RSS

પોતાને કોઈ ફરક નથી પડતો તેવું વલણ બતાવતા રહેતાં કિશોરો અંદરખાને અન્ય દ્વારા પોતાની સતત સ્વીકૃતિ ઇચ્છતા રહે છે !

13 Sep

આજના કિશોરોની લાક્ષણીકતાઓની આપણે વાત કરતાં હતાં. આજના કિશોરોમાં અધીરાઇ અને આવેગશીલતા ઉડીને આંખે વળગે તેવી છે, તેની સાથે સાથે આજના કિશોરોને પોતાના તરફ અન્યનું સતત ધ્યાન ખેંચવું છે (એટેન્શન સીકિંગ) અને એમને દરેક નાની-મોટી વાતમાંથી મઝા જોઈએ છે (સેન્શેશન સીકિંગ).
જે લોકો એવું કહેતા ફરતા હોય છે કે ‘મને કોઈની પડી નથી’, ‘કોઈની પરવા નથી’, ‘કોઈ ફરક નથી પડતો’- વાસ્તવમાં તેમને સામાન્ય કરતાં લોકોની વધુ પડી હોય છે, પોતાના માટે અન્ય શું વિચારે છે તેની વધુ પરવા હોય છે અને તેમને અન્યના વ્યવહારો-પ્રતિભાવોથી બહુ ફરક પડતો હોય છે ! મોટાભાગના કિશોરોનું પણ આવું જ વલણ હોય છે, હા; કદાચ મા-બાપની પરવા નહી હોય (આ ઉંમર પૂરતી જ, બાકી પરિપક્વતા અને વધતી ઉંમર સાથે આ લાગણીઓ પાછી વળે છે) પરંતુ પોતાના મિત્રો, સમવયસ્કો, બહારની વ્યક્તિઓ વગેરેના અભિપ્રાયો અંગે પહેલાની પેઢી હતી તેના કરતાં અનેકગણી સંવેદનશીલ આ પેઢી છે ! એમનો એટીટ્યુડ ગમે તે હોય પણ અંદરખાને મોટાભાગના કિશોરો અન્ય દ્વારા પોતાના વિચારોની સતત સ્વીકૃતિ ઇચ્છતા રહે છે. એટીટ્યુડ એવો કે ફેસબુકની વોલ પર સ્ટેટસ મૂકે કે ‘જમાના હમ સે હૈ, હમ જમાને સે નહિં’ અને પછી વારંવાર જોયા કરે કે જમાનામાંથી ‘લાઈક’ કેટલી અને કોની કોની આવી?!! ખરેખર તો આ ઉંમર એવી છે કે જેમાં તેમના સુખ-દુઃખનો આધાર જ તેમની સ્વીકૃતિ કેટલી છે એની ઉપર હોય છે અને આ સ્વીકૃતિ મેળવવા; અન્યનું ધ્યાન પોતાના તરફ ખેંચાય એ માટે તે કંઈ પણ કરતાં અચકાતાં નથી ! જેટલી ધ્યાન ખેંચવાની ભુખ મોટી તેટલી વર્તનની સમસ્યા મોટી. ભુખ ખાલી ફેસબુક પરની ‘લાઈક’ જેટલી હોય તો ‘લાઈક’ ના મળતા ધૂંધવાયેલા રહે પણ ભુખ સેલીબ્રીટી જેવું આકર્ષણ જમાવવાની હોય તો ‘બાઈકર ગેંગ’ના સભ્ય પણ થવું પડે કે અગત્યની સાઈટનું ‘હેકિંગ’ પણ કરવું પડે !
કિશોરોની આવી ધ્યાન ખેંચવાની વૃતિ પાછળ કંઇક અંશે તેમની આ ઉંમર જવાબદાર છે પરંતુ એ વૃતિઓ વકરી જાય તેટલી હદે પહોંચાડવા પાછળ મા-બાપો અને વાતાવરણ પણ એટલા જ જવાબદાર હોય છે. ક્યાંક સાંભળ્યું હોય, વાંચ્યું હોય અથવા કોઈ ‘પેરેન્ટિંગ ગુરુ’એ શીખવાડ્યું હોય કે ‘બાળકોને પ્રોત્સાહિત કરવા’ એટલે પછી બાળક કંઈપણ કરે, જે નોંધપાત્ર ના હોય કે એટલું વખાણવા લાયક ના હોય તો પણ એની ‘વાહ-વાહ’ કરવી અને અન્યો પાસે ધરાર કરાવવી. સરવાળે બાળકને દરેક બાબતમાં લોકોનું ધ્યાન ખેંચવાની, દાદ અને સ્વીકૃતિ મેળવવાની ટેવ પડી જાય. પોતાની દરેક નાની નાની બાબતો બધાની નજરમાં આવે, સ્વીકૃતિ અને વખાણ પામે તેવી અપેક્ષાઓ તેના મનમાં અજાગ્રત સ્તરે સતત આકાર પામતી રહે. આજુબાજુનું