RSS

કોઈપણ વ્યક્તિ પરત્વે પ્રેમનો દાવો કરી શકાય, ડોળ કરી શકાય, ગાંડપણ-ઘેલપણ કરી શકાય પણ તેના પ્રત્યે આદરભાવ વગર તેને સાચો પ્રેમ ના કરી શકાય !

24 Oct

આમ તો આપણે છેલ્લાં ઘણાં સપ્તાહોથી ટીનેજર્સની વાતો કરી રહ્યા છીએ પણ આજે એ શ્રેણીમાં એક સપ્તાહનો બ્રેક મારવો પડશે કારણ કે એક અગત્યની બાબતને ન્યાય આપવો પડે એમ છે !
આ સપ્તાહે એક સંવેદનશીલ ફિલ્મ ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ રીલીઝ થઇ. આમ તો એ એક ગૃહિણીની ઈંગ્લીશ શીખવાની ચાર સપ્તાહની નાનકડી યાત્રા છે પરંતુ એકસો ને ઓગણતીસ મીનીટના સ્ક્રીન-પ્લે માં લેખિકા ગૌરી શીંદે એ ગજબનાક સંવેદનાઓ વણી છે. ફિલ્મના ઘણાં ડાયલોગ આંચકો આપી જાય એટલા વાસ્તવિક છે, આંચકો એટલા માટે કે આ નરી વાસ્તવિકતાઓ જાણતા હોવા છતાં’ય અને જાણ્યા પછી પણ મોટાભાગના અજાણ્યા જ રહેવાના ! આ પૈકી મારે કેટલાક આંચકાઓમાંથી નીતરતા ડાહપણની વાત કરવી છે :))
સ્ત્રી માટે સૌથી નિરાશાજનક (ફ્રસ્ટેટીંગ) બાબત જો કોઈ હોય તો તે એ છે કે તેનો પતિ તેની ગણના જ ના કરતો હોય-ટેકન ફોર ગ્રાન્ટેડ(માય વાઈફ, શી વોઝ બોર્ન ટુ મેઇક લડ્ડુઝ) અને તેના બાળકોને તેના માટે કોઈ માન ના હોય ! આમ જોવા જઈએ તો પતિની અવગણનાને જ એક માત્ર બાબત તરીકે ઉલ્લેખી શકાય એમ છે કારણ કે બાળકોને પોતાની માતા પ્રત્યે સન્માનની ભાવના ના હોવા પાછળ તો પિતાની તેમની માતા પરત્વેની અવગણના જ હોય છે. એનાથી’ય એક ડગલું આગળ ભરીને વાત કરું તો જે સ્ત્રીને એનો પતિ ના ગણતો હોય તેને વાસ્તવમાં કોઈ કુટુંબીઓ ગણતા નથી હોતા. તેને કોઈ ગંભીરતાથી લેતું નથી હોતું, અલબત્ત લોકલાજે કદાચ ડોળ બધા કરતાં હોય છે. આવી અવગણના સહન કરીને જીવતી સ્ત્રીની જરૂરીયાત પ્રેમ નહી પણ આત્મસન્માન હોય છે(મુઝે પ્યારકી નહીં, થોડીસી ઇઝ્ઝતકી જરૂરત હૈ!). જયારે આવી સ્ત્રીને કોઈ થોડું પણ સન્માન આપે ત્યારે ગમે તેટલો પ્રેમાળ પતિ હોવા છતાં તે લગ્નેતર સંબંધમાં લપસી પડવાની શક્યતા ધરાવે છે. પ્રશ્ન એ થાય કે એવું કેવી રીતે બને કે પતિ પ્રેમાળ હોય પરંતુ એને પત્ની પ્રત્યે માન ના હોય ?! બને, કો’કે નથી કહ્યું કે ‘સ્ત્રીને માત્ર ચાહો, સમજવાની કોશિશ ના કરો’ બસ; આ કો’કના ચેલાઓના લગ્નજીવનમાં આવું બને ! પત્નીની દરેક નાની-મોટી દુન્યવી જરુરીયાતોનું ધ્યાન રાખવાને પ્રેમ સમજતો અને જરૂર પડે તેના આધારે પ્રેમ કરતો હોવાની દલીલો કરતો આ વાસ્તવમાં બહોળો કહી શકાય તેવો વર્ગ છે. ખરેખર તો જો તમને તમારા જીવનસાથીના અસ્તિત્વના હાર્દ સમી બાબતો જેવી કે; તેના વિચારો, લાગણીઓ, સ્વભાવ, વ્યવહાર વગેરે પરત્વે માન હોય તો ‘પ્રેમ’ તેની આડપેદાશ છે. કોઈપણ વ્યક્તિ પરત્વે આદરભાવ વગર તે વ્યક્તિને સાચો પ્રેમ કરવો અશક્ય છે ! હા, પ્રેમનો દાવો કરી શકાય, ડોળ કરી શકાય, ગાંડપણ-ઘેલપણ કરી શકાય પણ સામેની વ્યક્તિની લાગણીઓ તરબતર કરી મૂકે તેવો સાવ સાચો પ્રેમ ના કરી શકાય.
સહજીવનનો એક મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે સાથે જીવતાં જીવતાં બંનેનો વ્યક્તિ તરીકે વિકાસ થવો અને આત્મ-સાક્ષાત્કારની હદે વિકસિત થવું.(આવું બધું ઊંચું ના વિચારાય, અહીં તો પરણ્યા છીએ એટલે નિભાવવું પડે એમ છે, બાકી વિકાસની વાતો આપણે નહી સરકારે કરવાની છે ) ચાલો, માની લઈએ કે આટલે ઉંચે નથી ચઢવું પણ એકબીજાને વિકસવામાં મદદ તો કરવી જોઈએ ને ?! અને, એ માટે જરૂરી છે એકબીજાને પ્રોત્સાહિત કરતાં રહેવાની. પરંતુ વ્યવહારમાં ઘણાં પતિ-પત્નીઓ ઉંધુ ગાડું ગબડાવે છે, એકબીજાને નિરુત્સાહ કરવાનું- ‘શું જરૂર છે?’, ‘તારાથી નહી થાય’, ‘જે છે એમાં મજા કરને’ વગેરે કે પછી એકબીજાની નબળાઈ-મર્યાદાઓની મજાક ઉડાવવાનું. લાંબે ગાળે આવા સહજીવનનો થાક લાગે છે. જીવનમાં પ્રગતિ સાધવા અને આત્મસંતોષ અનુભવવા પ્રોત્સાહન જરૂરી છે. પુરુષને પ્રોત્સાહન આપીએ ત્યારે તેનો અહમ્ પોષાય છે પરંતુ સ્ત્રીને મન પ્રોત્સાહન વધુ મહત્વનું છે. સ્ત્રીને માટે પ્રોત્સાહન કોઈ તેને, તેના કામ, તેના વિચારો, તેના વ્યવહાર વગેરેને ચાહે છે તેની ખાત્રી આપનારું છે અને તે તેના આત્મસન્માન માટે ખુબ અગત્યનું છે. હંમેશા તમારા જીવનમાં રહેલી સ્ત્રીને પ્રોત્સાહિત કરતાં રહો તે તમારા અને તેના બંનેના વિકાસ માટે અત્યંત જરૂરી બાબત છે.
છેલ્લી અને સૌથી મહત્વની વાત જયારે તમે પોતાની જાતને ચાહો છો ત્યારે તમે તમારી સાથે જોડાયેલી તમામ વાસ્તવિકતાઓને અનાયાસે ચાહવા માંડો છો. એ જ પરિસ્થિતિઓ, એ જ વ્યક્તિઓ, એ જ સંબંધો કે એ જ ભૂતકાળ તમને સ્વીકૃત થવા લાગે છે. તેના તરફની ફરિયાદો કદાચ એની એ જ રહેવા છતાં તમે તેને અવગણીને જીવનમાં આગળ વધવાની નૈતિક હિંમત મેળવો છો અને આમ કરતાં બધું જ બદલાવા માંડે છે. પરંતુ અહીં એક વિકટ પ્રશ્ન છે પુરુષ અને સ્ત્રીની આ બાબતને લઈને માનસિકતાનો ! પોતાની જાતને ચાહનારા પુરુષો જેટલી સરળતાથી મળે છે તેટલી સરળતાથી પોતાની જાતને ચાહનારી સ્ત્રી મળવી મુશ્કેલ છે ! મોટાભાગના કિસ્સાઓમાં સ્ત્રીને પોતાની જાતને પ્રેમ કરતાં શીખવવું પડે છે કારણ કે મોટાભાગની સ્ત્રીઓની પ્રાથમિકતામાં પતિ, બાળકો, કુટુંબીઓ વગેરે પોતાની જાત કરતાં પહેલાં હોય છે. જો કેટલીક કારકિર્દીલક્ષી સ્ત્રીઓની પ્રાથમિકતા જુદી હોય તો પણ તે અંદરખાને આ મુદ્દે ગીલ્ટ અનુભવતી રહેતી હોય છે અને જો કદાચ કોઈ સ્ત્રીની પ્રાથમિકતામાં તે પોતે જ હોય તો પણ તે પોતાને સ્વાર્થી વિચારીને ‘ગીલ્ટ’ અનુભવે છે ! સ્ત્રીને આવી મુંઝવણ અને પોતાના જીવન પરત્વેની ફરિયાદોમાંથી બહાર કાઢીને સાચા અર્થમાં પોતાની જાતને પ્રેમ કરવાનું શીખવનારા છે(ફિલ્મમાંનો ફ્રેન્ચ પુરુષ) તેના કરતાં તેની આ મુંઝવણનો લાભ લેનારા ‘ઉસ્તાદો’ ઘણાં વધારે છે, તે પછી અંગત હોય કે કોઈ ધંધાદારી !!

પૂર્ણવિરામ
જયારે કોઈ પુરુષ સ્ત્રીને તીવ્રતાથી ચાહે છે ત્યારે સ્ત્રી આપોઆપ પોતાની જાતને ચાહવા માંડે છે !

Advertisements
 

Tags: , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: