તમે તમારી પાછળની પેઢીને માનસિક ક્ષમતામાં પડકારી ના શકો, તમારે તેમની સાથે કામ લેવામાં તમારો અનુભવ જ કામે લગાડવો પડે !

આપણે આજના કિશોરોની લાક્ષણીકતાઓ વિશે છેલ્લાં ઘણાં સપ્તાહથી વાતો કરી રહ્યા છીએ.
ઉત્ક્રાંતિવાદ થકી પ્રમાણિત થયેલું અને માનવજાતના ઇતિહાસથી સાબિત થયેલું સત્ય છે કે દરેક પેઢી તેની આગળની પેઢી કરતાં વધુ ચપળ, ચાલાક, બુદ્ધિશાળી અને ઝડપી હોય છે. તમે તમારી પાછળની પેઢીને આ બધી ક્ષમતામાં પડકારી ના શકો, તમારે તેમની સાથે કામ લેવામાં તમારો અનુભવ જ કામે લગાડવો પડે. તેમની બધી જ લાક્ષણીકતાઓ સાથે સ્વીકારવી પડે એવી હકીકત એ છે કે આજના કિશોરો અત્યંત મુંઝવણભરી અને નિરાશાભરી અવસ્થામાં જીવે છે.
મુંઝવણભરી એટલા માટે કે આજે તેમની પાસે દરેક બાબતે પસંદગીના અનેક વિકલ્પો છે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે મન પાસે જેટલા વિકલ્પ વધારે તેટલી મુંઝવણ વધારે. દા.ત. એક જમાનામાં કાર ખરીદવી એકદમ સરળ હતી વધારે પૈસા હોય તો એમ્બેસેડર ખરીદો, ઓછું બજેટ હોય તો ફીઆટ(પાછળથી પ્રીમીઅર પદ્મિની) ખરીદો. કોઈ કડાકૂટ નહી, કોઈ બીજી પસંદગી જ નહી. લે, આવું તો કંઈ ચાલે ?! ના ચાલે, લો આજે પસંદગી માટે ઢગલો કાર છે, શું થયું? મુંઝવણ વધી, કઈ લેવી?! તેની સાથે સાથે સ્પર્ધાત્મકતા વધી, ધંધો ખેંચવા લોકોના મગજને રવાડે ચઢાવનાર જાહેરાતો વધી, કંપનીઓની સ્કીમો વધી, લોન આપનારાઓના રાફડા ફાટ્યા અને સરવાળે કાર લેવાનો આનંદ બાજુ પર રહ્યો, કઈ લેવી એની મુંઝવણ વધી ગઈ ! આજે દરેક નાની-મોટી પસંદગી બાબતે ટીનેજર્સ મુંઝાય છે. તમે કહેશો વિકલ્પો તો બધી બાબતે વધ્યા છે, બધી વયના લોકો મૂંઝાઈ શકે એમ છે. વાત સાચી છે પરંતુ બીજી ઉંમરના લોકોને પરિપક્વતા અને અનુભવ બંને વત્તે-ઓછે અંશે મદદરૂપ થાય છે જયારે ટીનેજર્સને આ બંનેનો અભાવ તો નડે જ છે પરંતુ સાથે સાથે દરેક વસ્તુની ઘેલછા પણ નડે છે.
બીજી બાજુ નિરાશા વધી કારણ કે હવે બધાને બધું ઉપલબ્ધ છે, કાળી મજુરી કરીને અઠ્ઠાણું ટકા લાવનારની બાજુમાં સીટ મેનેજ કરીને પિસ્તાલીસ ટકાવાળો બેઠેલો હોય ! અઠ્ઠાણું ટકાવાળો પોતે કરેલી મહેનતને લઈને નિરાશ થાય અને પિસ્તાલીસવાળાને એનું સાચું મહત્વ ક્યારેય ના સમજાય, સરવાળે એ વ્યર્થ-બોરિંગ લાગે. હવે તો માહોલ એવો થયો છે કે છોકરાને મહેનત કરીને માર્ક્સ લાવવાનું કહેતા મા-બાપ પ્રત્યે છોકરાઓને એક છુપી નિરાશા થવા માંડી છે કે મારા મા-બાપ મારા એડમિશન પાછળ પૈસા ખર્ચી શકે એમ નથી એટલે મારી પાસે મહેનત કરાવે છે !! જેટલી હદે પ્રોફેશનલ કોર્સમાં સીટો વધી અને એડમીશનની સરળતા વધી એટલી હદે નોકરી-ધંધાની