કિશોરાવસ્થામાં પિત્તો સાતમાં આસમાને જ હોય છે બસ એમને ક્યાંક રોકો, ટોકો કે ના પાડો એટલી જ વાર !

આપણે છેલ્લાં કેટલાક સપ્તાહોથી આજના ટીનેજર્સની લાક્ષણીકતાઓની અને તેને ધ્યાનમાં રાખીને તેમની જોડે સંવાદ કેવીરીતે સાધવો તેની વાત કરી રહ્યા છીએ. આજના કિશોરોમાં અધીરાઇ અને આવેગશીલતા ઉડીને આંખે વળગે તેવી છે, તેની સાથે સાથે આજના કિશોરોને પોતાના તરફ અન્યનું સતત ધ્યાન ખેંચવું છે (એટેન્શન સીકિંગ) અને એમને દરેક નાની-મોટી વાતમાંથી મઝા જોઈએ છે (સેન્શેશન સીકિંગ) તે વાતો આપણે કરી.
કિશોરાવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં દરેક ના ગમતી બાબતને જડમુળમાંથી બદલી નાખવાના ઉભરા દિવસમાં દસવાર આવે – ‘સિસ્ટમ બદલી નાખો’, ‘સમાજ-રીત-રસમ બદલી નાખો’, ‘માનસિકતા બદલી નાખો’ વગેરે; પણ જેમ ઉમરમાં આગળ વધતા જાય, પરિપક્વતા આવે ત્યાં ખબર પડે કે બીજું બધું તો ઠીક પોતાના જુના કપડાં બદલી શકાયને તો પણ ઘણું ! મોટી મોટી ગજા બહારની વાતો કરવી એ આ ઉમરનો તકાજો છે. પિતા મારુતી માંડ ફેરવતા હોય ત્યારે વાતો બીએમડબલ્યુની કરવાની ! દરેક વસ્તુમાં ‘બ્રાન્ડ’ સિવાયની વાત કરવી એ પણ જાણે પોતાની શાનની વિરુદ્ધમાં હોય તેવો અભિગમ રાખવાનો અને ગમે તે રીતે જીદ કરીને પણ એમાં સમાધાન નહી કરવાનું. મજાની વાત એ છે કે સામેનાના ટી-શર્ટનો રંગ કયો હતો એ યાદ રહે કે ના રહે પણ એના ઉપર ટચુકડો લોગો કઈ બ્રાન્ડનો હતો એ ઊંઘમાંથી ઉઠાડીને પૂછોને તો’ય યાદ હોય ! ટીવી-મીડિયા-જાહેરાતોએ આ લોકોના મગજ ઉપર એટલી હદે પકડ જમાવી છે કે તેમને દરેક ચીજમાં બ્રાન્ડનું વળગણ છે, એ પછી કપડાં હોય, જુતા હોય, ઘડિયાળ હોય કે મોબાઈલ હોય !
હમણાં તાજો જ એક દાખલો આપું. એક પિતાએ પુત્રને ઘડિયાળ અપાવવાનું નક્કી કર્યું. પહેલો જ ડખો ઘડિયાળ ક્યાંથી ખરીદવી એમાં પડ્યો. પિતાએ નજદીકમાં આવેલી કોઈ ઘડિયાળની દુકાનમાં જવાની વાત કરી, કિશોરે તરત જ કહ્યું ‘એવી ફાલતું જગ્યાએથી ઘડિયાળ અપાવવી હોય તો મારે નથી જોઈતી ! ઘડિયાળ તો ફલાણી (જાહેરાતોના જોરે હાઈ-ફાઈ જગ્યાનું સ્ટેટસ બનાવી બેઠેલ) દુકાનેથી જ લેવાય’. અભિગમ જુઓ, ઘડિયાળ તમારે અપાવવી છે (મારે લેવી નથી!), બાકી લેવી હું કહીશ એ જગ્યાએથી પડશે ! પિતાને તો અપાવવાની જાણે ગરજ હતી એટલે કિશોરની ઈચ્છા મુજબની દુકાનમાં ગયા. પેલા કિશોરે જુદી જુદી બ્રાન્ડના નામ આપીને ઘડિયાળો જોવા માંડી, બાપા બાઘા બનીને નામો ગોખે ત્યાં સુધીમાં કિશોરે તેની પસંદગી પુરી કરી નાખી. ઘડિયાળની કિંમત સાંભળીને તો બાપના મગજમાં એક ચીસ પડી ગઈ, પોતાના આખા કુટુંબની કુલ ઘડિયાળોની કિંમત કરતાં’ય વધુ કિંમત એક ઘડિયાળની ?! ‘ફલાણી બ્રાન્ડ છે, કોઈ ફાલતું ઘડિયાળ નથી. મારા ક્લાસમાં ત્રણ છોકરાઓ પાસે છે’ કિશોરે દલીલ કરી. ત્યાં ધીમે ધીમે