RSS

આપણી આજુબાજુ ઘણી વ્યક્તિઓની ‘ન્યુસન્સ વેલ્યુ’ હોય છે, જેના થકી તે ઉપદ્રવ મચાવતા જ રહે અને આપણે માનસિક રીતે અશાંત રહીએ છીએ !

10 Jan

આ બુધવારે ગુજરાત સમાચારમાં મારી ‘માનસ’ કોલમમાં પ્રકાશિત થયેલો લેખ, ઘણાં વાચકોએ અહીં પોસ્ટ કરવા વિનતી કરી’તી તો મિત્રો આપની ઈચ્છાને સપ્રેમ…..

આપણી આજુબાજુ ઘણી વ્યક્તિઓની ‘ન્યુસન્સ વેલ્યુ’  હોય છે, જેના થકી તે ઉપદ્રવ મચાવતા જ રહે અને આપણે માનસિક રીતે અશાંત રહીએ છીએ !

બુધાલાલ એમના મિત્રની સાથે જઈ રહ્યા’તા. ટ્રાફિક સિગ્નલ ઉપર કાર રોકાતા જ એક ચીતરી ચઢે એવા ભિખારીએ કાચ ઉપર ટકોરા મારીને ભીખ માંગી. બુધાલાલે તરત જ કાચ ઉતારીને ભિખારીને રૂપિયાનો સિક્કો પકડાવી દીધો અને ભિખારી ચાલતો થયો. બુધાલાલ પાછા આરામથી રેડીયો પર વાગતું ગીત ગણગણવા માંડ્યા.

‘યાર તું બહુ દિલદાર છે, હું તો આવા ભિખારીઓને એક પૈસો ના આપું. થોડીવાર ટક ટક કરીને ચાલવા માંડે’ મિત્રએ બુધાલાલની સામે જોતા કહ્યું.

બુધાલાલ થોડા ટટ્ટાર થતા બોલ્યા ‘દોસ્ત દિલદારી ગઈ તેલ લેવા, મારું ચાલેને તો આ લોકોને શહેરની તડીપાર કરી દઉં’

‘તો પછી તે ફટ દઈને રૂપિયો શેનો પકડાવી દીધો?!’

‘રૂપિયો તો મેં મારા મનની શાંતિ માટે આપ્યો છે. મેં કશું ના આપ્યું હોત તો ત્યાં સુધી એ મારા માથે ટક ટક કરત અને ચિત્ર-વિચિત્ર મોઢા બનાવત. મને આ બધી બાબતોથી અકળામણ થતી હોય છે અને મારો મૂડ બગડે એ પહેલા રૂપિયો આપીને મેં એનાથી છુટકારો મેળવ્યો’ બુધાલાલ પાછા આરામથી રેડીયો પર વાગતું ગીત ગણગણવા માંડ્યા.

*****

વાત સાચી છે, મોટાભાગના લોકો ભીખ મદદ કરવાના આશયથી નહીં પણ છુટકારો મેળવવાના હેતુથી આપતા હોય છે. આ વાત ભીખારીઓ પણ જાણે છે અને માટે જ તે તમને એમની હરકતો, વાક્યો, બોલવાના ઢંગ, દેખાવ વગેરે થકી શક્ય તેટલા વધારે અકળાવે જેથી એમને ભીખ મળવાની શક્યતા વધી જાય. મઝાની વાત એ છે કે દરેક ભિખારીની એક ‘ન્યુસન્સ વેલ્યુ’ હોય છે જેના આધારે તેમને ભીખ મળે છે પરંતુ આ વેલ્યુ તેમના ઉપદ્રવ ઉપર નહીં પણ તમારી અકળામણ પર આધારિત હોય છે!

હવે શાંતિથી વિચારો તો તમને થશે કે આમાં કંઈ નવું નથી, આપણા જીવનમાં અને આપણી આજુબાજુ પણ આવા કેટલાય વ્યક્તિઓ છે કે જેમની આવી ‘ન્યુસન્સ વેલ્યુ’ છે. જેમ ટ્રાફિક સિગ્નલ પર ફરજીયાત ઉભા રહેવું પડે અને ભિખારીઓનો સામનો કરવો જ પડે તેમ જીવનમાં આવી વ્યક્તિઓનો પણ તમારે વિવિધ કારણોસર સામનો કરવો પડે છે. આ વ્યક્તિઓની વાણી, વર્તન કે વ્યવહાર જ એવા હોય છે કે જે તમારા જીવનમાં વિચારો અને લાગણીઓ થકી ઉપદ્રવ મચાવતા જ રહે, તમે માનસિક રીતે અશાંત રહો ! જો આ વ્યક્તિઓ એક ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભેલા ભિખારીની જેમ ક્ષણિક ઉપદ્રવ મચાવતા હોત’તો ‘રૂપિયો’ આપીને છુટકારો પણ મેળવી શકાત પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ વ્યક્તિઓ કો’કની કો’ક રીતે આપણી સાથે જોડાયેલા હોય ત્યારે આટલો આસાનીથી છુટકારો મેળવવો શક્ય નથી હોતો. પરિણામે, આપણે સહન કરીએ તો પણ અને અવગણીએ તો પણ માનસિક અશાંતિ તો અનુભવવી પડે! આવી વ્યક્તિઓ તમને અંદરખાને ઉદ્વેગમાં રાખે છે, તમે તણાવમાં રહો છો અને તમારું સ્વાસ્થ્ય જોખમાય છે. અસંખ્ય વ્યક્તિઓની લાગણીઓની સમસ્યાઓ, માનસિક બીમારીઓ(એન્ગઝાઈટી, ડીપ્રેશન, ફોબિયા, માથાનો દુખાવો વગેરે) કે મનો-શારીરિક બીમારીઓ(હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબીટીશ વગેરે માનસિક તણાવ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલી બીમારીઓ) પાછળ આવા ઉપદ્રવો સીધી કે આડકતરી રીતે સંકળાયેલા રહે છે. અલબત્ત, બીમારીઓ પાછળ એકસાથે સંકળાયેલી ઘણી બાબતો જવાબદાર હોય છે પરંતુ માનસિક ઉચાટ કે અશાંતિ કોઈપણ બીમારી વકરવામાં, સારવારને યોગ્ય પ્રતિભાવ ના આપવામાં કે લંબાવામાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે તે બ્રહ્મસત્ય છે.

