RSS

જીવનમાં મહત્વની વ્યક્તિઓ સાથેના સંબંધો જ્યારે તણાવગ્રસ્ત અને ઉચાટ કરાવનારા હોય ત્યારે માનસિક શાંતિ ગંભીર હદે જોખમાતી હોય છે.

07 Nov

ટીનેજર્સ સાથે અસરકારક સંવાદ(ઇફેક્ટીવ કોમ્યુનીકેશન) સાધવાની અને મજબૂત સંબંધો વિકસાવવાની દિશામાં આપણે વાત કરતાં હતાં. આ માટે સમજવી જરૂરી એવી તેમની લાક્ષણીકતાઓ અને વલણ અંગે સ્પષ્ટતા કેળવ્યા બાદ હવે ટીનેજર્સ સાથે સ્વસ્થ અને ઘર્ષણરહિત સંવાદ સાધવા માટે જરૂરી બાબતોની ચર્ચા કરીએ.
એક મનોચિકિત્સક તરીકેના મારા અનુભવોનો એક મહત્વનો નિચોડ મેં એ તારવ્યો છે કે ઘણી બધી માનસિક સમસ્યાઓના મૂળમાં સંબંધોના પ્રશ્નો રહેલા છે. તમારા જીવનમાં મહત્વની વ્યક્તિઓ સાથે જ્યારે તમારા સંબંધો તણાવગ્રસ્ત અને ઉચાટ કરાવનારા હોય ત્યારે તમારી માનસિક શાંતિ ગંભીર હદે જોખમાતી હોય છે. માનો કે ના માનો, જેમ જેમ આપણે આપણા કૌટુંબિક અને સામાજીક સંબંધોથી અળગા થતાં ગયા તેમ તેમ આપણી માનસિક સમસ્યાઓ વકરી છે અને મન અશાંતિ-ઉચાટ તરફ ધકેલાતું ગયું છે. એમાં’ય જો સંબંધ અંગત હોય અને અળગા થવાથી વધીને ઘર્ષણની સ્થિતિમાં હોય તો તો મન અશાંત ના થાય તો જ નવાઈ! આવી મહત્વની વ્યક્તિઓ સાથે તમારું જોડાણ(કનેક્શન) કોઈપણ સંજોગોમાં સ્વસ્થ અને મજબુત રહેવું એ તમારી માનસિક શાંતિ અને સુખ માટે અનિવાર્ય છે. આ જોડાણના મૂળ તમારા એમની સાથેના સંવાદ અને વર્તણુંકમા રહેલા હોય છે. કોઈપણ વ્યક્તિ સાથેની તમારી વર્તણુંક તે વ્યક્તિ સાથેના તમારા સંવાદની અસરકારકતા નક્કી કરતી હોય છે. ટીનેજર્સ સાથે થતો તમારો સંવાદ તો અત્યંત અગત્યનો છે કારણકે માનસિક શાંતિ અને સુખની સાથે સાથે એમના વ્યક્તિત્વના ઘડતરમાં તે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. એમની સાથે થતો દરેક હકારાત્મક સંવાદ એમનો પોતાની જાતમાં વિશ્વાસ વધારે છે અને અન્ય પ્રત્યેનો એમનો દ્રષ્ટિકોણ હકારાત્મક(પોઝીટીવ) બનાવે છે.જ્યારે તમારો એમની સાથેનો વ્યવહાર, સંવાદ કે વર્તણુંક નકારાત્મક હોય ત્યારે એ પોતાની જાત વિશે સંશય અનુભવે છે, એમનો આત્મવિશ્વાસ તૂટે છે અને અન્ય વ્યક્તિઓ પ્રત્યે પણ નકારાત્મક અભિગમ ધરાવતા થાય છે.
ટીનેજર્સ સાથે તમારી વર્તણુંક દરમ્યાન અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે, આ મુદ્દાઓ તમારા એમની સાથેના સંબંધો તંદુરસ્ત બનાવી શકે છે અને જો તમારા સંબંધો તંદુરસ્ત જ હોય તો તેને વધુ મજબૂત બનાવશે. સૌથી પહેલી અને અગત્યની બાબત એ છે કે એમની સાથેના વ્યવહારમાં એમનું માન જળવાય તેનું હંમેશા ધ્યાન રાખો. ક્યારે’ય તેમની સાથેના સંવાદમાં અપમાનજનક શબ્દો ના વાપરો(દા.