સ્ત્રી-પુરુષના પ્રશ્નો થકવી નાખનારા અને રીબાવનારા હોય છે જયારે સંતાન-માબાપના પ્રશ્નો મુંઝવી નાખનારા અને ચિંતા કરાવનારા હોય છે !

જીવનમાં થકવી અને મુંઝવી નાખે એવી ઘણી બાબતો છે પરંતુ તેમાં ટોચની કહી શકાય તેવી એક બાબત છે તમારા સંબંધોના પ્રશ્નો. જયારે કોઈપણ વ્યક્તિ સંબંધોના પ્રશ્નોથી ઘેરાયેલી હોય ત્યારે તેની લાગણીઓનો કુચ્ચો નીકળી જતો હોય છે અને જો આ પ્રશ્નો જરૂર કરતાં લાંબા ચાલે તો વ્યક્તિઓ લગભગ નીચોવાઈ જતી હોય છે. સંબંધ જેટલો વધુ અંગત તેટલું વ્યક્તિઓએ વધુ સહન કરવાનું થાય તે સમજી શકાય તેવો તર્ક છે પરંતુ, સંબંધોમાં સૌથી વિકટ પ્રશ્નો સ્ત્રી-પુરુષના સંબંધો અને સંતાન-માબાપના સંબંધોમાં સર્જાતા હોય છે. સ્ત્રી-પુરુષ કે પતિ-પત્નીના પ્રશ્નો મહદઅંશે થકવી નાખનારા અને રીબાવનારા હોય છે જયારે સંતાન-માબાપના પ્રશ્નો મહદઅંશે મુંઝવી નાખનારા અને ચિંતા કરાવનારા હોય છે.

સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થશે કે સ્ત્રી-પુરુષના પ્રશ્નો થકવે કે રિબાવે કેમ અને સંતાન-માબાપના પ્રશ્નો મૂંઝવે કે ચિંતા કેમ કરાવે?!! સરળ છે, સ્ત્રી-પુરુષના સંબંધમાં બંને પાત્રને એક-બીજા પાસેથી એક સ્તરની પરિપક્વતાની અપેક્ષા હોય છે. જ્યાં સુધી બંને પરિપક્વતાથી વર્તે ત્યાં સુધી પ્રશ્નો હોવા છતાં સંબંધ સચવાય છે. જયારે બંને પૈકી એક બેજવાબદાર રીતે વર્તવાનું કે વ્યવહાર કરવાનું શરુ કરે ત્યારે પ્રશ્નો વિકટ બનવાના શરુ થાય અને પરિપક્વ સાથી બાજી સંભાળવામાં લાગી પડે. જો સાથી સમજી જાય તો ‘ખાધું,પીધું ને રાજ કર્યું’ અને જો સામેવાળાએ સમજદારી પોતાના અંગત કારણોસર અભરાઈએ ચઢાવી હોય તો જેટલો પરિપક્વ સાથી તરફથી પ્રયત્ન થાય એટલો પ્રશ્ન વધુ વિકટ થતો જાય. સરવાળે બંને એક જ ફરિયાદ કરતાં કરતાં થાકી જાય કે ‘એ મને સમજતો/સમજતી  કેમ નહી હોય?!!’ આમાં કોણ સાચું અને કોણ ખોટું એ વાત તો આપણે કરતાં જ નથી; થાક એકબીજાના જક્કી વલણ, જતું નહી કરવાની ભાવના અને નાસમજી નો હોય છે. પહેલાં વ્યક્તિ વ્યક્તિના વલણથી થાકે અને પછી આખા’ય સંબંધથી થાકે, સરવાળે આખો સંબંધ બંનેને રિબાવે. જેમ વ્યક્તિઓ રિબાતી જાય તેમ સંબંધ એક બોજ બનતો જાય.

બીજી બાજુ સંતાન-માબાપના સંબંધમાં સંતાન અને માબાપ પોતપોતાની સમજના અલગ ઓટલે ઉભા છે, ખાસ કરીને કિશોરાવસ્થામાં! માબાપ અનુભવના ઓટલે ઉભા છે અને સંતાન સ્વચ્છંદતા(મન ફાવે તેમ વર્તવું)ના ઓટલે ઉભા છે. માબાપના અનુભવને માન આપીને સંતાન એ મુજબ ચાલે અથવા સંતાનને પોતાનું ધાર્યું કે મરજી મુજબ કરવાની છૂટ આપીને માબાપ એ મુજબ ચાલે તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ, જીવનના અનુભવે માબાપ આંખ આડા કાન ના કરી શકે અને ધાર્યું કરવાની મનોવૃત્તિ ધરાવતા સંતાનોને માબાપની સલાહો કે કાબુ દખલગીરી લાગે. બસ, શરુ થઇ ગયો મૂંઝવણનો દોર. માબાપ મુંઝાય કે હવે આ સંતાનનું શું કરવું? કેવીરીતે સમજાવવું?! અને બીજી બાજુ સંતાન મુંઝાય કે આ માબાપનું શું કરવું? એમને કંઈ સમજણ જ નથી પડતી, ખાલી દરેક વાતમાં ટાંગ અડાવે છે અને નન્નો ભરે રાખે છે !! સંતાનો તો એમની મુત્સદ્દીગીરીમાં માબાપને આડું અવળું સમજાવીને, જીદ કરીને, લાગણીઓ બ્લેકમેઇલ કરીને, બળવાખોરી કરીને, છેતરીને કે માબાપને અંધારામાં રાખીને છાના છપના પોતાની ધારેલી દિશામાં જ જવાનું વલણ ધરાવે છે પરંતુ, માબાપ દબાણપૂર્વક કાબુ ધરાવવા છતાં અને ક્યારેક નિસહાય બનીને પણ સંતાનના ભવિષ્ય અંગે સતત ચિંતા સેવતા રહે છે.

આપણે સ્ત્રી-પુરુષના પ્રશ્નોની ચર્ચા ગણી ગણાય નહી એટલી કરી છે અને કરતાં રહીશું પણ ફોર અ ચેન્જ થોડા અઠવાડિયા સંતાન-માબાપની વાત કરીએ. પેઢીઓ વચ્ચે ચાલી આવતી વિસંવાદીતાઓ(જનરેશન ગેપ)થી વધુ આ વાત છે કારણ કે પહેલાં પેઢીઓ વચ્ચે વૈચારિક અંતર હતું પણ આજે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તમારા બાળકો વચ્ચે પાંચ વર્ષનું અંતર હોય તો તે બંનેની વચ્ચે’ય એક વૈચારિક અંતર છે! તેમની ભાષા, પસંદગી, પહેરવેશ વગેરે તમામ બાબતોમાં એક અંતર છે, તમારી મુલવણી સુક્ષ્મ રાખસો તો આ વાત તરત સમજાઈ જશે. એટલે, માત્ર ઉંમરના તફાવતને કારણે તમારા સંતાન અને તમારી વચ્ચેના સંબંધોમાં તણાવ રહે જ એ વિચારે મન મનાવીને બેસી રહેવાથી પ્રશ્નો હલ નથી થવાના, એક સમજ કેળવવી પડશે. સ્વાભાવિક છે ચિંતા માબાપને છે એટલે સમજ કેળવવાની પહેલ પણ માબાપે જ કરવી પડશે, બાકી સંતાનને તમારી સમજમાં રસ નથી એને તો તમે એને જે કરવું છે તે બેરોકટોક કરવા દો એટલે બધું મઝાનું જ છે! એને એની ઈચ્છા પ્રમાણે કરવા દો છો તો તમે એને સમજો છો નહિંતર એને તમારી સમજની બહુ લાંબી પડી નથી એ તમને મેનેજ કરતાં શીખી જાય છે ! અલબત્ત જીવનના એક તબક્કે એ તમને સમજી પણ જાય છે અને એની લાગણીઓ તમારા તરફ પાછી વળે છે પરંતુ, ક્યારેક ત્યાં સુધીમાં ઘણું ના થવાનું થઇ જાય તે પણ શક્ય છે અને માબાપની આ સમજ માબાપને સતત ચિંતામાં રાખવા પુરતી છે. હવે  જો આ બાબતમાં માબાપે જ પહેલ કરવી પડે એમ હોય તો શરૂઆત આજના આ કિશોરો અને યુવાનોની લાક્ષણીકતાઓ ઓળખવાથી કરવી પડે, આપણે આ લાક્ષણીકતાઓની તબક્કાવાર ચર્ચાથી વાત આવતા અઠવાડિયે આગળ વધારીશું. (ક્રમશ:)

પૂર્ણવિરામ

સંતાન કોઇ ચિત્ર નથી કે જેમાં આપણી ઈચ્છાના જ રંગો પુરાય, સંતાન તો છબી છે જેમાં સરવાળે તો આપણી જ નકલ ડોકાય !

Image

2 Comments Add yours

  1. siddhi says:

    sir, your articles are no doubt best but, i just love to read “Purnviram Quote ” @ the end of it… thnks to spread your thinking…! it’s really inspirational…! 🙂

  2. સંતાન તો છબી છે જેમાં સરવાળે તો આપણી જ નકલ ડોકાય ! સાચી વાત ….
    એનો મતલબ એમ થયો કે જેટલું આપણે આપણી જાત ને વધારે સમજીશું એટલું આપના સંતાનો વધારે સરળતાથી સમજી શકીશું..!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s