દબાયેલા અવાજે પિતા-પુત્ર વચ્ચે રકઝક ચાલી અને સરવાળે પિતાને તો એ કિંમત પરવડે એવી જ નહતી એટલે ખરીદ્યા વગર જ ઘરે પાછા ફરવું પડ્યું. ઘરે તો પછી ધમસાણ નક્કી જ હતું કારણ કે કિશોરાવસ્થામાં પિત્તો સાતમાં આસમાને જ હોય છે બસ એમને ક્યાંક રોકો, ટોકો કે ના પાડો એટલી જ વાર ! પુત્ર જીદ પર આવી ગયો કે ઘડિયાળ નહી તો સ્કુલ નહી અને સરવાળે વાત મારા કન્સલ્ટિંગ રૂમ સુધી આવી ગઈ.
આ અવસ્થા જ એવી છે કે જેમની પાસે છે (અથવા એમ કહોને કે જેમના મા-બાપને પરવડે છે, પોતાના સંતાનની જીદ પુરી કરવી એ જેમનો સ્વભાવ કે મજબુરી છે) એ દેખાડો કરે છે, પોતાની હેસિયતની વાતો બઢાવી-ચઢાવીને કરે છે, અન્યની ઓકાત શું છે તેની પર ટીપ્પણીઓ કરે છે અને સરવાળે આખી કિશોરપેઢી આ માનસિકતામાં ઢસડાય છે. કિશોરો અને મા-બાપો વચ્ચે થતાં રોજીંદા ઘર્ષણોમાં આ માનસિકતા અગત્યનો ભાગ ભજવે છે. જે સંતાનો સમજે છે કે આવી બ્રાન્ડો એમને પરવડે એવી નથી એ અંદરખાને લઘુતાગ્રંથી અનુભવે છે અને કેટલાક નાની-મોટી ગુનાખોરીના રવાડે પણ ચઢે છે !
‘પૈસાની કિંમત’ ઉપર લાંબા લાંબા ભાષણો આપવાથી તેમની આ માનસિકતા નહી બદલી શકાય તે દરેક મા-બાપે સમજી લેવું પડશે કારણ કે કોઈને’ય જાતે પૈસો કમાયા વગર એની સાચી કિંમત સમજાતી નથી. તમારે તમારા સંતાનની કઈ માંગણી પુરી કરવી અને કઈ ના કરવી તેનો આધાર તમારી ખર્ચ ક્ષમતા ઉપર રાખવો જરૂરી છે પરંતુ કમનસીબે મોટાભાગના માતા-પિતાઓ દેખાદેખી, પોતાના સંતાનની જીદ અને દબાણ, સંતાનને આપવાના સમયની અવેજી વગેરેના આધારે આ બાબતના નિર્ણય લેતા હોય છે. તેમના બ્રાન્ડના વળગણને આ અવસ્થાના સ્વભાવ તરીકે સ્વીકારો, સાથે સાથે તમારી ખર્ચશક્તિ શું છે તેની પણ સાવ સાચી હકીકતો એમની સમક્ષ જ્યારે જ્યારે તક મળે ત્યારે ચર્ચા કરો. એમની ગજા બહારની વાતો કે માંગણીઓથી અકળાવાની જરૂર નથી પરંતુ દ્રઢતાથી તમને શું પોષાય છે તેને વળગી રહેવાની જરૂર છે. કિશોરાવસ્થા વટાવતાં જ ધીરે ધીરે મોટાભાગના યુવાનો પૈસા ગણતા થઇ જ જાય છે અને ગજા બહારની વાતો છોડીને જમીન ઉપર આવી જાય છે.

4 Comments Add yours

 1. Anand Rajpara says:

  Sir, belated wishes for your Birthday. આપનું તારણ એકદમ સચોટ છે.

 2. Dr.Bipin Prajapati says:

  કાયમ મને એવુ જ લાગ્યા કરે છે કે મારા દરેક વિચારો અને અનુભવો તમે રજુ કરી રહ્યા છો.. જેટલુ સચોટ એટલું જ હ્રદય્સ્પર્શી …..

 3. dr rakesh patel says:

  xcellent sir…..u r right…in urban area this is a definate problem but now in rular area d same situation occur……thanks sir for analysis…

 4. Devvrat Desai says:

  ડોક્ટર સાહેબ તમારું લખાણ અદભૂત અને સચોટ છે ……મને બહુ ગમ્યું .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s