ત. ડફોળ, મૂરખ, અક્કલ વગરનો, ગધેડો વગેરે). માત્ર શબ્દો જ નહી તમારો ટોન પણ અપમાનજનક ના હોય તેનું ધ્યાન રાખો. કારણ કે આ ઉમરના બાળકો સ્વમાનના મુદ્દે અત્યંત સંવેદનશીલ હોય છે. ઘણીવાર આ ટીનેજર્સ તેમના આક્રમક સ્વભાવ અને મૂડ સ્વિંગને કારણે ગમે તેનું અપમાન કરી બેસતા હોય છે તે સંજોગોમાં તેમની આ સંવેદનશીલતા વિચિત્ર લાગે પરંતુ એ જ તો તેમની આ મુંઝવણભરી અવસ્થાની એક સાબિતી છે. મોટેરાઓએ તેમની ઉમરને છાજે એવી મોટપ બતાવીને આ મુદ્દે વર્તવું જોઈએ. તમારો આ અભિગમ તેમના મનમાં પોતાની શરતહીન સ્વીકૃતિ(અનકન્ડીશનલ એક્સેપ્ટન્સ)ની લાગણી ઉત્પન્ન કરે છે, જે તેમના આત્મવિશ્વાસ માટે ખુબ જરૂરી છે. પોતે જેવા છે તેવા સ્વીકૃત છે તે વાત તેમના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે કારણ કે આ ઉમરમાં સ્વીકૃતિ અને પ્રેમ વચ્ચે બહુ લાંબો ફરક નથી હોતો. તમે તેમના પ્રત્યેનો તમારો પ્રેમ તમારી શરતહીન સ્વીકૃતિ આપીને દર્શાવી શકો છો. આનો મતલબ એવો નથી કે તેમનું અનિચ્છનીય વર્તન કે વ્યવહારને પણ સ્વીકૃતિ આપવી. આ બાબતોનો વિરોધ કરતાં પણ તેમના મનમાં વિરોધ તેમનો નહી પણ તેમના અનિચ્છનીય વર્તન-વ્યવહારનો છે એ સ્પષ્ટતા જરૂર જળવાવી જોઈએ. તમારા સંવાદમાં એમની અનિચ્છનીય બાબત પ્રત્યેની અસ્વીકૃતિની સાથે સાથે એમને મદદ કરવાની તત્પરતા જણાવી જોઈએ. અલબત્ત એમનો એટીટ્યુડ મોટાભાગે એવો જ હશે કે એમને તમારી મદદની જરૂર નથી !
ઘણીવાર સાહિત્યિકરીતે કહેવાયેલી બાબતોનું વ્યવહારમાં સાચું મહત્વ હોતું નથી પરંતુ એ કહેવાઈ એવી રીતે હોય છે કે લોકોના મનમાં ચોંટી જાય છે. આવી જ એક વાત છે ‘જ્યારે તમારી અને તમારા ટીનેજર્સની ચપ્પલનું માપ એકસરખું થઇ જાય ત્યારથી તેને તમારો મિત્ર બનાવો’. ના, એમને મિત્રો ઘણાં છે પરંતુ મા-બાપ તો એક જ છે.મોટાભાગના ટીનેજર્સને તમે એમના મિત્ર છો એવું કહો તે ગમતું હોતું નથી, આ બાબત એમની આ લાગણીઓની સાબિતી છે.(વધુ એક સાબિતી રૂપે આજનું પૂર્ણવિરામ છે!). એમને આ તબક્કે તમારી મિત્રતાની નહી મૈત્રીભર્યા વ્યવહારની જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા મૈત્રીભર્યા વ્યવહારની વચ્ચે પણ એ ક્યારે’ય ભૂલવા ના જોઈએ કે તમે એની મા છો કે તમે એના પિતા છો, મર્યાદાની એક સીમા દરેક તબક્કે જળવાવી જોઈએ. આ મુદ્દે પપ્પાઓની સરખામણીએ મમ્મીઓ મિત્ર હોવાનો દાવો અવારનવાર કરતી હોય છે અને તેનું પરિણામ એ આવે છે કે ટીનેજર્સ મમ્મીઓને ગણકારતા જ નથી.‘મમ્મીને તો ચાલે, ગમે તે કહેવાય, ગમે ત્યારે ધક્કો મારાય અને ગમે ત્યારે વહાલ કરાય’ વગેરે. સરવાળે તેમની વચ્ચેના સંવાદમાં એક પરિપક્વતા અને મર્યાદાનો અભાવ વર્તાય છે અને સૌથી વધુ સમય સાથે રહેવા છતાં માતાઓ તેમનું જ્ઞાન, સમજણ, અનુભવ વગેરે તેમની સાથે અસરકારક રીતે વહેંચી નથી શકતી. ટીનેજર્સ સાથેના સંવાદમાં દરેક તબક્કે યાદ રાખવું અને એમને યાદ અપાવવું ઘટે કે તમે એમના મિત્ર નથી મા-બાપ છો પરંતુ તમારો એમની સાથેનો અભિગમ-વ્યવહાર-વર્તણુંક મૈત્રીપૂર્ણ છે.

પૂર્ણવિરામ
‘તમે મા-દીકરી બહેનો લાગો છો’ આ વાત સાંભળીને મમ્મી ખુશ થાય છે પરંતુ દીકરી દુઃખી થાય છે !!

Advertisements
 

Tags: , , , ,

One response to “જીવનમાં મહત્વની વ્યક્તિઓ સાથેના સંબંધો જ્યારે તણાવગ્રસ્ત અને ઉચાટ કરાવનારા હોય ત્યારે માનસિક શાંતિ ગંભીર હદે જોખમાતી હોય છે.

  1. dr rakesh patel

    November 16, 2012 at 1:55 pm

    grate…….sir….

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: