દોમાં કહું તો, કોઈના સ્વભાવગત વ્યવહારને આપણે મનની ખોડ  ગણીને સ્વીકારી શકતા નથી કારણ કે આપણે તેમાં આપણી ઈચ્છા અનુસાર બદલાવ લાવવા માંગતા હોઈએ છીએ. જાણીએ છીએ કે આપણે સુધારી નહીં શકીએ એટલે શારીરિક ખોડ આસાનીથી સ્વીકારી લઈએ છીએ પરંતુ કોઈપણ વ્યક્તિને આપણા ડહાપણ અને સલાહથી સુધારી શકવાનો આત્મવિશ્વાસ અને અહમ તો સૌ કોઈને હોય છે એટલે સ્વભાવની ખોડ સ્વીકારવાને બદલે સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.

તો શું આવી વ્યક્તિઓને જીવનભર સહન કરવાની?! ના, જો તેમની સાથે વ્યવહાર અનિવાર્ય ના હોય તો પ્રેમથી તે આપણને અનુકુળ નથી(not of my type) અથવા આપણે તેને અનુકુળ નથી તેવું સ્વીકારીને દુર રહેવું. આ ‘દુર રહેવું’ એટલે પાછલા બારણે તેના વિષે ટીપ્પણીઓ કે ટીકાઓ કરતા ફરવું એમ નહીં તે સમજવું પણ એટલું જ અગત્યનું છે. જો તેમની સાથે વ્યવહારમાં રહેવું પડે એમ જ હોય તો તેમની ખોડ સ્વીકારીને વ્યવહાર જાળવવાનો કારણ કે અસ્વીકૃતિનું બીજું નામ ‘સહન કરવું’ છે! ‘અમદાવાદમાં મે મહિનામાં ગરમીનો પારો પિસ્તાલીસ ડીગ્રીએ પહોંચી શકે’ તેવું મનને સ્વીકાર્ય હોય તો ગરમી સહન ના કરવી પડે કે તેના વિષે ફરિયાદો ના કરવી પડે, ખાલી બહુ ગરમી પડે છે તેવી અભિવ્યક્તિ પુરતી થઇ પડે.

છેલ્લી પણ અગત્યની વાત, જો તમને કોઈ કહે કે તમારા સ્વભાવની આ બાબત એમને નડે છે તો તાત્કાલીક બાંયો ચઢાવીને એમના સ્વભાવની પાંચ નડતી બાબતો કાઢીને બાથમબાથી પર આવી જવાને બદલે શાંતિપૂર્વક વિચારો. તમારી નડતી બાબતો તમારા મતે નડતી ના પણ કહી શકાય પરંતુ તમે જો ઘર્ષણ-રહિત રહેવા માંગતા હોવ કે તમારી માનસિક શાંતિ ડહોળવા ના માંગતા હોવ તો એમની સાથેના વ્યવહારમાંથી દુર કરો. તમારું સંતાન એમ કહે કે તમે આખો દિવસ ‘હું આમ કરતો’તો તેમ કરતો’તો’ તેવી સલાહો આપો છો તે મને નથી ગમતું તો તાત્કાલિક એવી સલાહો આપવાનું બંધ કરી દેવાનું કારણ કે સલાહો આપવા કરતા તમારા સંતાન સાથે તમારા સંબંધ સુમેળભર્યા રહે તે વધારે અગત્યનું છે! સાવ સાદી સમજ છે ને?! પણ એને જીવનમાં આસાનીથી ઉતારવા માટે તમારામાં એ સ્તરનું ડહાપણ હોવું જરૂરી છે.

ડૉ.હંસલ ભચેચ

6 Comments Add yours

 1. બહુ જ સાદી વાત છે સર પણ બધાને નથી સમજાતી એટલે તો લોકો સાવ નાખી દેવાની વાતો પર દુ:ખી થાય છે….

 2. Reblogged this on Revolution and commented:
  Must Read…….

 3. Gujaratis are most practical people in India. They believe in simple policy “Adjust with people and get your work done”. I like it.

 4. rita v. says:

  thanx sir, maro bahu moto problem a vanchi ne solve thai gayo.

 5. Nilesh bhatt says:

  Thanks for this “Vichar”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s