જયારે તમને તમારાથી ઉંમરમાં નાના વ્યક્તિઓના શબ્દો અજાણ્યા કે નવા લાગવા માંડે ત્યારે સમજવું કે તમે ઉંમરનો એક વધુ તબક્કો પસાર કરી લીધો

ટીનેજર્સની અધીરાઇ, આવેગશીલતા, પોતાના તરફ અન્યનું સતત ધ્યાન ખેંચવાની વૃત્તિ, દરેક નાની-મોટી વાતમાંથી મઝા મેળવવાની વૃત્તિ, ગજા બહારની વાતો કરવાની વૃત્તિ વગેરે વિશે આપણે વાતો કરી. તમારા ટીનેજર્સ સંતાનો સાથે સ્વસ્થ સંવાદ સાધવા તમારે આ બધી જ લાક્ષણીકતાઓનું ધ્યાન રાખવું પડે એમ છે અને તો જ તમે તેની સાથેનું તમારું વૈચારિક અંતર ઘટાડી શકો એમ છો. હજી આ લાક્ષણીકતાઓમાં ઘણી વાતોની ચર્ચા બાકી છે, ચાલો આગળ વધીએ.

દરેક ઉંમરનું અને દરેક જમાનાનું એક શબ્દ-ભંડોળ હોય છે. જયારે તમને તમારાથી ઉંમરમાં નાના વ્યક્તિઓના શબ્દો અજાણ્યા કે નવા લાગવા માંડે ત્યારે સમજવું કે તમે ઉંમરનો એક વધુ તબક્કો પસાર કરી લીધો, એ તબક્કો પછી પાંચ વર્ષનો હોય કે પચ્ચીસ વર્ષનો તે તમારી જમાના સાથે ચાલવાની માનસિકતા કેવી છે તેના ઉપર આધારિત છે ! એક પેઢી જેને માટે ‘લોહી પી ગયો’ કહેતી હતી તેને માટે તેના પછીની પેઢીઓ ‘માથું ખાઈ ગયો’, ‘ત્રાસ ફેલાવી ગયો’, ‘નસ ખેંચી ગયો’, ‘ટેન્સન આપી ગયો’, ‘લોડ આપી ગયો’ વગેરે તબક્કામાંથી પસાર થઈને હવે ‘સક્સ’ સુધી પહોંચી ગઈ છે ! હવે તમે વિચારો કે ‘સક્સ’ જેના શબ્દ ભંડોળમાં છે તેને ‘લોહી પી ગયો’ બોલતા શીખવી શકાય ? એ તરત જ વિરોધ કરશે ‘ઈટ્સ નોટ કુલ’! કડવી લાગે તો કડવી પણ આ વાસ્તવિકતા છે અને તે માત્ર શબ્દભંડોળ પૂરતી સીમિત નથી પરંતુ તેમની સાથેના વ્યવહારની દરેક બાબતને સ્પર્શે છે. કિશોરો સાથેના દરેક નાના-મોટા વ્યવહારોમાં આ બાબત હંમેશા યાદ રાખવી પડશે. “અમે તમારા જેટલા હતાં ત્યારે…”થી શરુ થતી કોઈપણ બાબત બોલતા પહેલાં પાંચવાર વિચાર કરવો પડશે નહિંતર વાત શરુ કરતાં જ તે સામે ઉભા હોવા છતાં’ય તેમની સાથેનો સંપર્ક કપાઈ જશે.

‘અમે ભણવા બેસતા ત્યારે અમારા માં-બાપ રેડીઓ તો ઠીક, અમને ડીસ્ટર્બ ના થાય એટલા માટે એકબીજાં સાથે વાતો પણ બંધ કરી દેતા’! હવે આજે આવા સંદર્ભો ટંકાય ?!! આજે મોટાભાગના ટીનેજર્સ એકસાથે અનેક કામ કરવાની વૃતિ(મલ્ટી-ટાસ્કિંગ) ધરાવે છે. ભણતાં હોય ત્યારે ચોપડી ખુલ્લી, લેપટોપ ચાલુ, ટીવી કે મ્યુઝીક ચાલુ અને વચ્ચે વચ્ચે મોબાઈલમાં ડોકિયા તો ખરા જ. મઝાની વાત એ છે કે પાછું બધામાં શું ચાલે છે એ’ય ખબર હોય! તમને ગળે ઉતરે કે ના ઉતરે પણ ‘મલ્ટી-ટાસ્કિંગ’ આજના કિશોરોની લાક્ષણિકતા છે અને એ માટેની તેમની દલીલ પણ છે કે એમાં ખોટું શું છે? એકસાથે અમે ઘણી વસ્તુઓ કરી શકીએ તો ‘ધેટસ્ રિઅલી કુલ’! ઉપરછલ્લી રીતે તેમની વાત સાવ સાચી છે પરંતુ ત્રણ મુશ્કેલી છે. એક, તમને માનસિક થાક ઝડપથી લાગે. બીજું, તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ (કોન્શનટ્રેશન) નબળી પડી જાય અને ત્રીજું, બધી પ્રવૃતિઓથી જલદી કંટાળી જવાય. રોજ નવા નવા આવતા ગેજેટ્સ અને બધી વાતે મઝા લેવાની વૃત્તિ આ મલ્ટી-ટાસ્કિંગની જનેતા છે. અને હવે તો સમવયસ્કોને જોઈ જોઈને શીખતા જવાય એવો માહોલ ક્યારનો’ય રચાઈ ચુક્યો છે. નાનપણથીજ સંતાનને આ માટે અટકાવવું પડે અને એક સમયે એક જ પ્રવૃત્તિ કરવાની ટેવ પાડવી પડે. કમનસીબે, આપણે જ સંતાન ટીવી જોવામાં ઓતપ્રોત હોય અને બીજી બાજુ કોળિયા ભરાવતા હોઈએ તેવી આદત પાડીએ છીએ અને પોષીએ પણ છીએ !

કિશોરાવસ્થાના વર્ષો કારકિર્દી માટે પાયાના વર્ષો છે અને આ સમયે તેમનું ગેજેટ્સ માટેનું વળગણ સ્વાભાવિક રીતે જ કોઈપણ માતા-પિતાને ચિંતા, મુંઝવણ અને અકળામણ ઉભું કરનારું છે. હવે કોઈપણ રીતે તેમને આ ગેજેટ્સથી દૂર રાખી શકાય તેમ નથી. કેટલાક મા-બાપો તેમના સંતાનોને આવા ગેજેટ્સ (જેમાં મોબાઈલ મુખ્ય છે) કોઈપણ પ્રકારની માથાકૂટ વગર અપાવી દે છે તો બીજા કેટલાકે ઈચ્છા-અનિચ્છાએ સંતાનની જીદને વશ થઈને અપાવવા પડે છે. જે મા-બાપો સંતાનને કડકાઈથી અપાવવાની ના પાડે છે ત્યાં અવાર-નવાર તે મુદ્દે લોહી ઉકાળા થાય છે અને ક્યારેક સંતાનો મા-બાપથી છાના મોબાઈલ મેનેજ કરી લે છે ! આ આખી વાતનો સાર એટલો કે હવે આ વાત તમારા હાથમાં રહી જ નથી. બહુ બહુ તો તમે જે તે ગેજેટ્સ અપાવો તે પહેલાં તેના ઉપયોગની શિસ્ત નક્કી કરી લો અને તે પણ લેખિતમાં, સાથે સાથે એ પણ નક્કી કરો કે એ શિસ્ત જાળવવામાં જો એ નિષ્ફળ જાય તો તમારે શું કરવાનું અને સૌથી અગત્યનું તેનો કડકાઈથી અમલ કરાવવો પડે. જો એકવાર તમે એ કરવામાં નિષ્ફળ જાવ તો એ વાત કાયમ માટે તમારા હાથમાંથી નીકળી જશે.

‘બધાની પાસે છે’ આ એક સંતાનો દ્વારા કોઈપણ વસ્તુ ખરીદવા માટેની એક ખતરનાક દલીલ છે. ખતરનાક એટલા માટે કે તમે એમાંથી બચી શકો એની શક્યતાઓ બહુ ઓછી છે કારણકે અત્યાર સુધી તમે જ બીજાના સંતાનોના ઉદાહરણો તેમને પ્રોત્સાહિત કરવાના ઈરાદાઓથી ડગલેને પગલે આપ્યા છે. બીજા મા-બાપો અપાવે છે અને તમે નથી અપાવતા એ વાત પચાવવી તમારા માટે પણ અઘરી બની જાય છે, તો કેટલાક કિસ્સામાં તમે પણ દેખાદેખી કરી બેસો છો – તમે તમારા સંતાનની નજરમાં સારા બનવા અનિચ્છાએ ઢસડાવ છો. જો તમે તેમ નથી કરતાં તો તમારી અને તમારા સંતાન વચ્ચે એક વૈમનસ્ય ઉભું થાય છે. આ દલીલ સામે તમારે દ્રઢતાપૂર્વક ઉભા રહેવું પડશે અને તમારો નિર્ણય તટસ્થતાથી લેવો પડશે.

પૂર્ણવિરામ

સંતાનને મોબાઈલ અપાવતા પહેલાં એક લેખિત બાહેંધરી લો કે રાત્રે દસથી સવારના છ સુધી મોબાઈલ તમારી પાસે રહેશે.

સંતાન કહેશે – નથી જોઈતો મોબાઈલ….

Image

3 Comments Add yours

  1. J. D. Parmar says:

    બહુ સ્રરસ અને આજની યુવા પેઢીને તેમજ માતા પીતા ને ધ્યાનમા લેવા જેવી વાત છે …વાહ.

  2. dr rakesh patel says:

    excellent sir……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s