મા-બાપોની ઘણી આદતો વર્ષોથી ચાલી આવે છે, જેમાં સમય અનુસાર થોડા ઘણાં ફેરફારો ચોક્કસ થયા છે પરંતુ તેની સાથે સંકળાયેલો મૂળ હેતુ તો એનો એ જ રહ્યો છે. જેમ કે, દરેક મા-બાપ વત્તે-ઓછે અંશે પોતાના સંતાનોને અન્યના સંતાનો સાથે સરખાવતા રહ્યા છે અને આ સરખામણીના આધારે તેમના સંતાનોને શિખામણો આપતા રહ્યા છે. આ ચેષ્ટા પાછળ કોઈપણ મા-બાપનો પોતાના સંતાનોને ઉતારી પાડવાનો બદ-ઈરાદો નથી હોતો પરંતુ એ બહાને એમનું સંતાન પ્રોત્સાહિત થાય તેવી ઈચ્છા જરૂર હોય છે. કમનસીબે બાળકો ક્યારે’ય આવી સરખામણીઓથી પ્રોત્સાહિત થયા નથી અને થવાના નથી પરંતુ બળવાખોર અને આત્મવિશ્વાસની ઉણપથી પીડાતા જરૂર થયા છે. છેલ્લાં પાંચ વર્ષો સુધી તો સંતાનો આવી સરખામણીઓથી લદાયેલા ભાષણો મૂંગા મોંએ સાંભળી લેતા’તા અને મનોમન આક્રોશ સેવતા હતાં પરંતુ હવે જમાનાની હવા બદલાઈ છે. હવે આ ટીનેજર્સ તમને બીજા ટીનેજર્સના માતા-પિતાઓ સાથે સરખાવતા થયા છે.એક જમાનામાં મનમાં આવતું તો હતું પણ બોલી નહતું શકાતું, એક મર્યાદા નડતી હતી પણ હવે મિત્ર હોવાનો દાવો કરતાં રહેતાં મા-બાપોને કંઈપણ સંભળાવવું સહેલું બની ગયું છે. ‘ફલાણાના મા-બાપ તો બહુ સારા છે. ક્યારે’ય એની વાતમાં દખલ નથી કરતાં, જે માંગે તે અપાવે છે અને તમે?!’ વગેરે સંતાન આસાનીથી પોતાના મા-બાપને કહી દે છે અને સાથે એટલી ઉસ્તાદીથી લાગણીઓનો ભેગ કરી નાખે કે મા-બાપો ‘ઇમોશનલી બ્લેકમેઇલ’ થઇ જાય ! યાદ રાખવા જેવી વાત એ છે કે એક જમાનામાં શ્રવણની વાર્તા સાંભળીને મા-બાપની સેવા કરવાનું પ્રોત્સાહન પામતી પેઢી અને આજની પેઢીમાં ફરક એટલો જ છે કે આજની પેઢી કાવડ તો લાવશે પણ સાથે સાથે આંખો ફોડવાના સળિયા પણ લાવશે. કારણ કે, શ્રવણના મા-બાપ તો આંધળા હતાં એટલે તમને જાત્રા કરાવતા પહેલાં તમારી આંખો તો ફોડવી પડશે ને ?! મારી આ વાતનો મર્મ એટલો જ છે કે આજના ટીનેજર્સ તમારી સરખામણીઓનો પોતપોતાની રીતે પ્રત્યુત્તર આપી શકે છે. ટીનેજર્સ સાથે અસરકારક સંવાદ(ઇફેક્ટીવ કોમ્યુનીકેશન) સાધવા અને મજબૂત સંબંધો વિકસાવવા આ વાત બરાબર સમજી લેવા જેવી છે. ક્યારે’ય તમારા ટીનેજર્સને તમારા પોતાના અન્ય સંતાન કે અન્ય વ્યક્તિઓના સંતાનો સાથે સરખાવીને પ્રોત્સાહિત કરવાની કોશિશ ના કરો. જો એ આવી સરખામણીથી પ્રોત્સાહિત થવાના હશે તો તમારા કહ્યાં વગર જ પોતાની જાતે જ ઇચ્છનીય બાબતોમાં સરખામણીઓ કરશે અને હરીફાઈ કરશે નહીંતર તમારી સરખામણીઓના જવાબમાં અનિચ્છનીય બાબતોની સરખામણી કરીને સામી દલીલો કરશે. સાવ સીધો નિયમ ઘડવો પડશે કે ‘અમે કોઈની’ય સાથે તારી સરખામણી કરવામાં માનતા નથી અને કોઈ એમના સંતાનો સાથે શું કરે છે તેમાં અમને રસ નથી.’
ટીનેજર્સને પ્રોત્સાહિત કરવાનું ગણિત અલગ છે. તેમને બીજાનું ઉદાહરણ આપીને નહી પરંતુ તેમની પોતાની શક્તિઓ વિશે જાગૃત કરીને વધુ પ્રોત્સાહિત કરી શકાય છે.અલબત્ત, તેમનામાં આ જાગૃતિ લાવવી એ ઉદાહરણો આપવા કરતાં વધુ મહેનત અને ધીરજ માંગી લે તેવી બાબત છે. આ ઉપરાંત ટીનેજર્સના મનમાં આદર્શરૂપ(રોલ મોડેલ) બનીને પણ તેમને પ્રોત્સાહિત કરી શકાય એમ છે. આજ ના સમયનો એક કમનસીબ કહી શકાય એવો પ્રશ્ન એ છે કે ટીનેજર્સ કે યુવાનો પ્રેરણા પામી શકે, પ્રોત્સાહિત થઇ શકે કે અનુસરી શકે તેવા વ્યક્તિત્વો કુટુંબમાં અને સમાજમાં કેટલા બચ્યા છે?! જાહેર ક્ષેત્રની ગણી-ગાંઠી વ્યક્તિઓ બાદ કરતાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની પ્રેરણા આપણી ઉગતી પેઢી લઇ શકે?! ભ્રષ્ટ નેતાઓ, લાંચિયા અધિકારીઓ, સ્વકેન્દ્રી ધંધાદારીઓ(કલાકારો,ક્રિકેટરો,બિઝનેસમેનો….) વગેરે પાસેથી શંે પ્રેરણા મળી રહી છે?! આવા માહોલમાં તમારી પાસે તો એટલું જ રહે છે કે બીજી પ્રેરણાઓ બાજુ પર મુકો અને તમે જ તમારા સંતાનની પ્રેરણા બની શકો એવું જીવન જીવવાની કોશિશ કરો. આ તબક્કે ‘ફરારી કી સવારી’નું એક દૃશ્ય ટાંકવાનું મન થાય છે. ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવાના ગુનાનો સામેથી દંડ ભરવા જતા નાયકને પોલીસ પૂછે છે કે તેને ગુનો કરતાં કોઈ પોલીસે જોયો કે રોક્યો નથી તો સામેથી આવીને દંડ ભરવાની મૂર્ખામી એ કેમ કરે છે?! ત્યારે નાયકે આપેલો જવાબ ખુબ માર્મિક છે, એ કહે છે પોલીસે તેને નથી જોયો પરંતુ સ્કુટર પર પાછળ બેઠેલા સંતાને તો તેને જોયો છે ને ! હાસ્યાસ્પદ લાગે તે સ્તરની એ પ્રમાણિકતા પાછળ એક અગત્યનો સંદેશ છે કે ‘તમારું સંતાન તમને જુએ છે’ અને એક મનોચિકિત્સક તરીકે મારો ઉમેરો છે કે ‘એ અજાગ્રત રીતે તમને અનુસરે છે’. દારૂની પાર્ટીઓ કરીને તમારા સંતાનને તમે નશાબંધીના પાઠ ના ભણાવી શકો. પત્ની ઉપર હાથ ઉપાડતા મોટાભાગના પુરુષોએ નાનપણમાં પોતાના પિતાને એ કૃત્ય કરતાં જોયેલા હોય છે. માનવ મનની એક નબળાઈ કાયમ રહી છે કે એ હકારાત્મક બાબતની સરખામણીએ ઘણી સરળતાથી નકારાત્મક બાબત તરફ ખેંચાય છે, પ્રભાવિત થાય છે કે અનુસરવા લલચાય છે પરંતુ તેમ છતાં’ય તે મોડું પણ ચોક્કસપણે હકારાત્મક બાબતોને પણ અનુસરે તો છે જ, જો એ બાબતો કે આદતો તમારા વર્તનમાં હોય તો!
પૂર્ણવિરામ
દુનિયાભરના લોકોના આદર્શ બનવું સહેલું છે પરંતુ તમને નખશીખ ઓળખતા તમારા પોતાના સંતાનના આદર્શ બનવા માટે તો તમારે સાચા અર્થમાં ઉત્કૃષ્ટ જ હોવું પડે !