ટીનેજર્સ જેટલી ઝડપથી શારીરિક રીતે વિકાસ પામે છે એટલી ઝડપથી તેમના વિચારોમાં પરિપક્વતા નથી આવતી.

‘કોઈપણ બે બાળકો સરખા નથી હોતા’ આ એક સર્વસામાન્ય વાક્ય છે, જે તમને દુનિયાની કોઈપણ ભાષાના બાળઉછેર કે ટીનેજર્સ વિશેના કોઈપણ પુસ્તકમાં વાંચવા મળશે જ અને આ વિષયમાં બોલનારાઓ પણ આ વાત ચ્યુંઈંગ ગમની જેમ તમને ચગળાવતા રહેશે. પરંતુ આ ચવાઇ ગયેલી વાતથી અલગ અને વધુ મહત્વની વાત એ છે કે તેમના પ્રશ્નો વિવધ સંજોગો અને વાતાવરણની વચ્ચે પણ મહદઅંશે એક સરખા હોય છે. ફરક માત્ર એટલો છે કે આ બધાને એક લાકડીએ હાંકી શકાય એમ નથી, દરેક સાથે વહેવાર કરવા તેમને અંગત રીતે સમજવા પડે એમ છે. આ માટે તેમની લાક્ષણીકતાઓ અને વલણ(એટીટ્યુડ) અંગે સ્પષ્ટ સમજ કેળવવી અનિવાર્ય છે.
આપણે ટીનેજર્સની લાક્ષણીકતાઓ વિશે ઘણી વાતો કરી. આ પેઢી સાથે અસરકારક સંવાદ સાધવો હોય અને તમારા એમની સાથેના સંબંધો મજબૂત રાખવા હોય તો તમારે આ બધી જ લાક્ષણીકતાઓ ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. પરંતુ, માત્ર આટલું જ પુરતું નથી તેમનું વલણ(એટીટ્યુડ) પણ સમજવું પડશે. આમ તો દરેક ટીનેજર્સનો એક આગવો એટીટ્યુડ હોય છે પરંતુ ટીનેજર્સ સાથે કામ કરવાના અનુભવના આધારે તેમનો એટીટ્યુડ નક્કી કરતાં કેટલાક અગત્યના પરિબળો મેં તારવ્યા છે, આ પરિબળોની ચર્ચા મા-બાપ, શિક્ષકો, કેળવણીકારો, પોલીસ, કાયદો ઘડનાર વગેરે માટે અતિ મહત્વની છે. જો આ લોકો આ મુદ્દાઓ સમજી શકશે તો જ એ તેમના સાચા માર્ગદર્શક બની શકશે અને તેમનું યોગ્ય ઘડતર કરી શકશે તેમાં કોઈ બે મત નથી.
એક માતા-પિતા તરીકે આપણે સમજવું પડે તેવું પહેલું પરિબળ એ છે કે તેમનામાં વૈચારિક પરિપક્વતા તેમના માતા-પિતા કરતાં ઓછી હોય છે. ટીનેજર્સ જેટલી ઝડપથી શારીરિક રીતે વિકાસ પામે છે એટલી ઝડપથી તેમના વિચારોમાં પરિપક્વતા નથી આવતી. વૈચારિક અપરિપક્વતાને કારણે જ ઘણીવાર તેઓ જોખમી અને અવિચારી નિર્ણયો લઇ બેસતા હોય છે. સરવાળે આવા નિર્ણયોને કારણે એ ફસાઈ જતા હોય છે, મૂંઝાઈ જતા હોય છે, બળવાખોરી કરી બેસતા હોય છે અથવા મા-બાપને નીચું જોવું પડે એવું વર્તન કરી બેસતા હોય છે. અલબત્ત આ વાત કોઈ ટીનેજર્સ નહી સ્વીકારે કારણ કે એમની તો અવારનવાર એવી દલીલ હોય છે કે હવે તે મોટા થઇ ગયા છે અને પોતાના નિર્ણયો જાતે કરવા સક્ષમ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જીવનના અનુભવોને આધારે પ્રાપ્ત થતી વિવેકબુદ્ધિની અપેક્ષા એમની પાસે ના રાખતા તેમના અપરિપક્વ વિચારો પ્રત્યે સમજદારી રાખીને તેમની સાથેના વ્યવહારમાં આગળ વધવું જોઈએ. આ સમજદારી એટલે તમારે એમની આ પરિપક્વતા વિશે ભાષણો આપ્યા વગર માત્ર તેને ધ્યાનમાં રાખીને એમની સાથે વ્યવહાર કરવો(પેલી કહેવત યાદ છે ને ?! ‘કાણાં ને કાંણો ના કહેવાય’)
બીજું, ટીનેજર્સ માત્ર પોતાનામાંજ વ્યસ્ત હોય છે અને પોતાને કેન્દ્રમાં રાખીને જ બધું વિચારતા હોય છે. આમાં સ્વાર્થ નથી પરંતુ કિશોરાવસ્થાની આ વિચારસરણી છે(દરેક અવસ્થાની એક આગવી કહી શકાય તેવી વિચારધારા હોય છે). આ વિચારધારાને કારણે તેઓ આ ઉમરમાં તેમના દેખાવ(નાનકડું ખીલ થઇ જાય તો પણ ઉચાટ અનુભવે !), તેમની કૌટુંબિક કે સામાજીક સ્વીકૃતિ (કંકોત્રીમાં મારું નામ તો લખ્યું નથી પછી હું કેમ લગ્નમાં આવું ?!), તેમના અભિપ્રાયો, તેમની પસંદગીઓ વગેરે પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. પોતાની સહેજ અમથી પણ ઉપેક્ષા તે સાંખી શકતા નથી. આવી સ્વકેન્દ્રીયતાને કારણે ઘણીવાર તેમને અન્ય વ્યક્તિઓની કે તેમની લાગણીઓની કદર નથી એવું પણ લાગે પરંતુ વાસ્તવમાં તો તે પોતાની જાતમાં જ એટલા બધા ખોવાયેલા હોય છે કે તેમને આની ગણના જ ના હોય. મોટાભાગના કિસ્સાઓમાં મા-બાપ પોતાના ટીનેજર્સના આ એટીટ્યુડ સુધારવાની સલાહો આપ્યા કરતાં હોય છે અને ટીનેજર્સને મન એ બધી’ય સલાહો એક, બે અને સાડા ત્રણ….
ત્રીજી વાત એ કે તેમને મોટાભાગના કૌટુંબિક અને સામાજીક સંબંધો મતલબી લગતા હોય છે, તેમને મન તેમના સમવયસ્ક મિત્રો વધુ મહત્વના હોય છે. આ બાબતે પણ માતા-પિતાઓને તેમની સાથે ઘણું ઘર્ષણ થતું હોય છે. જો તમારા ટીનેજર્સ જોડે તમારો સંવાદ તંદુરસ્ત રહે તેવું તમે ઈચ્છતાં હોવ તો ક્યારે’ય એમના મિત્રો વિશે જેમતેમ ના બોલો કારણ કે એમને મન એ તમારા કરતાં પણ વધુ મહત્વના છે. મિત્રો ખરાબ હોય અને તેમને એમની વિરુદ્ધમાં સલાહ આપવાની હોય તો તે એક સંવેદનશીલ મુદ્દો છે. આ મુદ્દાને ખુબ પરિપક્વતાથી તમારે સંભાળવો પડશે, તમારા સંતાન કે તેના મિત્ર પર કોઈપણ પ્રકારનું દોષારોપણ તમારો તમારા સંતાન સાથેનો સંબંધ સંઘર્ષમય બનાવશે.
આ ઉપરાંત તેમનો એટીટ્યુડ એવો હોય છે કે ચોરી કરવી એ ગુનો નથી પરંતુ ચોરી કરીને પકડાવું એ ગુનો છે એટલે કે હેલ્મેટ ના પહેરવી એ ગુનો નથી પણ પોલીસના હાથે પકડાઈ જઈને દંડ ભરવો એ ગુનો છે ! જયારે મા-બાપ માટે તો ચોરી કરવી એ જ ગુનો છે(અલબત્ત પરિપક્વતા અને પ્રમાણિકતા હોય તો !) સરવાળે ઘર્ષણ, મા-બાપ કાયદાનું પાલન કરવાની સલાહો આપે અને ટીનેજર્સ એમને ગભરુ કહીને કાયદાની એસીતેસી કરનારાઓના ઉદાહરણો ટાંકીને નીડર બનવાની સામી સલાહો આપે ! ખાત્રી કરવી હોય તો તમારા સંતાન સામે ‘જોખમી રીતે વાહન ચલાવીશ તો વાહન નહી આપું’ એવી શરત મુકો. અત્યારસુધીમાં થયેલા બધા હીટ એન્ડ રન કિસ્સાઓમાં કોને કોનું શું તોડી લીધું એ સમજાવી દેશે !(ક્રમશ:)

પૂર્ણવિરામ
ટીનેજર્સ એ નથી કરતાં, જે તમારા મતે એમણે કરવું જોઈએ
ટીનેજર્સ એ કરે છે, જે એમને કરવું હોય છે !
*****

One Comment Add yours

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s