તકો નથી વધી, પરિણામે નિરાશા. ડિગ્રીઓની લ્હાણી અને ઉંચી ઉંચી અપેક્ષાઓના માહોલમાં નિરાશાઓ તો વધવાની જ ! આ ઉપરાંત કોઈપણ બાબત,વસ્તુ,પ્રવૃત્તિ કે ઉપલબ્ધિથી જલદી કંટાળી જનારી આ પેઢી હતાશ-નિરાશ ના થાય તો જ નવાઈ ! રહી-સહી કસર સોશિઅલ નેટવર્કિંગ અને મેસેન્જરોએ પુરી કરી નાખી. ઘણાં મનોવૈજ્ઞાનિક અભ્યાસોએ તારણ કાઢ્યા છે કે આ નેટવર્કિંગ થકી અન્યના જીવનમાં ડોકિયા કરીને સરવાળે દુઃખી અને નિરાશ થનારાની સંખ્યા વધી છે !
તેમની આ મન:સ્થિતિ સમજીને જ તેમની સાથે વ્યવહાર કરવો પડશે. આ ઉંમરમાં થતાં અંત:સ્ત્રાવોના ફેરફારોની સાથે સાથે આ મુંઝવણ અને નિરાશા તેમનામાં ઉશ્કેરાટ જન્માવે છે. નાની નાની બાબતોમાં પણ તેમના મગજનો પારો તપેલો જ રહે છે, મમ્મી જોડે તો અફડા-તફડીનો માહોલ જામેલો જ રહે અને પપ્પાની સામે કંઈ બોલી ના શકાય એટલે છુપો આક્રોશ; પણ સરવાળે વાતાવરણ ક્યારે તંગ થઈને ઉગ્રતા પકડી લે તે કહેવાય નહી. નિરાશ કે ફ્રસ્ટ્રેટેડ વ્યક્તિને સૌથી વધુ ગુસ્સો કોઈ એને સલાહો આપે ત્યારે આવતો હોય છે અને બીજી બાજુ આપણે મુંઝાયેલી વ્યક્તિઓને સલાહો આપવાનું વલણ ધરાવતા હોઈએ છીએ એટલે સામસામી આવી જવાનું થાય તે સહજ છે. ટીનેજર્સને સલાહો આપવી એ પણ એક કળા છે જેમાં તમારી ધીરજની અગ્નિપરીક્ષા થતી હોય છે. એમને કંઈપણ સલાહ આપતા પહેલાં ખુબ શાંતિથી જો એમને તમે સાંભળી શકો તો તમારું અડધું કામ તો ત્યાં જ પૂરું થઇ જાય છે. ત્યાર પછી પણ લાંબી લાંબી અને એકની એક સલાહો આપવાનું ટાળો. ભલે ના સાંભળવાનો ડોળ કરતાં હોય પણ યાદ રાખો તમારી નાનામાં નાની વાતો એ સાંભળે છે પરંતુ જયારે તમે લાંબા લાંબા ભાષણો આપો છો અને એકની એક વાતો કરો છો ત્યારે તે તમારા તરફ દુર્લક્ષ સેવે છે, તો ક્યારેક બળવાખોરી ઉપર ઉતરી આવે છે. તેમને માત્ર ટૂંકી સલાહ આપો અને એક જ વાર આપો. જો એ ધ્યાન પર ના લે તો ફરી મોકો મળે ત્યારે એમનું ધ્યાન દોરો (દા.ત. ‘આપણે આ વાત થઇ ગઈ છે પણ તારું ફરી એના પર ધ્યાન દોરું છું’). યાદ રાખો આ લાંબા લાંબા પત્રો લખતું નહી પણ એસ એમ એસ સમજતું જનરેશન છે માટે તમારી સલાહો પણ શોર્ટ રાખો, વધુ અસરકારક સંવાદ સાધી શકાશે !

પૂર્ણવિરામ
જે વાત એક શબ્દમાં પતી જતી હોય ત્યાં વાક્ય વાપરવાની ભૂલ ના કરનાર; ટીનેજર્સ સાથે સૌથી અસરકારક સંવાદ સાધી શકે છે !

2 Comments Add yours

  1. Arvind Patel says:

    Thans for good blog. This will help to change behaviour of wife by sending your blog through SMS.

  2. yatin says:

    very true sir..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s