લેપટોપમાં વેબ પેજ લોડ થાય એટલીવાર પણ ધીરજ ના રાખી શકતા ટીનેજર્સને ધીરજના પાઠ પઢાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે !

મા-બાપ કોઈપણ યુગના હોય, સંતાનના ઘડતર અંગે હંમેશા ચિંતિત રહ્યા છે. આજે સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચિંતાઓ પણ ! ચિંતા માબાપને છે એટલે સમજ કેળવવાની પહેલ પણ માબાપે જ કરવી પડશે, બાકી સંતાનને તમારી સમજમાં રસ નથી એને તો તમે એને જે કરવું છે તે બેરોકટોક કરવા દો એટલે બધું મઝાનું જ છે! આજના આ કિશોરોને સમજવા તેમની લાક્ષણીકતાઓ સમજવી પડશે. અલબત્ત, એક સ્પષ્ટતા ચોક્કસ કરવી છે કે અહીં જે વાતોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ વ્યવહારમાં મુકવી એટલી સરળ નથી પણ સાથે સાથે એ’ય કહેવું છે કે અશક્ય પણ નથી. તમે એ દિશામાં પ્રયત્નશીલ રહો તો ફાયદો જ થશે નુકસાનનો તો સવાલ જ નથી. હા, બહારનું વાતાવરણ, મીડિયા-ટેકનોલોજીની અસરો, કાયદો-વ્યવસ્થાની બીનઅસરકારકતા, સંગત વગેરેને કારણે ફાયદાની માત્રાની ખાત્રી આપી શકાય તેમ નથી પરંતુ સંતાન માટે આટલું તો ચોક્કસ કરી જ છૂટવું જોઈએ.
છેલ્લાં બે દાયકાથી મા-બાપો તેમના સંતાનને ખેંચીને શક્ય બને તેટલું બધું, તેટલું ઉત્તમ અને તેટલું તાત્કાલિક આપવા દિવસે દિવસે વધુને વધુ ઘેલા બનતા જાય છે. પોતે ના ભોગવ્યું હોય, પોતાને જેનો અભાવ નડ્યો હોય તે તમામ સગવડો સંતાનને આપવી તે દરેક મા-બાપની ઈચ્છા હોય તે સમજી શકાય તેવી વાત છે પરંતુ હું જે કહેવા માંગું છું એ તમે સૌ સમજો જ છો. એક પેન્સિલ માટે પંદર દિવસ ટુકડા ઘસતી કે લીક થતી પેનની સ્યાહી માથામાં ઘસતી પેઢીના સંતાનો પાસે આજે ડઝન પેન્સિલો કે વાપરીને ફેંકી દેવાની પેનોના ઢગલા છે અને તેમ છતાં’ય ‘બધા પાસે જે છે એ મારી પાસે નથી’ એવાં વાંધા છે ! મા-બાપની ઘેલછા સિવાયના પણ બીજા અસંખ્ય કારણો છે પરંતુ સરવાળે કમનસીબ પરિણામ એ આવ્યું છે કે ટીનેજર્સમાં કોઈપણ બાબતની ધીરજનો અભાવ જોવા મળે છે. એમને જે પણ જોઈએ છે, એમને જે પણ કરવું છે તે બસ હમણાંને હમણાં ! રાહ જોવાની તો વાત જ કોઈ કાળે ગળે ઉતરતી નથી. ક્યાંક તો મા-બાપ ઉપર દબાણ, ધમપછાડા, જીદ અને ક્યાંક તો પછી ચોરી, ફાંદાબાજી, સટ્ટાબાજી કે ગુનાખોરી !
એટલે સૌથી પહેલી વાત, કે જો આ ટીનેજર્સને સમજવા હશે તો તેમની અધીરાઈ સમજવી પડશે અને તેને કાબુમાં રાખતા-હેન્ડલ કરતાં શીખવું પડશે. અધીરાઈ હંમેશાથી કિશોરો અને યુવાનોનો સ્વભાવ રહ્યો છે તેની ના નહી પણ કદાચ આ ઉંમરના પ્રશ્નોમાં આ જ અધીરાઈએ મહત્વનો ભાગ ભજવ્યો છે. એક સમયે કાબુમાં રહેતી ટીનેજર્સની અધીરાઈ આજે મા-બાપોની ઘેલછા, સુખ-સગવડો-સાધનોનું વ્યાપારીકરણ, જાહેરાતો-મીડિયા, ટેકનોલોજી,નેટવર્કીંગ વગેરે અનેક કારણોસર હદ વટાવી ગઈ છે. મોજશોખ માટે ચોરીના રવાડે ચઢેલા, નાનકડી જરૂરીયાત તાત્કાલિક પુરી ના થતાં પંખે લટકી જતા કે દરેક બાબતમાં શોર્ટકટ શોધતા રહેતાં અનેક કિશોરો મારી વાતનું પ્રમાણ છે. લેપટોપમાં વેબ પેજ લોડ થાય એટલીવાર પણ ધીરજ ના રાખી શકતા આ સમુદાયને ધીરજના પાઠ પઢાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે પણ સૌ કોઈએ તેમની સાથેના કોઈપણ વ્યવહારમાં તેમની આ લાક્ષણિકતા ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવો પડશે. એમને જયારે શિક્ષા કરવાની થાય ત્યારે ધીરજ રાખવાની શિક્ષા કરવી પડશે ! દા.ત. હેલ્મેટ વગર સ્કુટર ચલાવતા કિશોરોને ૫૦ રૂપિયાના દંડ કરતાં ચાર રસ્તાની વચ્ચે કંઈપણ કર્યા વગર બે કલાક ઉભો રાખવાનો દંડ થાય તો એના મોતિયા મરી જાય, ખિસ્સાની કે પૈસાની ચરબી ઉતરી જાય અને ફરી હેલ્મેટ વગર નીકળતા પાંચવાર વિચારતો થાય ! પણ, કમનસીબે આવું થશે નહી કારણ કે મા-બાપો પોલીસો સાથે બાથમબાથી પર આવી જશે !! વિદ્યાર્થીઓમાં શિસ્ત પરત્વે શિક્ષકોનું ‘નરો વા કુંજરો વા’ મા-બાપના આવા વલણનું તો પરિણામ છે !
આવી જ એક બીજી લાક્ષણિકતા છે, આવેગશીલતા. આજના ટીનેજર્સ આવેગશીલ છે. અધીરાઇ આવેગશીલતાની જન્મદાતા છે. આવેગશીલ વ્યક્તિનું મગજ કામ પહેલાં કરે અને કામ કરી નાખ્યા પછી તેના પરિણામ કે અસરો વિશે વિચારે ! પરિણામ?! ખોટા નિર્ણયો, ખોટા કામોમાં સંડોવણી, ખોટા સંબંધો, ખોટી સંગતો અને સરવાળે બધું જ જ્ઞાન લાધે ત્યારે પસ્તાવો ! ઘણીવાર આત્મવિશ્વાસ તળિયે બેસી જાય તો ઘણીવાર જાત પ્રત્યેનો ગુસ્સો અન્ય કુટુંબીજનો, સમાજ, સિસ્ટમ કે નિર્દોષ વ્યક્તિઓ પર ઠલવાય. તેમને કોઈપણ કામ કરતાં પહેલાં તેના પરિણામ વિશેનું ચિંતન કરતાં શીખવવું પડે એમ છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તો મા-બાપો જ આવેગશીલ હોય છે ત્યાં સંતાનોને શું શીખવે?! સંતાનોને પરિણામ વિશે આગોતરું ચિંતન કરતાં શીખવવું હોય તો તમારામાં ધીરજ, પરિપક્વતા, આયોજનબધ્ધતા વગેરે હોવું જરૂરી છે. જયારે સંતાન આવેગશીલતા ઉપર કાબુ ધરાવતું થાય ત્યારે આપોઆપ ધીરજ રાખતા શીખે છે અને સરવાળે તમારી ઘણી ચિંતાઓ ઓછી થાય છે. (ક્રમશ:)

પૂર્ણવિરામ
અધીરાઇ એ માનસિક અશાંતિ, મુંઝવણ, અવિશ્વાસ અને અપરિપક્વતાની મીલીભગત છે !

4 Comments Add yours

 1. kavesh patel says:

  very trueeeeeeeeeeee!!!!!!!!! BUT SIR WHAT IS THE sOLUTION

  1. Keep reading future artcles 🙂

 2. Larsil Rekh says:

  Correct…!!!

 3. ખુબ જ સરસ વાત કહી .. ડોક્ટર સાહેબ. .
  તમે જે ઉપાયો બતાવ્યા એજ વધારે કારગત થતા હોય છે એવો મારો સ્વ અનુભવ છે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s