વાતાવરણ આ વૃતિમાં અધૂરી રહી ગયેલી કસર પુરી કરી કાઢે, પોતાના સમવયસ્કોને તેમની બાબતોની સ્વીકૃતિ કે વખાણ મળે તો પોતે કંઈ કમ નથી જ અને પોતાને પણ યેન-કેન-પ્રકારેણ એ મળવી જ જોઈએ તેવા વિચારે રઘવાયા થઇ જતા ઘણાં કિશોરો છે. કેટલાક કિસ્સાઓમાં તો આ અન્યનું ધ્યાન ખેંચવાની વૃતિ એટલી પ્રબળ બની જતી હોય છે કે એના માટે તે અન્યને કે પોતાની જાતને નુકસાન કરતાં પણ અચકાતાં નથી. નિર્દોષ લોકોને રંજાડતા, જાહેર કે ખાનગી મિલકતોને નુકશાન કરતાં, રસ્તા વચ્ચે તમાશો ઉભો કરતાં, પોતાના હાથની નસો કાપી નાખતા વગેરે આ વૃતિને પોષતા રોજીંદા જીવનમાં જોવા મળતા નકારાત્મક વર્તનના ઉદાહરણો છે. તો સામે બોડી-બિલ્ડીંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, દેખાડો કરવા બ્રાન્ડનું વળગણ વગેરે તેના સકારાત્મક કહી શકાય તેવા ઉદાહરણો છે.
કિશોરાવસ્થામાં પોતાનું આગવું મહત્વ સ્થપાય, પોતાના વિચારો-અભિપ્રાયોને સ્વીકૃતિ પ્રાપ્ત થાય, પોતે સૌના આકર્ષણનું કેન્દ્ર બને વગેરે ઇચ્છાઓ થવી સહજ છે. પરંતુ, સાથે સાથે દરેક વખતે આમ ના પણ બને, અન્ય કોઈની અગત્યતા કે સિદ્ધિઓને આપણા કરતાં વધુ પ્રાધાન્ય મળી શકે, આપણી દરેક બાબતો વખાણવાલાયક ના પણ હોઈ શકે, આપણી નાની-મોટી બધી બાબતોની નોંધ બધા લગતા-વળગતા ના પણ લે વગેરે વાતો માતા-પિતા કે વડીલ કુટુંબીજનોએ નાનપણથી જ અવાર-નવાર પ્રસંગોપાત સમજાવતા રહેવું પડે. બાળકને નાનપણથી આકર્ષણ ઉત્પન્ન કર્યા વગર એક સામાન્ય બાળક તરીકે રહેવાની પણ આદત પાડવી પડે ! અફ્સોસ, અહીં તો બિલકુલ ઉલટું છે – બાળકો મા-બાપની હરીફાઈઓના સાધન છે. જયારે ભેગા થાય ત્યારે એકબીજાં પોતપોતાના સંતાનોની પ્રવૃતિઓ-નાની નાની સિદ્ધિઓ ગાવામાં વ્યસ્ત છે અને નાનું બાળક આ જોતા જોતા મોટું થતું જાય છે, ઈચ્છા-અનિચ્છાએ આ પ્રવૃતિઓનો ભાગ બને છે અને જયારે કિશોરાવસ્થામાં અંત:સ્ત્રાવોનું બળ પ્રાપ્ત થાય ત્યારે વકરે છે.
આ ઉપરાંત તમારા કિશોરવયના બાળકોમાં આ વૃતિ સીમિત રાખવા માટે તેમના વિચારો-અભિપ્રાયોને વ્યક્ત કરવાની તક આપો, તેમને તોડી ના પડો અને તે પરિવારના મહત્વના સભ્ય છે તેવો વિશ્વાસ તેમનામાં જગાવો. મિત્રોમાં કે સમાજમાં મહત્વના બનવા માટે પોતાનો દરેક સ્તરે વિકાસ કરતાં રહેવું જરૂરી છે અને સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો એ બાબતો પ્રસંગોપાત સમજાવતા રહેવું પડે, તે પણ માત્ર ઉપદેશથી નહી તમારા પોતાના વર્તન-વ્યવહારથી પણ !

પૂર્ણવિરામ
બાળઉછેર અંગે એક વિચારકની માર્મિક વાત –
એક સમયે મારી પાસે બાળઉછેરના છ નિયમો હતાં
આજે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી !

Advertisements
 
Leave a comment

Posted by on September 13, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: