RSS

Monthly Archives: September 2012

કિશોરાવસ્થામાં પિત્તો સાતમાં આસમાને જ હોય છે બસ એમને ક્યાંક રોકો, ટોકો કે ના પાડો એટલી જ વાર !

આપણે છેલ્લાં કેટલાક સપ્તાહોથી આજના ટીનેજર્સની લાક્ષણીકતાઓની અને તેને ધ્યાનમાં રાખીને તેમની જોડે સંવાદ કેવીરીતે સાધવો તેની વાત કરી રહ્યા છીએ. આજના કિશોરોમાં અધીરાઇ અને આવેગશીલતા ઉડીને આંખે વળગે તેવી છે, તેની સાથે સાથે આજના કિશોરોને પોતાના તરફ અન્યનું સતત ધ્યાન ખેંચવું છે (એટેન્શન સીકિંગ) અને એમને દરેક નાની-મોટી વાતમાંથી મઝા જોઈએ છે (સેન્શેશન સીકિંગ) તે વાતો આપણે કરી.
કિશોરાવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં દરેક ના ગમતી બાબતને જડમુળમાંથી બદલી નાખવાના ઉભરા દિવસમાં દસવાર આવે – ‘સિસ્ટમ બદલી નાખો’, ‘સમાજ-રીત-રસમ બદલી નાખો’, ‘માનસિકતા બદલી નાખો’ વગેરે; પણ જેમ ઉમરમાં આગળ વધતા જાય, પરિપક્વતા આવે ત્યાં ખબર પડે કે બીજું બધું તો ઠીક પોતાના જુના કપડાં બદલી શકાયને તો પણ ઘણું ! મોટી મોટી ગજા બહારની વાતો કરવી એ આ ઉમરનો તકાજો છે. પિતા મારુતી માંડ ફેરવતા હોય ત્યારે વાતો બીએમડબલ્યુની કરવાની ! દરેક વસ્તુમાં ‘બ્રાન્ડ’ સિવાયની વાત કરવી એ પણ જાણે પોતાની શાનની વિરુદ્ધમાં હોય તેવો અભિગમ રાખવાનો અને ગમે તે રીતે જીદ કરીને પણ એમાં સમાધાન નહી કરવાનું. મજાની વાત એ છે કે સામેનાના ટી-શર્ટનો રંગ કયો હતો એ યાદ રહે કે ના રહે પણ એના ઉપર ટચુકડો લોગો કઈ બ્રાન્ડનો હતો એ ઊંઘમાંથી ઉઠાડીને પૂછોને તો’ય યાદ હોય ! ટીવી-મીડિયા-જાહેરાતોએ આ લોકોના મગજ ઉપર એટલી હદે પકડ જમાવી છે કે તેમને દરેક ચીજમાં બ્રાન્ડનું વળગણ છે, એ પછી કપડાં હોય, જુતા હોય, ઘડિયાળ હોય કે મોબાઈલ હોય !
હમણાં તાજો જ એક દાખલો આપું. એક પિતાએ પુત્રને ઘડિયાળ અપાવવાનું નક્કી કર્યું. પહેલો જ ડખો ઘડિયાળ ક્યાંથી ખરીદવી એમાં પડ્યો. પિતાએ નજદીકમાં આવેલી કોઈ ઘડિયાળની દુકાનમાં જવાની વાત કરી, કિશોરે તરત જ કહ્યું ‘એવી ફાલતું જગ્યાએથી ઘડિયાળ અપાવવી હોય તો મારે નથી જોઈતી ! ઘડિયાળ તો ફલાણી (જાહેરાતોના જોરે હાઈ-ફાઈ જગ્યાનું સ્ટેટસ બનાવી બેઠેલ) દુકાનેથી જ લેવાય’. અભિગમ જુઓ, ઘડિયાળ તમારે અપાવવી છે (મારે લેવી નથી!), બાકી લેવી હું કહીશ એ જગ્યાએથી પડશે ! પિતાને તો અપાવવાની જાણે ગરજ હતી એટલે કિશોરની ઈચ્છા મુજબની દુકાનમાં ગયા. પેલા કિશોરે જુદી જુદી બ્રાન્ડના નામ આપીને ઘડિયાળો જોવા માંડી, બાપા બાઘા બનીને નામો ગોખે ત્યાં સુધીમાં કિશોરે તેની પસંદગી પુરી કરી નાખી. ઘડિયાળની કિંમત સાંભળીને તો બાપના મગજમાં એક ચીસ પડી ગઈ, પોતાના આખા કુટુંબની કુલ ઘડિયાળોની કિંમત કરતાં’ય વધુ કિંમત એક ઘડિયાળની ?! ‘ફલાણી બ્રાન્ડ છે, કોઈ ફાલતું ઘડિયાળ નથી. મારા ક્લાસમાં ત્રણ છોકરાઓ પાસે છે’ કિશોરે દલીલ કરી. ત્યાં ધીમે ધીમે દબાયેલા અવાજે પિતા-પુત્ર વચ્ચે રકઝક ચાલી અને સરવાળે પિતાને તો એ કિંમત પરવડે એવી જ નહતી એટલે ખરીદ્યા વગર જ ઘરે પાછા ફરવું પડ્યું. ઘરે તો પછી ધમસાણ નક્કી જ હતું કારણ કે કિશોરાવસ્થામાં પિત્તો સાતમાં આસમાને જ હોય છે બસ એમને ક્યાંક રોકો, ટોકો કે ના પાડો એટલી જ વાર ! પુત્ર જીદ પર આવી ગયો કે ઘડિયાળ નહી તો સ્કુલ નહી અને સરવાળે વાત મારા કન્સલ્ટિંગ રૂમ સુધી આવી ગઈ.
આ અવસ્થા જ એવી છે કે જેમની પાસે છે (અથવા એમ કહોને કે જેમના મા-બાપને પરવડે છે, પોતાના સંતાનની જીદ પુરી કરવી એ જેમનો સ્વભાવ કે મજબુરી છે) એ દેખાડો કરે છે, પોતાની હેસિયતની વાતો બઢાવી-ચઢાવીને કરે છે, અન્યની ઓકાત શું છે તેની પર ટીપ્પણીઓ કરે છે અને સરવાળે આખી કિશોરપેઢી આ માનસિકતામાં ઢસડાય છે. કિશોરો અને મા-બાપો વચ્ચે થતાં રોજીંદા ઘર્ષણોમાં આ માનસિકતા અગત્યનો ભાગ ભજવે છે. જે સંતાનો સમજે છે કે આવી બ્રાન્ડો એમને પરવડે એવી નથી એ અંદરખાને લઘુતાગ્રંથી અનુભવે છે અને કેટલાક નાની-મોટી ગુનાખોરીના રવાડે પણ ચઢે છે !
‘પૈસાની કિંમત’ ઉપર લાંબા લાંબા ભાષણો આપવાથી તેમની આ માનસિકતા નહી બદલી શકાય તે દરેક મા-બાપે સમજી લેવું પડશે કારણ કે કોઈને’ય જાતે પૈસો કમાયા વગર એની સાચી કિંમત સમજાતી નથી. તમારે તમારા સંતાનની કઈ માંગણી પુરી કરવી અને કઈ ના કરવી તેનો આધાર તમારી ખર્ચ ક્ષમતા ઉપર રાખવો જરૂરી છે પરંતુ કમનસીબે મોટાભાગના માતા-પિતાઓ દેખાદેખી, પોતાના સંતાનની જીદ અને દબાણ, સંતાનને આપવાના સમયની અવેજી વગેરેના આધારે આ બાબતના નિર્ણય લેતા હોય છે. તેમના બ્રાન્ડના વળગણને આ અવસ્થાના સ્વભાવ તરીકે સ્વીકારો, સાથે સાથે તમારી ખર્ચશક્તિ શું છે તેની પણ સાવ સાચી હકીકતો એમની સમક્ષ જ્યારે જ્યારે તક મળે ત્યારે ચર્ચા કરો. એમની ગજા બહારની વાતો કે માંગણીઓથી અકળાવાની જરૂર નથી પરંતુ દ્રઢતાથી તમને શું પોષાય છે તેને વળગી રહેવાની જરૂર છે. કિશોરાવસ્થા વટાવતાં જ ધીરે ધીરે મોટાભાગના યુવાનો પૈસા ગણતા થઇ જ જાય છે અને ગજા બહારની વાતો છોડીને જમીન ઉપર આવી જાય છે.

 
4 Comments

Posted by on September 27, 2012 in Uncategorized

 

આજના કિશોરો વધુ ને વધુ ‘સેન્સેશન સીકિંગ’ બની રહ્યા છે. એમને દરેક વાતમાં મઝા જોઈએ છે. દરેક પોતાને ‘ફન લવીંગ’ તરીકે ગણાવે છે અને સતત ‘ફન’ મેળવવા ફાંફા મારે છે.

 

‘કંટાળો આવે છે’, ‘બોર થઇ ગયો’ વગેરે વાક્યો મેં સૌ પહેલાં જયારે સાઇકિઆટ્રીમાં દર્દીઓની હિસ્ટ્રી લેવાનું શરુ કર્યું ત્યારે સાંભળ્યા ! વિશ્વાસ કરજો, ત્યાં સુધી ‘કંટાળો’ કે ‘બોરડમ’ શું હોય તેની ખબર નહતી અને આ મારા એકલાની વાત નથી આજે જે જનરેશન ચાલીસીમાં છે એ બધાની વાત છે. એ જનરેશનની મોટાભાગની વ્યક્તિઓએ ‘કંટાળો’ શબ્દ જ પચ્ચીસ વર્ષની ઉંમર પછી અનુભવ્યો હશે. બનતું પણ એવું કે જે વ્યક્તિઓ અમારી પાસે આવીને ‘કંટાળો’, ‘બેચેની’, ‘નીરસતા’ કે ‘બોરડમ’ની ફરિયાદો કરતાં તેમની ઉંમર પણ ત્રીસ-પાંત્રીસ ઉપરની રહેતી. પણ, આજે માહોલ સાવ બદલાઈ ગયો છે, સાત-આઠ વર્ષના ટાબરિયાઓ આવીને તમને કહે કે ‘હું બોર થાઉં છું’, ‘શું કરું?! કંટાળો આવે છે’ ! જયારે હકીકત એ છે કે તેમની આગળની પેઢી પાસે હતી તેના કરતાં તેમની પાસે વધુ સવલતો, સાધનો અને પ્રવૃતિઓ છે !!

છેલ્લાં દસકામાં આપણા લોકોના માનસમાં અને એમાં’ય ખાસ કરીને આપણા બાળકોના માનસમાં જબરદસ્ત બદલાવો આવ્યા છે. આ પૈકી એક બદલાવ એ છે કે આજના બાળકો વધુ ને વધુ ‘સેન્સેશન સીકિંગ’ બની રહ્યા છે. એમને દરેક વાતમાં મઝા જોઈએ છે. દરેક પોતાને ‘ફન લવીંગ’ તરીકે ગણાવે છે અને સતત ‘ફન’ મેળવવા ફાંફા મારે છે. એમની આ વૃતિને કારણે એ કોઈપણ મઝા આપતી એકની એક પ્રવૃત્તિને વળગી નથી રહેતાં, નવી નવી મઝાઓ શોધવામાં; જે છે એનો પણ પુરો આનંદ ઉઠાવી નથી શકતા અથવા એનાથી જલદી ઉબાઈ જાય છે. સરવાળે, ‘બોર થઇ ગયો’ ! વિડીયો ગેમના ‘મારીઓ’ પરથી ગેમ બોય ઉપર, ગેમ-બોય પરથી પીએસપી, પીએસપીથી ટેબ્લેટ-મોબાઈલનો ‘ટેમ્પલ રન’ અને પછી ‘ઓનલાઈન પોકર’, એમાં’ય વચ્ચે વચ્ચે ફાર્મ-વિલે જેવા ફેસબુકિયા એપ્સ તો ખરા જ (જો તમને આમાંની એક પણ વાત ના ખબર પડી હોય તો તમે ઘરડા થઇ ગયા છો અને તમારું આ ઘડપણ દૂર કરવા મગજ દોડાવો..) !! મઝા આપતી પ્રવૃતિઓ ખૂટી જાય એટલી ઝડપે તેમની પસંદગીઓ બદલાતી રહે છે. દુનિયાભરના ધંધાદારીઓ આ જનરેશન માટે નવી નવી મઝાઓ શોધ્યા કરે છે, જાહેરાતો અને માર્કેટિંગ યુક્તિઓ દ્વારા એમના મગજો ઉપર કાબુ જમાવીને એમના મા-બાપોના ખિસ્સા ખાલી કરાવવાની ફાવટ આ લોકોને આવી ગઈ છે. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે ગમે તેટલો ખર્ચો કરીને એમને આપેલી મઝા (એ પછી ગેમ હોય, સાધન-સવલત હોય, પ્રવાસ હોય કે ગમે તે) લાંબો સમય તેમને મઝામાં રાખતી નથી !! તમે એક ‘મઝા’ આપીને માંડ શ્વાસ લીધો હોય ત્યાં બીજી ‘મઝા’ની માંગણીઓ ચાલુ અને એ ના મળે ત્યાં સુધી ‘બોર થઇ ગયાના ગીતો ચાલુ’!

હવે આવી માનસિકતાની વધુ ગંભીર બાબત આવે છે. કિશોરાવસ્થા સુધી તો એમની નવી મઝાઓનો આધાર તમારા ઉપર હતો પણ હવે મોટા થતાં એ જાતે તેમની મઝાઓ શોધતા થાય છે એટલે પ્રશ્નો વધુ વિકટ બને. ક્યારેક આ મઝાઓ નશો કે આદત બની જાય (ધુમ્રપાન, હુક્કા, દારૂ, પાર્ટીઓ, જુગાર, સટ્ટો, ઓનલાઈન કે મોબાઈલ ચેટિંગ વગેરે), તો ક્યારેક વિકૃતિ (એમએમએસ, હેકિંગ, રેસિંગ, અન્યને નુકસાન વગેરે) ! સ્વાભાવિક છે મઝા મેળવવાની આ આખી માનસિકતામાં ભણવાનું કેટલું બોરિંગ લાગે?! (કમનસીબી તો એ છે કે માત્ર ભણવાનું જ નહી એમને તો શિક્ષકો પણ બોરિંગ અને ડફોળ લાગે છે!) મા-બાપને ભણવા માટે રીતસર ડફણા મારવા પડે એવી પરિસ્થિતિ ઘરે ઘરે થતી જાય છે, એ મુદ્દે સતત ઘર્ષણ વધતું જાય છે અને ના ઈચ્છવા છતાં બંને વચ્ચે એક વૈચારિક અંતર ઉભું થતું જાય છે, મિત્રો તરફ આકર્ષણ વધતું જાય છે.

જીવનમાં કરવી પડતી દરેક વસ્તુમાં મઝા ના હોય, કેટલીક બાબતો કંટાળાજનક હોય તો પણ જવાબદારી અને સિસ્ટમના ભાગ રૂપે કરવી જ પડે; તે પાઠ એમને નાનપણથી જ પઢાવવા પડે. મા-બાપે પણ દર વખતે નવરા પડતાંજ મઝા કરવાની સ્કીમો બનાવવાને બદલે કૌટુંબિક-સામાજીક જવાબદારીઓ વિકસાવે તેવી પ્રવૃતિઓમાં જોતરાવું જોઈએ. જેવું સંતાન બોર થતું હોવાની વાતો કરે કે તરત તેની મઝાના ઉપાયો નહી શોધવાના પરંતુ ચતુરાઈપૂર્વક તેને કંટાળો સહન કરતાં શીખવવું પડે અને કંટાળાજનક પરંતુ જરૂરી એવી દરેક પ્રવૃતિમાં જોતરાયેલા રહેવા માટે જુદી જુદી રીતે પ્રોત્સાહિત કરતાં રહેવું પડે. વાંચન, સંગીત વગેરે જેવા એકલતામાં સાથ આપે તેવા શોખ સંતાનમાં વિકસાવવા જોઈએ જેથી પોતાના કંટાળાનો રચનાત્મક ઉકેલ તે શોધી શકે.

આ ઉપરાંત કિશોરો સાથે કામ લેવામાં કે સંવાદ સાધવામાં તેમની આ મઝા મેળવવાની વૃતિ યાદ રાખીને આગળ વધવાથી એમને તમારામાં, તમારી વાતોમાં કે તમારી સલાહોમાં રસ પડે છે અને સરવાળે ઘર્ષણ થવાના સંજોગો ઘટે છે. (ક્રમશ:)

Image

 
2 Comments

Posted by on September 20, 2012 in Uncategorized

 

પોતાને કોઈ ફરક નથી પડતો તેવું વલણ બતાવતા રહેતાં કિશોરો અંદરખાને અન્ય દ્વારા પોતાની સતત સ્વીકૃતિ ઇચ્છતા રહે છે !

આજના કિશોરોની લાક્ષણીકતાઓની આપણે વાત કરતાં હતાં. આજના કિશોરોમાં અધીરાઇ અને આવેગશીલતા ઉડીને આંખે વળગે તેવી છે, તેની સાથે સાથે આજના કિશોરોને પોતાના તરફ અન્યનું સતત ધ્યાન ખેંચવું છે (એટેન્શન સીકિંગ) અને એમને દરેક નાની-મોટી વાતમાંથી મઝા જોઈએ છે (સેન્શેશન સીકિંગ).
જે લોકો એવું કહેતા ફરતા હોય છે કે ‘મને કોઈની પડી નથી’, ‘કોઈની પરવા નથી’, ‘કોઈ ફરક નથી પડતો’- વાસ્તવમાં તેમને સામાન્ય કરતાં લોકોની વધુ પડી હોય છે, પોતાના માટે અન્ય શું વિચારે છે તેની વધુ પરવા હોય છે અને તેમને અન્યના વ્યવહારો-પ્રતિભાવોથી બહુ ફરક પડતો હોય છે ! મોટાભાગના કિશોરોનું પણ આવું જ વલણ હોય છે, હા; કદાચ મા-બાપની પરવા નહી હોય (આ ઉંમર પૂરતી જ, બાકી પરિપક્વતા અને વધતી ઉંમર સાથે આ લાગણીઓ પાછી વળે છે) પરંતુ પોતાના મિત્રો, સમવયસ્કો, બહારની વ્યક્તિઓ વગેરેના અભિપ્રાયો અંગે પહેલાની પેઢી હતી તેના કરતાં અનેકગણી સંવેદનશીલ આ પેઢી છે ! એમનો એટીટ્યુડ ગમે તે હોય પણ અંદરખાને મોટાભાગના કિશોરો અન્ય દ્વારા પોતાના વિચારોની સતત સ્વીકૃતિ ઇચ્છતા રહે છે. એટીટ્યુડ એવો કે ફેસબુકની વોલ પર સ્ટેટસ મૂકે કે ‘જમાના હમ સે હૈ, હમ જમાને સે નહિં’ અને પછી વારંવાર જોયા કરે કે જમાનામાંથી ‘લાઈક’ કેટલી અને કોની કોની આવી?!! ખરેખર તો આ ઉંમર એવી છે કે જેમાં તેમના સુખ-દુઃખનો આધાર જ તેમની સ્વીકૃતિ કેટલી છે એની ઉપર હોય છે અને આ સ્વીકૃતિ મેળવવા; અન્યનું ધ્યાન પોતાના તરફ ખેંચાય એ માટે તે કંઈ પણ કરતાં અચકાતાં નથી ! જેટલી ધ્યાન ખેંચવાની ભુખ મોટી તેટલી વર્તનની સમસ્યા મોટી. ભુખ ખાલી ફેસબુક પરની ‘લાઈક’ જેટલી હોય તો ‘લાઈક’ ના મળતા ધૂંધવાયેલા રહે પણ ભુખ સેલીબ્રીટી જેવું આકર્ષણ જમાવવાની હોય તો ‘બાઈકર ગેંગ’ના સભ્ય પણ થવું પડે કે અગત્યની સાઈટનું ‘હેકિંગ’ પણ કરવું પડે !
કિશોરોની આવી ધ્યાન ખેંચવાની વૃતિ પાછળ કંઇક અંશે તેમની આ ઉંમર જવાબદાર છે પરંતુ એ વૃતિઓ વકરી જાય તેટલી હદે પહોંચાડવા પાછળ મા-બાપો અને વાતાવરણ પણ એટલા જ જવાબદાર હોય છે. ક્યાંક સાંભળ્યું હોય, વાંચ્યું હોય અથવા કોઈ ‘પેરેન્ટિંગ ગુરુ’એ શીખવાડ્યું હોય કે ‘બાળકોને પ્રોત્સાહિત કરવા’ એટલે પછી બાળક કંઈપણ કરે, જે નોંધપાત્ર ના હોય કે એટલું વખાણવા લાયક ના હોય તો પણ એની ‘વાહ-વાહ’ કરવી અને અન્યો પાસે ધરાર કરાવવી. સરવાળે બાળકને દરેક બાબતમાં લોકોનું ધ્યાન ખેંચવાની, દાદ અને સ્વીકૃતિ મેળવવાની ટેવ પડી જાય. પોતાની દરેક નાની નાની બાબતો બધાની નજરમાં આવે, સ્વીકૃતિ અને વખાણ પામે તેવી અપેક્ષાઓ તેના મનમાં અજાગ્રત સ્તરે સતત આકાર પામતી રહે. આજુબાજુનું વાતાવરણ આ વૃતિમાં અધૂરી રહી ગયેલી કસર પુરી કરી કાઢે, પોતાના સમવયસ્કોને તેમની બાબતોની સ્વીકૃતિ કે વખાણ મળે તો પોતે કંઈ કમ નથી જ અને પોતાને પણ યેન-કેન-પ્રકારેણ એ મળવી જ જોઈએ તેવા વિચારે રઘવાયા થઇ જતા ઘણાં કિશોરો છે. કેટલાક કિસ્સાઓમાં તો આ અન્યનું ધ્યાન ખેંચવાની વૃતિ એટલી પ્રબળ બની જતી હોય છે કે એના માટે તે અન્યને કે પોતાની જાતને નુકસાન કરતાં પણ અચકાતાં નથી. નિર્દોષ લોકોને રંજાડતા, જાહેર કે ખાનગી મિલકતોને નુકશાન કરતાં, રસ્તા વચ્ચે તમાશો ઉભો કરતાં, પોતાના હાથની નસો કાપી નાખતા વગેરે આ વૃતિને પોષતા રોજીંદા જીવનમાં જોવા મળતા નકારાત્મક વર્તનના ઉદાહરણો છે. તો સામે બોડી-બિલ્ડીંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, દેખાડો કરવા બ્રાન્ડનું વળગણ વગેરે તેના સકારાત્મક કહી શકાય તેવા ઉદાહરણો છે.
કિશોરાવસ્થામાં પોતાનું આગવું મહત્વ સ્થપાય, પોતાના વિચારો-અભિપ્રાયોને સ્વીકૃતિ પ્રાપ્ત થાય, પોતે સૌના આકર્ષણનું કેન્દ્ર બને વગેરે ઇચ્છાઓ થવી સહજ છે. પરંતુ, સાથે સાથે દરેક વખતે આમ ના પણ બને, અન્ય કોઈની અગત્યતા કે સિદ્ધિઓને આપણા કરતાં વધુ પ્રાધાન્ય મળી શકે, આપણી દરેક બાબતો વખાણવાલાયક ના પણ હોઈ શકે, આપણી નાની-મોટી બધી બાબતોની નોંધ બધા લગતા-વળગતા ના પણ લે વગેરે વાતો માતા-પિતા કે વડીલ કુટુંબીજનોએ નાનપણથી જ અવાર-નવાર પ્રસંગોપાત સમજાવતા રહેવું પડે. બાળકને નાનપણથી આકર્ષણ ઉત્પન્ન કર્યા વગર એક સામાન્ય બાળક તરીકે રહેવાની પણ આદત પાડવી પડે ! અફ્સોસ, અહીં તો બિલકુલ ઉલટું છે – બાળકો મા-બાપની હરીફાઈઓના સાધન છે. જયારે ભેગા થાય ત્યારે એકબીજાં પોતપોતાના સંતાનોની પ્રવૃતિઓ-નાની નાની સિદ્ધિઓ ગાવામાં વ્યસ્ત છે અને નાનું બાળક આ જોતા જોતા મોટું થતું જાય છે, ઈચ્છા-અનિચ્છાએ આ પ્રવૃતિઓનો ભાગ બને છે અને જયારે કિશોરાવસ્થામાં અંત:સ્ત્રાવોનું બળ પ્રાપ્ત થાય ત્યારે વકરે છે.
આ ઉપરાંત તમારા કિશોરવયના બાળકોમાં આ વૃતિ સીમિત રાખવા માટે તેમના વિચારો-અભિપ્રાયોને વ્યક્ત કરવાની તક આપો, તેમને તોડી ના પડો અને તે પરિવારના મહત્વના સભ્ય છે તેવો વિશ્વાસ તેમનામાં જગાવો. મિત્રોમાં કે સમાજમાં મહત્વના બનવા માટે પોતાનો દરેક સ્તરે વિકાસ કરતાં રહેવું જરૂરી છે અને સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો એ બાબતો પ્રસંગોપાત સમજાવતા રહેવું પડે, તે પણ માત્ર ઉપદેશથી નહી તમારા પોતાના વર્તન-વ્યવહારથી પણ !

પૂર્ણવિરામ
બાળઉછેર અંગે એક વિચારકની માર્મિક વાત –
એક સમયે મારી પાસે બાળઉછેરના છ નિયમો હતાં
આજે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી !

 
Leave a comment

Posted by on September 13, 2012 in Uncategorized

 

Interview in today’s Times of India, on gutka ban….

Gutka ban in Gujarat effective from today
TIMES NEWS NETWORK

Ahmedabad: A comprehensive ban on production and sale of gutka will come into effect in Gujarat on Tuesday, as per the notification issued by the state government. Chief minister Narendra Modi, during his Independence Day address, had announced complete ban on gutka from September 11.
However, there is a catch in the notification issued: sale of gutka will be prohibited, but one would be free to sell separately tobacco, beetle nut and lime separately.
The ban as per provisions of Food Safety and Standards Act, 2006 would initially be for one year, Gujarat’s Commissioner of Food Safety Dr H G Koshia had said.
Any violation of ban would attract at least six months of imprisonment and a fine up to Rs 5 lakh, according to the notification. However, the prohibition would not be applicable in respect of 100 per cent export oriented units. The ban will also not be applicable to pan masala. The Global Adult Tobacco Survey of India 2009-10 revealed that 35 per cent adults use tobacco in some form or other, out of which 21 per cent were found to be consuming smokeless tobacco (like gutka). As per this survey, smokeless tobacco use is more prevalent in Gujarat with 18.4 per cent of the adult population addicted to it. The Maharashtra government had recently imposed a ban on gutka and pan masala. Some other states like Kerala, Madhya Pradesh, Rajasthan and Bihar had also followed suit. Times View
Gutka may have been banned in Gujarat, but not the separate ingredients it is made of. Effectively, addicts in Gujarat – the unofficial mouth cancer capital of the country – may still be able to consume this deadly tobacco preparation without breaking the law. The positive aspect of the ban, however, is that gutka will no longer be easily available in pouches, restricting access to vulnerable groups, like children. Gutka ban will spur improvised addictions Radha Sharma TNN
Ahmedabad: On Tuesday morning, Ramanlal Darbar will not empty a gutka sachet in his mouth after breakfast. Instead, he got himself a packet of flavoured tobacco, betelnut and a bottle of lime water which he will mix himself and use as a substitute for his addiction.
“I have been eating tenodd gutka sachets a day for the last five years. All of a sudden I gave it up. I will switch to tobacco,” says Darbar candidly.
Anita Maratha on the other hand, bought herself a cache of gutka sachets which will last her three days or so. “Then I intend to give it up. I am not rich enough to buy tobacco packets. They are too expensive. Eating gutka used to give me a kick between work at different homes. I know I’ll feel miserable but it’s good. I’ll get rid of this addiction,” says Anita who works as a domestic help in Satellite.
Experts say that the next week will be challenging for lakhs of people addicted to gutka, which includes men, women and even children.
“Gutka addiction is stronger than smoking. Withdrawal symptoms will include intense cravings, irritability, sleep disturbances, headaches, anxiety and even depression. If a person is mentally strong and has decided to brave these, things should normalize within 10-20 days and he or she will be free of the addiction,” says psychiatrist Dr Hansal Bhachech.
Dr Bhachech however sees a greater possibility of especially men turning to other tobacco alternatives available in the market.
“People can buy tobacco and mix it themselves to form their own concoction. Many who are highly addicted are more likely to turn to other options. Women and children may be forced to give it up, as tobacco in its raw form is not as user-friendly as a sachet of processed gutka,” said Dr Bhachech.

 
Leave a comment

Posted by on September 11, 2012 in Uncategorized

 

‘પણ, હું તો તને પ્રેમ કરું છું !’ સૌથી વધારે વંચાતી બુક્સની યાદીમાં….:)

પ્રિય વાચક મિત્રો,
મારા આ પુસ્તકને આટલું બધું વહાલ આપીને લોકપ્રિય બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર…..

‘પણ, હું તો તને પ્રેમ કરું છું !’ની રસપ્રદ વાતો આગળ વધારતું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘તું અને હું, બસ બીજું શું?!’

 
1 Comment

Posted by on September 8, 2012 in Uncategorized

 

લેપટોપમાં વેબ પેજ લોડ થાય એટલીવાર પણ ધીરજ ના રાખી શકતા ટીનેજર્સને ધીરજના પાઠ પઢાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે !

મા-બાપ કોઈપણ યુગના હોય, સંતાનના ઘડતર અંગે હંમેશા ચિંતિત રહ્યા છે. આજે સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચિંતાઓ પણ ! ચિંતા માબાપને છે એટલે સમજ કેળવવાની પહેલ પણ માબાપે જ કરવી પડશે, બાકી સંતાનને તમારી સમજમાં રસ નથી એને તો તમે એને જે કરવું છે તે બેરોકટોક કરવા દો એટલે બધું મઝાનું જ છે! આજના આ કિશોરોને સમજવા તેમની લાક્ષણીકતાઓ સમજવી પડશે. અલબત્ત, એક સ્પષ્ટતા ચોક્કસ કરવી છે કે અહીં જે વાતોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ વ્યવહારમાં મુકવી એટલી સરળ નથી પણ સાથે સાથે એ’ય કહેવું છે કે અશક્ય પણ નથી. તમે એ દિશામાં પ્રયત્નશીલ રહો તો ફાયદો જ થશે નુકસાનનો તો સવાલ જ નથી. હા, બહારનું વાતાવરણ, મીડિયા-ટેકનોલોજીની અસરો, કાયદો-વ્યવસ્થાની બીનઅસરકારકતા, સંગત વગેરેને કારણે ફાયદાની માત્રાની ખાત્રી આપી શકાય તેમ નથી પરંતુ સંતાન માટે આટલું તો ચોક્કસ કરી જ છૂટવું જોઈએ.
છેલ્લાં બે દાયકાથી મા-બાપો તેમના સંતાનને ખેંચીને શક્ય બને તેટલું બધું, તેટલું ઉત્તમ અને તેટલું તાત્કાલિક આપવા દિવસે દિવસે વધુને વધુ ઘેલા બનતા જાય છે. પોતે ના ભોગવ્યું હોય, પોતાને જેનો અભાવ નડ્યો હોય તે તમામ સગવડો સંતાનને આપવી તે દરેક મા-બાપની ઈચ્છા હોય તે સમજી શકાય તેવી વાત છે પરંતુ હું જે કહેવા માંગું છું એ તમે સૌ સમજો જ છો. એક પેન્સિલ માટે પંદર દિવસ ટુકડા ઘસતી કે લીક થતી પેનની સ્યાહી માથામાં ઘસતી પેઢીના સંતાનો પાસે આજે ડઝન પેન્સિલો કે વાપરીને ફેંકી દેવાની પેનોના ઢગલા છે અને તેમ છતાં’ય ‘બધા પાસે જે છે એ મારી પાસે નથી’ એવાં વાંધા છે ! મા-બાપની ઘેલછા સિવાયના પણ બીજા અસંખ્ય કારણો છે પરંતુ સરવાળે કમનસીબ પરિણામ એ આવ્યું છે કે ટીનેજર્સમાં કોઈપણ બાબતની ધીરજનો અભાવ જોવા મળે છે. એમને જે પણ જોઈએ છે, એમને જે પણ કરવું છે તે બસ હમણાંને હમણાં ! રાહ જોવાની તો વાત જ કોઈ કાળે ગળે ઉતરતી નથી. ક્યાંક તો મા-બાપ ઉપર દબાણ, ધમપછાડા, જીદ અને ક્યાંક તો પછી ચોરી, ફાંદાબાજી, સટ્ટાબાજી કે ગુનાખોરી !
એટલે સૌથી પહેલી વાત, કે જો આ ટીનેજર્સને સમજવા હશે તો તેમની અધીરાઈ સમજવી પડશે અને તેને કાબુમાં રાખતા-હેન્ડલ કરતાં શીખવું પડશે. અધીરાઈ હંમેશાથી કિશોરો અને યુવાનોનો સ્વભાવ રહ્યો છે તેની ના નહી પણ કદાચ આ ઉંમરના પ્રશ્નોમાં આ જ અધીરાઈએ મહત્વનો ભાગ ભજવ્યો છે. એક સમયે કાબુમાં રહેતી ટીનેજર્સની અધીરાઈ આજે મા-બાપોની ઘેલછા, સુખ-સગવડો-સાધનોનું વ્યાપારીકરણ, જાહેરાતો-મીડિયા, ટેકનોલોજી,નેટવર્કીંગ વગેરે અનેક કારણોસર હદ વટાવી ગઈ છે. મોજશોખ માટે ચોરીના રવાડે ચઢેલા, નાનકડી જરૂરીયાત તાત્કાલિક પુરી ના થતાં પંખે લટકી જતા કે દરેક બાબતમાં શોર્ટકટ શોધતા રહેતાં અનેક કિશોરો મારી વાતનું પ્રમાણ છે. લેપટોપમાં વેબ પેજ લોડ થાય એટલીવાર પણ ધીરજ ના રાખી શકતા આ સમુદાયને ધીરજના પાઠ પઢાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે પણ સૌ કોઈએ તેમની સાથેના કોઈપણ વ્યવહારમાં તેમની આ લાક્ષણિકતા ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવો પડશે. એમને જયારે શિક્ષા કરવાની થાય ત્યારે ધીરજ રાખવાની શિક્ષા કરવી પડશે ! દા.ત. હેલ્મેટ વગર સ્કુટર ચલાવતા કિશોરોને ૫૦ રૂપિયાના દંડ કરતાં ચાર રસ્તાની વચ્ચે કંઈપણ કર્યા વગર બે કલાક ઉભો રાખવાનો દંડ થાય તો એના મોતિયા મરી જાય, ખિસ્સાની કે પૈસાની ચરબી ઉતરી જાય અને ફરી હેલ્મેટ વગર નીકળતા પાંચવાર વિચારતો થાય ! પણ, કમનસીબે આવું થશે નહી કારણ કે મા-બાપો પોલીસો સાથે બાથમબાથી પર આવી જશે !! વિદ્યાર્થીઓમાં શિસ્ત પરત્વે શિક્ષકોનું ‘નરો વા કુંજરો વા’ મા-બાપના આવા વલણનું તો પરિણામ છે !
આવી જ એક બીજી લાક્ષણિકતા છે, આવેગશીલતા. આજના ટીનેજર્સ આવેગશીલ છે. અધીરાઇ આવેગશીલતાની જન્મદાતા છે. આવેગશીલ વ્યક્તિનું મગજ કામ પહેલાં કરે અને કામ કરી નાખ્યા પછી તેના પરિણામ કે અસરો વિશે વિચારે ! પરિણામ?! ખોટા નિર્ણયો, ખોટા કામોમાં સંડોવણી, ખોટા સંબંધો, ખોટી સંગતો અને સરવાળે બધું જ જ્ઞાન લાધે ત્યારે પસ્તાવો ! ઘણીવાર આત્મવિશ્વાસ તળિયે બેસી જાય તો ઘણીવાર જાત પ્રત્યેનો ગુસ્સો અન્ય કુટુંબીજનો, સમાજ, સિસ્ટમ કે નિર્દોષ વ્યક્તિઓ પર ઠલવાય. તેમને કોઈપણ કામ કરતાં પહેલાં તેના પરિણામ વિશેનું ચિંતન કરતાં શીખવવું પડે એમ છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તો મા-બાપો જ આવેગશીલ હોય છે ત્યાં સંતાનોને શું શીખવે?! સંતાનોને પરિણામ વિશે આગોતરું ચિંતન કરતાં શીખવવું હોય તો તમારામાં ધીરજ, પરિપક્વતા, આયોજનબધ્ધતા વગેરે હોવું જરૂરી છે. જયારે સંતાન આવેગશીલતા ઉપર કાબુ ધરાવતું થાય ત્યારે આપોઆપ ધીરજ રાખતા શીખે છે અને સરવાળે તમારી ઘણી ચિંતાઓ ઓછી થાય છે. (ક્રમશ:)

પૂર્ણવિરામ
અધીરાઇ એ માનસિક અશાંતિ, મુંઝવણ, અવિશ્વાસ અને અપરિપક્વતાની મીલીભગત છે !

 
4 Comments

Posted by on September 4, 2012 in Uncategorized