તો શું કરવાનું, આવા ‘ન્યુસન્સ વેલ્યુ’વાળી વ્યક્તિઓને સહન કરવાના કે અવગણવાના?! આ વાતનો જવાબ પછી, પહેલા તો આત્મ-ચિંતન કરો કે તમે તો આવા નથી ને?! તમે તો કોઈ’ના જીવનમાં આવો ઉપદ્રવ નથી કરતા ને?! બહુ તટસ્થતા માંગી લે તેવી આ વાત છે, જો તમે આવા હોવ અને તે યોગ્ય છે એવું ઠસાવવા માટે તમારી પાસે એકસો એક કારણ હોય તો પણ તમારે ઉપદ્રવ મચાવતા વાણી, વર્તન કે વ્યવહારમાં પરિવર્તન લાવવું પડશે કારણ કે કોઈના’ય મનમાં કે જીવનમાં અશાંતિ ફેલાવીને તમે શાંતિ ના અનુભવી શકો એ પણ એવું જ બ્રહ્મસત્ય છે. ભૂતકાળમાં તમારાથી જાણતા-અજાણતા થયેલા કોઈપણ ઉપદ્રવો વિષે શાંતિથી આંખો બંધ કરી, ધ્યાન લગાવીને વિચારજો – મારી વાત સમજાઈ જશે.

જો તમારા જીવનમાં આવા ઉપદ્રવીઓ આવી જાય તો શું કરવાનું?! દુર રહી શકો તો એમની માનસિક રુગ્ણતા સ્વીકારીને તેમની સાથેના વ્યવહારોમાં અને તેમના વિચારોમાં શક્ય તેટલા, શક્ય ત્યારે દુર રહેવું. દુર રહી શકાય તેવું ના હોય (રોજનો પનારો પડ્યો હોય!) ત્યાં તમારી લાગણીઓને કાબુમાં રાખો. લાગણીઓથી તેમની જોડે તટસ્થ રહો તેમનો ઉપદ્રવ માત્ર બુદ્ધિથી મૂલવો. યાદ રાખો તેમની અશાંતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા તેમના ઉપદ્રવ ઉપર નહીં પણ તમારી અકળામણ-અશાંતિ ઉપર આધારિત છે. જેટલા તમે વધુ વિચલિત થાવ, આક્રોશ અનુભવો કે પ્રતિક્રિયા આપો તેટલી તેમની ‘ન્યુસન્સ વેલ્યુ’ વધે છે! (દિગ્વિજયસિંહ જેવા અનેકની ‘ન્યુસન્સ વેલ્યુ’ને મોદીએ પ્રતિક્રિયાઓ ના આપીને તો ઓછી કરી દીધી છે!). આવી વ્યક્તિઓના કોઈપણ ઉપદ્રવી વ્યવહાર સામે પ્રતિક્રિયા આપવા કરતા પ્રતિભાવ આપો. તેમની સાથે બદલાની ભાવના રાખવા કરતા તમારી માનસિક શાંતિ ધ્યાનમાં રાખવાનો શક્ય તેટલો વધુ પ્રયત્ન કરો. ખબર છે કે આ લખું છું એટલું સરળ નથી પરંતુ આટલી સમજદારી પણ મનમાં હશે તો ક્યારેક વ્યવહારમાં પણ આવી જશે.

Best sellers from Dr.Hansal Bhachech

Cover

Advertisements
 

Tags: , , , , ,

4 responses to “આપણી આજુબાજુ ઘણી વ્યક્તિઓની ‘ન્યુસન્સ વેલ્યુ’ હોય છે, જેના થકી તે ઉપદ્રવ મચાવતા જ રહે અને આપણે માનસિક રીતે અશાંત રહીએ છીએ !

 1. yatin

  January 10, 2014 at 4:32 pm

  Good evening sir..
  I like too much t read yr all books and articles. They r very simple to understand and easy to digest by word to word..
  Superb sir… hats off to you sir.

   
 2. Rekha Joshi

  January 10, 2014 at 8:14 pm

  બિલકુલ સાચી વાત। .

   
 3. Brijesh B. Mehta

  January 10, 2014 at 9:52 pm

  Reblogged this on Revolution.

   
 4. Dr Krushnakant Oza

  January 10, 2014 at 10:40 pm

  very true, …keep this things in mind ,…this post is useful in daily life
  કોઈના’ય મનમાં કે જીવનમાં અશાંતિ ફેલાવીને તમે શાંતિ ના અનુભવી શકો એ બ્રહ્મસત્ય છે.

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: