RSS

પુરુષને પોતાની વ્યથાઓ વ્યક્ત કરવામાં મર્દાનગી સામે પ્રશ્નાર્થ ઊભો થવાનો ડર સતાવે છે

01 Feb

‘પુરુષોને જલસા છે’ સ્વભાવિક છે કે પુરુષલક્ષી સમાજમાં કોઇને’ય આ વાક્યમાં કંઇ ખાસ નવું નહીં લાગે પરંતુ, સાવ સાચી વાત તો એ છે કે આ આપણો સામાજિક ભ્રમ છે. સ્ત્રીઓને જેટલા પ્રશ્નો છે – મુશ્કેલીઓ છે એટલા જ પ્રશ્નો પુરુષોને પણ છે. ફરક માત્ર એટલો છે કે સ્ત્રીઓ પ્રશ્નોને સ્વીકારીને વાચા આપે છે, જ્યારે પુરુષોને પ્રશ્નો સ્વીકારવામાં અને અન્ય કોઇની સામે રજુ કરવામાં પૌરૂષત્વ આડે આવે છે. એમાં’ય ખાસ કરીને લાગણીઓના પ્રશ્નો અને સંબંધોની સમસ્યાઓમાં !! સ્ત્રીઓને પોતાના પ્રશ્નોની રજુઆત કરવાનું અને અન્યના પ્રશ્નોને સહાનુભૂતિપૂર્વક સાંભળવાનું કુદરતી વરદાન છે, જ્યારે પુરુષો પોતાના પ્રશ્નોને લઇને અંદરો અંદર મુંઝાયા કરતા હોય છે. લાગણીઓની વ્યથાઓ વર્ણવવી કે તેના સંબંધી ઉકેલ માટે અન્ય કોઇની મદદ લેવી તે પુરુષ માનસ સહજ રીતે સ્વીકારી શકવા અસમર્થ છે. ક્યારેક મુંઝારો ગળા સુધી આવી જાય ત્યારે તો તેની રજુઆત કરવી પડે પણ તે બાબત તેના પુરુષ-સહજ અહમને ઊંડી ઠેસ પહોંચાડનારી છે.

વિજાતીય સંબંધોના પ્રશ્નો પુરુષોને સૌથી વઘુ ગુંગળાવે છે. પુરુષ સ્ત્રીને હેરાન કરતો હોય કે પુરુષ સ્ત્રીને છેતરી જાય તો સ્ત્રી માટે પોતાના લાગતા વળગતાને તેની ફરિયાદ કરવી સહજ છે. પરંતુ, સ્ત્રી પુરુષને હેરાન કરતી હોય કે સ્ત્રી પુરુષને છેતરી જાય તો મોટાભાગના પુરુષો તો ચુમાઈને બેસી જ રહેતા હોય છે. પતિ મારતો હોય કે અન્ય સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધો ધરાવતો હોય તો તેની રજુઆત પત્ની અન્ય સમક્ષ આસાનીથી કરી શકે છે, પરંતુ પત્ની મારતી હોય (એક સર્વેક્ષણ પ્રમાણે પતિ-પત્ની વચ્ચે થતી મારામારીમાં વીસ ટકા કિસ્સાઓમાં પત્નીઓ પતિને ઝુડતી હોય છે) કે અન્ય પુરુષ સાથે લગ્નેતર સંબંધ ધરાવતી હોય તો પુરુષ એટલી સહજતાથી કોઇને’ય કહી શકે ?! પુરુષો માટે એવી કેટલીય કહી ના શકાય અને સહી ના શકાય એવી બાબતો છે કે જેમાં તેની મુંઝવણનો પાર નથી રહેતો.

સામાન્ય રીતે આપણે ત્યાં ‘કહી ના શકાય અને સહી પણ ના શકાય’ તેવું વિશેષણ પુરુષોની જાતિય સમસ્યાઓને આપવામાં આવતું હોય છે, પરંતુ એક મનોચિકિત્સક તરીકે મારો વર્ષોનો અનુભવ કહે છે કે પોતાની જાતિય સમસ્યાઓની રજુઆત પુરુષો કમ સે કમ મનોચિકિત્સકો સામે તો કરી જ શકે છે પરંતુ લાગણીઓના કે સંબંધોના પ્રશ્નોની રજુઆત કરતાં તો તે અચકાય જ છે. પુરુષો માટે આ પ્રશ્નો સાચા અર્થમાં કહી ના શકાય અને સહી ના શકાય તેવા પ્રશ્નો છે.

વિજાતીય સંબંધની શરૂઆત તો હંમેશા એક અવર્ણનીય ઉત્તેજનાથી જ થાય છે. જેમાં બઘુ જ રંગીન લાગે છે, બંને વ્યકિતઓ પોતાના ઉત્તમોત્તમ વ્યકિતત્વ અને વ્યવહારની અભિવ્યકિતઓ એકબીજા પર ઠાલવતાં હોય છે. પરંતુ, જેમ જેમ સંબંધમાં સ્થિરતા આવતી જાય છે તેમ તેમ વ્યકિતઓ પોતાની અભિવ્યકિતઓથી સંતુષ્ટ થતા જાય છે અને એકબીજાને અવગણતા થાય છે. આ અવગણનાની સાથે શરૂ થાય છે લાગણીઓના પ્રશ્નો. સ્ત્રીઓના આ પ્રશ્નોની જાણ લગભગ સૌ કોઇને હોય છે પરંતુ પુરુષો મનોમન ગૂંગળાય છે. મોટાભાગના લોકો તો પુરુષોને આવા કોઈ પ્રશ્નો હોય છે તેવું માનવા જ તૈયાર નહિ હોય! આવા તબક્કે પુરુષોના આ પ્રશ્નો કયા છે તે જાણવું જરૂરી છે, કારણ કે પુરુષો સીધે સીધા આ પ્રશ્નોને વાચા આપવાના નથી પરંતુ તેમના વર્તનમાં તે આડકતરી રીતે રજુ થવાના છે અને તેની સીધી અસર સહજીવન પર પડવાની છે.

પુરુષો માટે સંબંધમાં ગુંગળામણ કરાવે તેવા પ્રશ્નોની યાદીમાં ખૂબ સામાન્ય કહી શકાય તેવો પ્રશ્ન સ્ત્રીઓ દ્વારા થતી ટકટક (નેગીંગ)નો છે. ઘણા કિસ્સાઓમાં સંબંધમાં સ્થિરતા આવતાની સાથે જ સ્ત્રીઓની લાગણીઓના સંદર્ભે ટકટક ચાલુ થઇ જાય છે. પુરુષને તેની અપૂર્ણતા (જવાબદારી લેવામાં, કમાવામાં, આવડતમાં વગેરે), નાના દોષો, પોતાને સમજી શકવાની અસમર્થતા, તેના માતા-પિતા પ્રત્યેના લગાવ વગેરે વાતને લઇને રોજીંદી સીધી કે આડકતરી ટકટકની ફરિયાદ કયો પુરુષ કોને જઇને કરશે ?! સવાલ ટકટક સાચી છે કે ખોટી તેનો નથી પરંતુ અવાર-નવાર સતત ચાલુ રહે છે તેનો છે. પુરુષોનું માનસ એકની એક વાત વારંવાર સાંભળવા સક્ષમ નથી. પરિણામે તે ઉશ્કેરાટ અનુભવે છે. મોટાભાગનાં પુરુષો આ સંદર્ભે વાત ન કરી શકવાને કારણે પ્રતિભાવ સ્વરૂપે કયાંક તો ભાગેડુવૃત્તિ અપનાવે (ઘરની બહાર રહે,લગ્નેતર સંબંધ વિકસાવે, વ્યસનો કરે વગેરે) અથવા પત્નીને અવગણવા માંડે. સરવાળે સંબંધો નિષ્પ્રાણ થવા માંડે. સામાન્ય રીતે આવી ટકટકના મૂળમાં સ્ત્રીઓમાં લાગણીઓના સ્તરે રહેલો અસંતોષ અને અસલામતી હોય છે. પુરુષને જરૂર છે કે આ તબક્કે ભાગેડુવૃત્તિ કે સ્ત્રીની ઉપેક્ષા કરતા સ્ત્રીનું આ ટેવ પ્રત્યે ઘ્યાન દોરી અને તે દિશામાં યોગ્ય ચર્ચા કરવાનું વલણ દાખવવું જોઈએ. કેટલીકવાર આ ટકટક પાછળ કોઇ મોટા કારણ ન હોઇ સ્ત્રીની માત્ર એક સ્વભાવગત ટેવ પણ જવાબદાર હોઇ શકે. આવી ટેવ ધરાવતી સ્ત્રીએ પોતાના સ્વભાવની આ નબળાઇ સ્વીકારી અને સુધારી લેવી જોઈએ નહિંતર પુરૂષ તેનાથી દૂર થતો જશે તે નક્કી. આવી જ બીજી કેટલીક સમસ્યાઓની વાત આવતા સપ્તાહે…

પૂર્ણવિરામ: સંબંધોમાં લાગણીઓના પ્રશ્નો સ્ત્રીને બોલકી બનાવે છે અને પુરુષને બોબડો !

Image

Advertisements
 

Tags: , , , ,

4 responses to “પુરુષને પોતાની વ્યથાઓ વ્યક્ત કરવામાં મર્દાનગી સામે પ્રશ્નાર્થ ઊભો થવાનો ડર સતાવે છે

 1. kirit suchak

  February 1, 2013 at 7:08 pm

  100% Agreed Sir,

   
 2. Neha

  February 1, 2013 at 8:29 pm

  ખુબજ સરસ રીતે તમે એક પુરુષ ની મન ની વાત ને પ્રગટ કરી છે। તમે જે આ લેખ માં લખ્યું છે તે હકીકત સ્ત્રી સમજતી હોવા છતાં તેનું ટકટક કરવાનું સતત ચાલતું જ રહે છે। જેમ તમે કીધું તેમ, સંબંધ માં સ્થિરતા આવતા, સંતુષ્ટિ આવતા ધીમે ધીમે અવગણના થવા લાગે છે, અને સ્ત્રી ને જેની સાથે લાગણી ના સંબંધો છે તેના તરફ થી અવગણના મળે ત્યારે જ ટકટક શરુ થાય છે। મારું કેહવું એમ પણ નથી કે ટકટક કરવી જ જોઈએ, સ્ત્રી એ પુરુષ ની મનોસ્થિતિ ને સમજવી જોઈએ અને લાગણી ના એ સંબંધ ને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા જ જોઈએ ટકટક કાર્ય વગર।

   
 3. Dr.Bipin Prajapati

  February 2, 2013 at 9:49 am

  સાચુ જ કહ્યુ છે કે અંતે તો પુરુષે બોબડા બની જવું પડે છે.તમે ગમે તેટલું લખો,સમજાવો કે પ્રચાર કરો લોકોની માનસિકતા બદલાવાની નથી.વાંક તો અંતે પુરુષનો જ નીકળે છે.સ્ત્રી તો બિચારી અને અબળામાં ખપી જશે.પુરુષ ચુપચાપ સહન કર્યે જશે અને અંતે હ્રદયરોગના ડોક્ટરોને ત્યાં કદી દર્દીઓની સંખ્યા ઘટશે નહી.

   
 4. Dr Rakesh Patel

  February 4, 2013 at 6:40 pm

  Excellent sir…..

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: